હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. અલગ અલગ પંડાલમાં અલગ અલગ થીમ પર ગણપતિજીની મૂર્તિ રાખવામાં આવતી હોય છે. ત્યારે મહિસાગરના લુણાવાડા શહેરમાં આવેલી છપૈયા ધામ સોસાયટીનો ગણપતિ પંડાલ એવો હતો જેમાં ગણપતિ દાદા સાથે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પણ રાખવામાં આવી હતી! એક ફેસબુક એકાઉન્ટમાં એક તસવીર શેર કરવામાં આવી હતી જેમાં સ્વામીનારાયણ ભગવાનનું આસન ગણપતિ દાદાના આસન કરતા મોટું બતાવવામાં આવ્યું છે. આ પોસ્ટ સામે આવતા ભારે વિવાદ છેડાયો છે. જ્યારે આ પંડાલનું કવરેજ કરવા મીડિયા કર્મીઓ ગયા હતા ત્યારે તેમની પર હુમલો થયો હતો. મહિલાઓએ તેમજ પૂરૂષોએ મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી પોસ્ટ!
સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવે છે. ક્યાંક સાર્વજનિક ગણેશ મહોત્સવ હોય છે તો ક્યાંક સોસાયટીના સભ્યો પોતાની સોસાયટીમાં ગણેશ પ્રતિમા લાવે છે. અલગ અલગ થીમ પર ગણપતિ બાપ્પાના પંડાલની સજાવટ કરવામાં આવે છે. ત્યારે મહિસાગરના લુણાવાડામાં આવેલી છપૈયા ધામ સોસાયટી વિસ્તારમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવવામાં આવી હતી. એ ફેસબુક પોસ્ટ સામે આવી હતી જેમાં ગણપતિ પંડાલમાં સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિ રાખવામાં આવી હતી. એ પંડાલમાં સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિ ગણપતિ દાદાની મૂર્તિ કરતા ઉંચી બતાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા સ્વામીનારાયણ સંપ્રદાય સતત ચર્ચામાં રહી રહ્યો છે.
કવરેજ માટે ગયેલા મીડિયા કર્મીઓ પર કરાયો હુમલો!
સાળંગપુર મંદિરનો વિવાદ શાંત થઈ ગયો છે. ત્યારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ ફોટો મૂકવામાં આવ્યો હતો. ફેસબુક પોસ્ટ સામે આવતા મીડિયા કર્મીઓ ત્યાં કવરેજ માટે પહોંચ્યા હતા. પરંતુ કવરેજ કરવા આવેલા કર્મીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો. લોકોના ટોળાઓએ મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો જેમાં મહિલા તેમજ પૂરૂષોનો સમાવેશ થયો હતો. લોકોએ કહ્યું કે પોતે સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયી છે અને અમારા ભગવાન મોટા છે તેમ કહીને મીડિયા કર્મીઓને માફી માગવા માટે પણ કહ્યું હતું.