મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકા વાજબી ભાવની સસ્તા અનાજની દુકાનમાં ખાધ ચીજવસ્તુઓની ગેરરીતિ થતી હોવાની વ્યાપક ફરિયાદ હોવાથી જિલ્લાની સસ્તા અનાજની (પુરવઠા) દુકાનો પર આંતરિક રેડ પાડવામાં આવી હતી. લુણાવાડા મામલતદારની આગેવાની હેઠળ ખાનપુરની મુડાવડેખ ગામની સસ્તા અનાજની દુકાન પર રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં અંદાજિત રૂપિયા 60.000ની કાળા બજારી મામલતદારે ઝડપી પાડ્યો હતો. ગરીબોને આપવામાં આવતા ઘઉં અને ચોખાનો જથ્થો પણ મામલતદારે મામલતદારે જપ્ત કર્યો હતો. મુડાવડેખ સસ્તા અનાજની દુકાનના સંચાલક કનુ પંડ્યા સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સરકારી અનાજ વેચતા ઝડપાયેલા સંચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતા અનાજ માફિયામાં સન્નાટો પ્રસરી ગયો છે. ઉલ્લેખનિય છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગરીબો માટે ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં અનાજ માફિયાઓ દ્વારા ગેરરીતિ કરવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.


પરવાનો રદ કરવાની ઉઠી માંગ
મહીસાગર જીલ્લામાં ઘણા સમયથી સરકાર જે ગરીબોને રાહત દરે તેમજ મફત સસ્તા અનાજની દુકાનમાંથી ખાંડ, તેલ અને ચણા સહીત અન્ય સામ્રગી આપે છે. તેમાં સંચાલકો ઓછો જથ્થો આપતો હોવાની બૂમ ઉઠી હતી. અનેક કાર્ડધારકો દુકાને ખાધ ચીજવસ્તુઓ લેવા માટે જાય ત્યારે સ્ટોક ન હોવાનું દુકાનધારકો કહેતા જોવા મળતા હતા. તેવામાં પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું હતું. ખાનપુર તાલુકામાં પણ કેટલાક રેશનિંગના દુકાનદારો ગરીબોનું અનાજ સગેવગે કરતા હતા જેથી લુણાવાડા મામલતદારે મુડાવડેખ ગામની સસ્તા અનાજની દુકાન પર ઓચિંતી રેડ પાડી હતી. મુડાવડેખ સસ્તા અનાજની દુકાનના સંચાલક કનુ પંડ્યા કાળા બજારી કરી ગરીબોનું અનાજ બારોબાર વેચી મારી મોટી કમાણી કરતા હોવાનુ સામે આવ્યું છે. સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ કનુ પંડ્યા ખાનપુર તાલુકા એસોસિએશનના સસ્તા અનાજની દુકાનોના વહીવટદાર છે. મામલતદારની રેડ બાદ સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમણે કાળા બજારી કરતા સચલકો સામે કાયદેસર કાર્યવાહી કરવાનો અને તેમનો પરવાનો રદ કરવાની માંગ કરી હતી.