આમ આદમી પાર્ટી અને એનસીપીને પડ્યો મોટો ફટકો
ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળો શરૂ થઈ જતો હોય છે. પક્ષપલટો કરી નેતાઓ બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ત્યારે મહીસાગરમાં જેમને આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં પોતાનો ચહેરો બનાવ્યો હતો મતલબ કે જે ઉમેદવાર હતા તેમણે આમ આદમી પાર્ટીનો ખેસ ફાડી દીધો છે. પોતાના કાર્યકર્તાઓ સાથે તેમણે કેસરિયો ધારણ કર્યો હતો. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પ્રમુખના સત્કાર સમારોહમાં આપના અને એનસીપીના નેતા કેસરિયા રંગે રંગાયા હતા.
ચૂંટણી નજીક આવતા પાર્ટીમાં શરૂ થશે ભરતી મેળો!
સંતરામપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા પર્વત વાગડીયા સહીત ખાનપુર તાલુકા પંચાયતના કારંટા બેઠકના આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સભ્ય અરવિંદ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોર્ધન ઝડફિયા, મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર અને પ્રભારી મંત્રી બચુંભાઈ ખાબડ સહિત પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. મહત્વનું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ અનેક નેતાઓ પક્ષપલટો કરશે. જે પાર્ટી માટે તેમણે અપશબ્દો કહ્યા હતા તે જ પાર્ટીમાં ચૂંટણી નજીક આવતા નેતાઓ જોડાઈ જતા હોય છે.