દેશની સુરક્ષા માટે તત્પર રહેતા જવાન જ્યારે સરહદ પર શહિદ થાય છે ત્યારે તે અમર બની જાય છે. એ અમર રહેશે જો આપણે તેમને અમર રાખીશું. અમર આપણી વાર્તામાં, અમર આપણા દિલમાં. આપણે આપણા ઘરમાં સુરક્ષિત છીએ કારણ કે દેશની અને આપણી સુરક્ષા કરવા માટે સરહદ પર જવાન તૈનાત છે. આપણે નિશ્ચિંત થઈ ફરી શકીએ છીએ કારણ કે આપણને વિશ્વાસ છે કે આપણી, આપણા પરિવારની સુરક્ષા જવાન કરી રહ્યા છે. પોતાના પરિવારથી દૂર આપણા પરિવારની સુરક્ષા માટે જવાન પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર, પોતાના પરિવારનો વિચાર કર્યા વગર પોતાની ફરજ સમજી કરે છે.
દેશની રક્ષા માટે બલિદાન આપવા, એક ક્ષણ પણ નથી વિચારતા
વાત જવાનની એટલા માટે કરવી છે કારણ કે ભારત માતાની સેવા કરવા, રક્ષા કરવા માટે મહિપાલસિંહ જેવા અનેક વીર જવાનોએ પોતાના પ્રાણોની આહુતી આપી છે. 20-30 વર્ષની ઉંમરે એક તરફ તથ્ય પટેલ જેવા યુવાનો છે જેને પોતાના સિવાય કોઈ બીજાના પ્રાણની ચિંતા નથી અને એક તરફ સરહદ પર 20-30 વર્ષનો જવાન પોતાની ચિંતા કર્યા વગર દેશ માટે પોતાના જીવનો બલિદાન આપી દે છે. દેશનું એ સદ્ભાગ્ય ગણો કે શહીદ પરિવારનું દુર્ભાગ્ય ગણો કે નાની ઉંમરે યુવાનો આપણા માટે શહીદ થઈ જાય ત્યારે વિચારવું જરૂરી છે કે આપણી આદર્શની કહાનીમાંથી, આપણી વાર્તાઓમાંથી આવાથી આવા મહિપાલસિંહ ભૂંસાવા ન જોઈએ. કારણ કે આ લોકો છે આપણી સુરક્ષા માટે, દેશના આત્મસન્માન માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દે છે.
જ્યારે જ્યારે આપણે આપણું કર્તવ્ય પાલન કરવાનું ચૂકવીએ ત્યારે ત્યારે
મહિપાલસિંહ તેમજ શહીદોના બલિદાનને એટલા માટે બાળકોને વાર્તાના સ્વરૂપમાં, આદર્શોની રીતે એટલા માટે સતત કહેવી જોઈએ કારણ કે ભગતસિંહથી લઈ મહિપાલસિંહનો ઈતિહાસ કહે છે કે 23-25 વર્ષના યુવાનો દેશની સુરક્ષા માટે શહીદ થાય છે. આપણે દેશના સ્વાભીમાનની વાતો કરીએ છીએ પરંતુ આપણે આપણું કર્તવ્ય ભૂલી જઈએ છીએ. અને જ્યારે જ્યારે આપણે આપણી પ્રામાણિક્તા ચૂકી રહ્યા છીએ એવું લાગે કે આપણે આપણા કર્તવ્ય ચૂકી જતા હોઈએ, જ્યારે આપણને લાગે કે આપણે આપણા કર્તવ્યો સભાનતાથી નથી નિભાવી રહ્યા, જ્યારે જ્યારે એવું લાગે કે આ દેશની આઝાદીનું આપણે મૂલ્ય નથી સાચવી શક્તા ત્યારે ત્યારે ભગતસિંહથી લઈ મહિપાલસિંહ દ્વારા આપવામાં આવેલા બલિદાનને યાદ કરી લેજો.
આપણી રક્ષા માટે સરહદ પર ઉભા રહેતા જવાન પોતાના સીના પર ખાય છે ગોળી
આજની પેઢીના રોલ મોડલ રીલ હીરો હોય પરંતુ વાસ્તવિક્તામાં તેમના રોલ મોડલ રિયલ હિરો એટલે હોવા જોઈએ જે દેશ માટે શહીદ થાય છે. આપણામાંથી અનેક લોકો એવા હશે જે આવા શહીદોને ત્યારે જ યાદ રાખતા હશે જ્યારે તેમના પર ફિલ્મ બની હોય. દરેક શહીદને કોઈ પણ યાદ ન રાખી શકીએ, પરંતુ આપણા માટે તેમણે પોતાની જીવનની આહુતિ આપી છે એ તો યાદ રાખી શકીએ ને... કારણ કે એ લોકો દુશ્મની ગોળી પોતાની છાતીએ ખાય છે, દેશની રક્ષા માટે શહીદ થાય છે ત્યારે જ આપણે આપણા પરિવાર સાથે સુરક્ષિત રહી શકીએ છીએ. 'શહીદ અમર રહે'ના નારા તો ખૂબ લગાવ્યા પરંતુ હવે તેમને પોતાના મનમાં, આપણા કર્તવ્ય પાલનમાં તેમને અમર રાખવાના છે.