મહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માની જયંતી. વિશ્વકર્મા જયંતી આવતી કાલે એટલે કે 3 ફેબ્રુઆરીના રોજ આવી રહી છે. ભગવાન વિશ્વકર્માને દુનિયાના સર્વ પ્રથમ વાસ્તુકાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિશ્વકર્માએ સ્વર્ગલોક, હસ્તીનાપુર, દ્વારકા જેવા નગરોનું નિર્માણ કર્યું હતું. સામાન્ય ભાષામાં કહીએ તો ભગવાન વિશ્વકર્મા દેવતાઓના એન્જિનિયર કહેવાય છે.
મિસ્ત્રી કામ સાથે જોડાયેલા લોકો ભગવાન વિશ્વકર્માને તેમના આરાધ્ય કે કુળદેવતા રૂપે પૂજે છે. આ દિવસે કળા કૌશલ્ય ધરાવનાર વ્યક્તિ અને મશીન સાથે જોડાયેલા લોકો આ દિવસે તેમના સાધનો અને મશીનોની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી વેપાર-ધંધામાં વૃદ્ધિ થાય છે.
શાસ્ત્રોમાં ભગવાન વિશ્વકર્માની પૂજાને વિશેષ માનવામાં આવે છે. અનેક લોકો ઘરોમાં, કારખાનાઓ અને ઓદ્યોગિક સંસ્થાઓ દ્વારા વિશ્વકર્માની પૂજા કરવામાં આવે છે. કળિયુગમાં ભગવાન વિશ્વકર્માની પૂજા લોકો કરતા હોય છે કારણ કે ટેક્નોલોજી સાથે અનેક લોકો સંકળાયેલા હોય છે. આ તહેવાર એવા લોકો માટે જરૂરી છે જે કળાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ફર્નિચર બનાવનાર, મશીનરી સાથે સંકળાયેલા લોકો માટે આ દિવસ ખાસ હોય છે.