સારંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં વિવાદાસ્પદ ભીંતચિંત્રોનો મામલો શાંત થયો જો કે હજુ પણ તેની અસરો જોવા મળી રહી છે. સાળંગપુર વિવાદની વચ્ચે હવે મહંત દિલીપદાસજી મહારાજને અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખની જવાબદારી મળી છે. ઉલ્લેખનિય છે કે, આ પહેલા અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકે નૌતમ સ્વામી હતા. ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે મળેલી બેઠક બાદ નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.
સનાતની સાધુ-સંતોની બેઠકમાં નિર્ણય
રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ઉપરાંત બે કાર્યકારી ઉપાઅધ્યક્ષની પણ નિમણુંક કરવામાં આવી છે. મોહનદાસજી મહારાજને અને રાજેન્દ્રનંદગીરી મહારાજને કાર્યકારી ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. ઉપરાંત સંગઠનના સંયોજક તરીકે અરવિંદ બ્રહ્મભટ્ટની વરણી કરવામાં આવી છે.
અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના અધ્યક્ષ પદે દીલિપદાસજીનું નામ જાહેર થયા બાદ તેમણે જણાવ્યું હતું કે, ખુબ મોટી જવાબદારી સોંપવામાં આવી છે, તમામ સાધુ-સંતો, મહામંડલેશ્વરોને સાથે મળીને કામ કરીશું. વિવાદોથી દુર રહીને એકસાથે કામ કરીશુ.