છેલ્લા ઘણા સમયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી દ્વારા અનેક જગ્યાઓ પર રેડ કરવામાં આવી રહી છે. રેડ કરી કરોડોની સંપત્તિને જપ્ત કરવામાં આવતી હોય છે. ત્યારે આવી જ કડક કાર્યવાહી ઓનલાઈન ગેમ્બલિંગ એપ મહાદેવ વિરૂદ્ધ કરવામાં આવી છે. આખી એપનું સંચાલન દૂબઈથી કરાઈ રહ્યું હતું. ઈડીએ કોલકાતા, ભોપાલ, મુંબઈ સહિતના વિસ્તારોમાં ઈડી દ્વારા રેડ કરી છે અને સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ છાપામારી દરમિયાન કુલ 417 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મહાદેવ એપ વિરૂદ્ધ ઈડીએ કરી કાર્યવાહી
મોબાઈલ ફોનનો ઉપયોગ દરેક વ્યક્તિ કરતો હોય છે. અલગ અલગ એપનો ઉપયોગ લોકો કરતા હોય છે. ભગવાનનું નામ લેવાય તે માટે લોકો ભક્તિને લગતી એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોય છે પરંતુ અનેક વખત સટ્ટાબાજો પણ ભગવાનના નામ પર એપ્લિકેશનનું નામ રાખે છે. અમે વાત કરી રહ્યા છીએ મહાદેવ સટ્ટાબાજ એપની...આ એપ ઓનલાઈન સટ્ટાબાજી સાથે જોડાયેલી છે.
417 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત
ઓછા સમયમાં ઓછી મહેનત કરી સારા પૈસા કમાવાની લાલચ હોવાને કારણે લોકો સટ્ટો રમતા હોય છે. ઓનલાઈન સટ્ટા પણ રમાઈ રહ્યા છે. ત્યારે ઓનલાઈન સટ્ટા પર સકંજો લાવવા ઈડી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહાદેવ એપના પ્રમોટરોના વિવિધ સ્થળો પર રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન કરોડોનો મુદ્દામાલ મળી આવ્યો છે. ઈડીએ કોલકાતા, ભોપાલ, મુંબઈ સહિત મહાદેવ એપ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક્સ સામે કાર્યવાહીના ભાગરૂપે દરોડા પાડ્યા હતા. 417 કરોડની સંપત્તિને ફ્રિજ કરવામાં આવી છે.
રેડની કાર્યવાહી બાદ શું કહ્યું અધિકારીએ?
આ એપનું સંચાલન દુબઈથી કરવામાં આવી રહ્યું હતું. આ મામલે ઈડીએ જણાવ્યું કે સમગ્ર મામલાની તપાસ કરતી વખતે સામે આવ્યું કે છત્તીસગઢના ભિલાઈમાં રહેવાસી સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ ઓનલાઈન બૂક એપના મુખ્ય પ્રમોટર છે. આ એપનું સમગ્ર સંચાલન દુબઈથી કરવામાં આવે છે. તે પોતાના સહયોગીઓને ૭૦-૩૦ ટકા નફાની સરેરાશ પર પેનલ-શાખાઓની ફ્રેન્ચાઈઝી આપીને સંચાલિત કરાતી હતી. સટ્ટાબાજીમાંથી જે આવક થાય તે આવકને વિદેશી ખાતાઓમાં મોકલવા માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવતી. હવાલા ઓપરેશન ચલાવવામાં આવતું હતું. સટ્ટાબાજી પ્રત્યે લોકોને આકર્ષણ થાય તે માટે વિવિધ જાહેરાતો પણ કરવામાં આવતી. સટ્ટાબાજી વેબસાઈટોની જાહેરાત માટે ભારતમાં રોકડમાં પણ જંગી ખર્ચ કરવામાં આવતો હતો. વેબસાઈટનું માર્કેટિંગ કરવામાં આવતું હતું.