સામાન્ય રીતે આપણા દેશમાં અભ્યાસ માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે દેશમાં પહેલીવાર હિંદી ભાષામાં MBBSનો અભ્યાસ કરી શકાશે. મધ્યપ્રદેશ સરકારે આ નવી પહેલ કરી છે. હિંદીમાં અભ્યાસ થતો હોવાથી MBBSના પુસ્તકોને પણ હિંદીમાં તૈયાર કરાયા છે. ત્રણ પુસ્તકોનું વિમોચન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું. લાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત હિન્દીમેં જ્ઞાન કા પ્રકાશ કાર્યક્રમ દરમિયાન MBBS પ્રથમ વર્ષના ત્રણ વિષયના હિન્દી પુસ્તકોનું વિમોચન કર્યું હતું.
આજે દેશમાં નવી શરૂઆત થઈ છે - અમિત શાહ
આ કાર્યક્રમમાં સંબોધન આપતા તેમણે કહ્યું કે આજનો દિવસ ભારતના શિક્ષણ ક્ષેત્ર માટે ઘણો મહત્વનો છે. જ્યારે પણ આવનારા દિવસોમાં ઈતિહાસ લખાશે ત્યારે આજના દિવસનો ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે. સંકલ્પ પત્રની વાત કરતા તેમણે કહ્યું કે જ્યારે મધ્યપ્રદેશની ચૂંટણી યોજાઈ હતી ત્યારે સંકલ્પ પત્રમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મોદીજીની નવી શિક્ષણ નીતિને સૌ પ્રથમ મધ્યપ્રદેશે લાગુ કરી છે. આજે એક નવી શરૂઆત થઈ છે.
અંગ્રેજોએ આપણને અંગ્રેજીના ગુલામ બનાવી નાખ્યા - શિવરાજ સિંહ ચૌહાણ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. તબીબી શિક્ષણ અંગ્રેજીમાં હોવાથી હિંદી માધ્યમમાં ભણતા વિદ્યાર્થી ઈચ્છે તો પણ ડોક્ટર બની શકતા નથી. અંગ્રેજી ભાષા સપના પૂરા કરવામાં સૌથી મોટી બાધા બની જાય છે પરંતુ હવે મધ્યપ્રદેશમાં હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ પણ ડોક્ટર બની શકશે. દુનિયાના કોઈ પણ દેશમાં જાવ, ત્યાં શિક્ષણ તે દેશની સ્થાનિક ભાષાઓમાં થાય છે, પરંતુ અંગ્રેજી માનસિકતાના લોકોએ ભારતમાં હિંદી ભાષાને આગળ વધવા નથી દીધી.