મધ્યપ્રદેશના ગુનામાં એક માર્ગ અકસ્માત સર્જાયો છે જેણે ન માત્ર રાજ્યને પરંતુ દેશને હચમચાવી દીધો છે. ગુનામાં એક પેસેન્જર બસમાં આગ લાગી હતી જેમાં 13 લોકો બળીને ખાખ થઈ ગયા. મળતી માહિતી અનુસાર 27 ડિસેમ્બર રાત્રે 9 વાગે ગુના આરોન રોડ પર એક બસ ડમ્પર સાથે અથડાઈ. ભયંકર ટક્કર થતા બસ પલટી ગઈ અને એમાં આગ લાગી. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે જ્યારે 15 જેટલા લોકો ઘાયલ થયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બસ પલ્ટી અને પછી બસમાં લાગી આગ
અનેક લોકો નવા વર્ષની ઉજવણી માટે પ્લાનિંગ કરી રહ્યા છે. નવા વર્ષની તૈયારીઓમાં વ્યસ્ત છે તો બીજી તરફ મધ્યપ્રદેશના ગુનામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં અંદાજીત 13 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ઉપરાંત 15 જેટલા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર જે બસ સાથે આ દુર્ઘટના સર્જાઈ છે તે હારૂન તરફ જઈ રહી હતી. બસ જઈ રહી હતી ત્યારે બેકાબુ બનેલું ડમ્પર તેની સાથે અથડાયું અને આ અથડામણ થતાં બસ પલટી ગઈ. ન માત્ર બસ પલટી પરંતુ તેમાં ભીષણ આગ લાગી. એ આગ એટલી વિકરાળ હતી કે તેમાં 13 જીંદગીઓ બુઝાઈ ગઈ.
13 જેટલી જિંદગીઓ આગમાં બુઝાઈ
મુસાફરો કંઈ સમજે તે પહેલા જ આગની લપેટામાં બસ આવી ગઈ. આગ લાગતા જ અફરા-તફરી સર્જાઈ. બહાર નીકળવા માટે મુસાફરોએ કાચ તોડ્યા, અને મુસાફરો પોતાનો જીવ બચાવી શક્યા પરંતુ અનેક મુસાફરો એવા હતા જેમના માટે આ યાત્રા અંતિમ સાબિત થઈ. 13 જેટલા લોકો આગમાં દાઝી ગયા અને મોતને ભેટ્યા જ્યારે 15જેટલા લોકો ઘાયલ થયા છે અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ કરી આર્થિક સહાય આપવાની જાહેરાત
આ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી મોહન યાદવે શોક પ્રગટ કર્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને ચાર લાખ આપવાની જ્યારે ઘાયલોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે માટે તપાસ કરવા પણ આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ દુર્ઘટનાને લઈ શોક પ્રગટ કર્યો છે.
ખરાબ રીતે બળી ગયા છે મૃતકોના ચહેરા!
આ દુર્ઘટનામાં જે લોકો મોતને ભેટ્યા છે તેમના શરીરની એવી હાલત થઈ ગઈ છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કીલ છે. મૃતકોના ચહેરા એટલી ગંદી રીતે બળી ગયા છે કે તેમની ઓખળાણ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.