ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન તેની ચરમસીમા પર છે. ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ સમગ્ર રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. જો કે કેટલાક ઉમેદવારો પાર્ટી શિસ્તની ઐસી તૈસી કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહ્યા છે. ભાજપના જ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પણ ટિકિટ કપાતા તે પાર્ટીથી ઘણા નારાજ છે. દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપમાં હડકંપ મચી ગયો છે.
ભાજપથી નારાજ મધુ શ્રીવાસ્તવ વિશે શું કહ્યું?
ભાજપે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તુ કાપતા જ તેમના તેવર બદલાયા હતા. મધુ શ્રીવાસ્તવ પાર્ટી શિસ્તની નાફરમાની કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે તેવું અગાઉ જાહેર કરી ચુક્યા હતા. આજે તેમણે ફોર્મ ભરવા જતા પહેલા ભાજપને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે, મેં સી.આર પાટીલને કહ્યું હતું કે, આ મારી છેલ્લી તક છે, મારે આ પછી ચૂંટણી નથી લડવાની. તમે મને ટિકિટ આપો, મારી સાથે અન્યાય કરાયો છે. મારા કાર્યકર્તાઓની કમિટી બનાવી હતી અને કમિટીએ નિર્ણય લીધો કે તમારે અપક્ષ ચૂંટણી લડવાની છે. મેં ભાજપમાં 25-30 વર્ષ રહીને લોહી-પરસેવો રેડીને પાર્ટી આગળ લઈ જવા ઘણું કામ કર્યું છે. આજે મારી ટિકિટ કાપીને મારું અમપાન કર્યું છે મારા કાર્યકર્તાઓનું, મારા મતદારોનું અપમાન કર્યું છે. મારા કાર્યકર્તાઓ અને મતદારોએ કહ્યું, મધુભાઈ તમે ચૂંટણી લડો અમે તમારી સાથે છીએ. મધુ શ્રીવાસ્તવે તેમની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે મારી જીત નિશ્ચિત છે. જોકે તેઓ કેટલા મતથી જીતશે તે અંગે મૌન રહ્યા હતા.