વડોદરાની વાઘોડિયા વિધાનસભા વિશે ગુજરાત જાણતું હોય કે ના જાણતું હોય પણ દબંગ અને બાહુબલીની છબી ધરાવતા મધુ શ્રીવાસ્તવને બધા ઓળખતા હશે. મધુ શ્રીવાસ્તવ પોતાના બેફામ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. આજે તેમણે ભાજપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. "ભાજપે મને તક આપી એ બદલ આભાર" કહીને તેમણે ભાજપના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.
અમિત શાહ સાથે મધુ શ્રીવાસ્તવની થઈ હતી વાત
ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાયું હતું. મધુ શ્રીવાસ્તવની વાત ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે થઈ હતી. અમિત શાહે મધુ શ્રીવાસ્તવને 2 દિવસ રાહ જોવાની સલાહ આપી હતી. બે દિવસ બાદ પણ કોઈ નિર્ણય ન લેવાતા મધુ શ્રીવાસ્તવે નારાજ થઈ પાર્ટી છોડી દીધી છે. ભાજપે ગુજરાતના વિસ્તારો મુજબ નારાજ નેતાઓને મનાવવા માટે નેતાઓને મેદાને ઉતાર્યા છે. મધ્ય ગુજરાતમાં નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી હર્ષ સંઘવી અને ભાર્ગવ ભટ્ટ પર છે. હર્ષ સંઘવીએ પણ ગઈકાલે વડોદરાની મુલાકાત કરી હતી પરંતુ અમુક કારણોસર નેતાઓએ હર્ષ સંઘવીને મળવાનું ટાળ્યું હતું.
કાર્યકર્તાઓ નક્કી કરશે મારે લડવું કે નહીંઃ મધુ શ્રીવાસ્તવ
આમ તો મધુ શ્રીવાસ્તવ હમણા શું નિવેદનો આપે છે તે જ જાણે છે, કારણ કે ટૂંક સમય પહેલા જ તેમણે કહ્યું હતું કે મારા પત્ની ચૂંટણી લડશે. થોડા સમય બાદ જ તેમણે પોતાના નિવેદન પરથી પલટી મારી હતી અને જણાવ્યું હતું કે, "એ તો મારા પત્ની બાજુમાં ઉભા હતા અને તેમને સારું લાગે તેના માટે હું બોલ્યો હતો." અત્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે મારી એક ટીમ ગામડાઓમાં ફરશે અને મારા લોકો કહશે તો હું ચૂંટણી લડીશ બાકી નહીં લડું.
ભાજપને વાઘોડિયા બેઠક પર કેટલું નુકસાન પહોંચાડી શકે છે?
સ્થાનિક પત્રકારો સાથે જમાવટે જ્યારે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે મધુ શ્રીવાસ્તવ ભલે કહે છે કે કમિટી બનાવશે , સર્વે કરશે અને અપક્ષમાં લડશે પણ મધુ શ્રીવાસ્તવે વિપક્ષમાં લડવાનું મન બનાવી લીધું છે. જો કે કોંગ્રેસે હજુ વાઘોડિયા બેઠક પર ઉમેદવાર નથી જાહેર કર્યો તો મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાંથી પણ લડી શકે છે. પણ હાલની પરિસ્થિતિ મુજબ મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી લડે તેની સંભાવનાઓ વધુ છે. જો મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી લડે તો વાઘોડિયા બેઠક પર એકલા હાથે કબજો કરી શકે તેવી સંભાવનાઓ છે.
ભાજપે આ વખતે મધુ શ્રીવાસ્તવનું પત્તુ કાપીને અશ્વિન નટવર પટેલને મોકો આપ્યો છે. આમ આદમી પાર્ટીએ ગૌતમ રાજપૂતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વડોદરા જિલ્લાની દસ બેઠકો પર ભાજપનો દબદબો છે, માત્ર પાદરા બેઠક પર કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોરે પોતાને નામ કરી હતી. ત્યારે હવે ભાજપ મધુ શ્રીવાસ્તવને ઠંડા પાડવા શું કુનેહ વાપરે તે જોવાનું રહેશે.