નવરાત્રીના બીજા દિવસે મા દુર્ગાના બીજી સ્વરૂપ એટલે બ્રહ્મચારિણી માતાની આરાધના કરવામાં આવે છે. શ્વેત વસ્ત્રો ધારણ કરનાર બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે. બ્રહ્મચારિણીનો અર્થ સમજીએ તો બ્રહ્મનો અર્થ થાય છે તપ અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી. એટલે જે તપસ્યાનું આચરણ કરે છે તેને બ્રહ્મચારિણી કહેવામાં આવે છે. માતા બ્રહ્મચારિણીએ એક હાથ કમંડળ ધારણ કર્યું છે અને બીજા હાથમાં માતાજીએ માળા ધારણ કરી છે.
શા માટે માતાજી કહેવાય છે બ્રહ્મચારીણી
હિમાલયના ઘરે જન્મ લીધા બાદ નારદજી માતા શૈલપુત્રીને તપ કરવાનું કહે છે જેથી તેઓ શંકર ભગવાનને પામી શકે. આ વચન સાંભળ્યા બાદ માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ તરીકે પામવા હજારો વર્ષ તપ કર્યું હતું. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે હજારો વર્ષ સુધી માતાજીએ ફળ ખાઈને તપસ્યા કરી અને પછીના અનેકો વર્ષ માત્ર સુકાયેલા બીલીપત્ર, શાકભાજી ખાઈને તપ કર્યું હતું. તપ કરવાને કારણે તેમને બ્રહ્મચારિણી માતા કહેવામાં આવે છે. માતાજીની આવી ભક્તિ જોઈ ભગવાન શંકરે તેમને પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા હતા.
મા બ્રહ્મચારિણીનો મંત્ર
दधाना करपद्माभ्यामक्षमाला कमण्डलू
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ॥
માતા બ્રહ્મચારિણીના આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો આ મંત્ર ન થાય તો 'ॐ ऐं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नम:।' નો જાપ 108 વખત કરવો જોઈએ. મા બ્રહ્મચારિણી જ્ઞાન અને તપની દેવી છે. જે ભક્ત માના આ સ્વરૂપની ઉપાસના કરે છે તેને દરેક ક્ષેત્રમાં વિજય તથા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત તપ, વૈરાગ્ય, સંયમ અને સદાચાર તેમજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
બીજા દિવસે નૈવેદ્યમાં શું કરવું અર્પણ
નવરાત્રીના દિવસો દરમિયાન માતા સમક્ષ અલગ-અલગ ભોગ મુકવામાં આવે છે. દિવસ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવાથી માં જલ્દી પ્રસન્ન થાય છે. બીજા દિવસે નૈવેદ્ય તરીકે સાકાર અર્પણ કરવામાં આવે છે. સાકાર અર્પણ કરવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે.