STORY BY- સમીર પરમાર
ચૂંટણી પહેલાનો સમય વિવિધ માગણીઓ સાથે સરકારને ઘેરવાનો સમય હોય તેવું દેખાઈ રહ્યું છે. સરકારી અને બિનસરકારી લોકોએ ચૂંટણી પહેલા ગુજરાત સરકાર સામે મોરચો માંડતા હવે વધુ એક મુદ્દા સાથે લોકોએ ગાંધીનગરમાં વિરોધ કર્યો છે. વર્ષ 2017માં SRPFના વેઈટિંગ લિસ્ટમાં બાકી રહેલા ઉમેદવારોએ સરકાર સામે દેખાવો કર્યા છે. ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં માગણીઓના સૂર વધી રહ્યા છે.
શા માટે 2017ના વેઈટિંગ લિસ્ટના ઉમેદવારોએ મેદાને ઉતરવું પડ્યું?
વર્ષ 2016-17માં એલઆરડી-એસઆરપીએફની ભરતી કરવામાં આવી હતી. આ ભરતીમાં 20 ટકા વેઈટિંગ લિસ્ટ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. 20 ટકા વેઈટિંગ લિસ્ટમાંથી ત્યારે 10 ટકા વેઈટિંગ લિસ્ટની જાહેરાત કરવામાં આવી હતી. 10 ટકાનું એસઆરપીએફનું વેઈટિંગ લિસ્ટ પાંચ વર્ષ બાદ પણ નહીં જાહેર થતાં ઉમેદવારોને પોતાની માગ સાથે મેદાને ઉતરવું પડ્યું હતું. વેઈટિંગ લિસ્ટમાંથી ઓબીસી, એસટી, એસસી વર્ગના ઉમેદવારોની નિમણૂક પણ અત્યારે સુધીમાં નથી કરવામાં આવી. 10 ટકા વેઈટિંગ લિસ્ટ બાકી હોવાના કારણે મોટી સંખ્યામાં ઉમેદવારો સત્યાગ્રહ છાવણી પર વિરોધ નોંધાવ્યો છે.
જમાવટ મીડિયાએ સત્યાગ્રહ છાવણી પર વિરોધ નોંધાવનારા સામાજિક કાર્યકર ધર્મેશ ઠાકોર સાથે ઉમેદવારોની માગણી મામલે વાત કરી હતી ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું કે, "અમે ઘણા સમયથી આ મામલે પોતાની માગ ઉઠાવી રહ્યા છીએ પરંતુ અમારી માગ સાંભળવામાં નથી આવતી. વર્ષોથી અમે આ મુદ્દાને ન્યાય અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અનેક સરકારી કાર્યાલયો ખાતે પોતાની માગ રાખી રહ્યા છીએ પરંતુ અમારે હાથ નિરાશા જ આવી છે. હવે અમે આક્રામકતાથી સરકાર સામે પોતાની માગ રાખવા આંદોલન કરવા બેસી ગયા છીએ અને અમેં અમારો હક મેળવીને જ રહીશું."