ગુજરાતના LRD અને PSIની પસંદગી પામેલા ઉમેદવરો માટે સમાચાર આવી રહ્યા છે કે આચાર સંહિતાના કારણે LRD અને PSIના ઉમેદવારોની નિમણૂકમાં વિલંબ થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે માટે ગુજરાત રાજ્ય સરકાર હવે કોઈ યોજનાઓ અથવા જાહેરાતો બહાર પાડી નહીં શકે.
નિમણૂક માટે ચૂંટણી પૂરી થવાની રાહ જોવી પડશે
ગુજરાત સરકારે હમણા 29 ઓક્ટોબરે જ ગાંધીનગરની કરાઈ ખાતે LRD અને PSIની પસંદગી પામેલા ઉમેદવારોને પસંદગી પત્ર આપ્યા હતા. પસંદગી બાદ હવે તેમનું મેડિકલ ચેકઅપ થશે અને ત્યાર બાદ તમામને નિમણૂક પત્ર આપવામાં આવશે. પરંતુ હાલ આચાર સંહિતા લાગુ છે માટે સરકાર સત્તાવાર રીતે કોઈ સરકારી લાભ થાય તેવી જાહેરાતો નહીં કરી શકે. આથી 8 હજારથી વધુ ઉમેદવારોને નિમણૂક લેવા માટે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધીની રાહ જોવી પડશે.
આવતા વર્ષે પણ થશે મોટી ભરતી
ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચૂંટણી પહેલા નવી જાહેરાત કરી હતી કે વર્ષ 2023માં પણ આટલી મોટી સંખ્યામાં ભરતી થાય તેવું આયોજન થશે. હર્ષ સંઘવીએ જાહેરાત કરીને જણાવ્યું હતું કે 300 પોલીસ સબ ઈન્સપેક્ટર અને 9 હજારથી વધુ લોક રક્ષક દળના જવાનોની નિમણૂક કરશે.