ગુજરાતમાં વધી રહેલા લવ મેરેજનો મુદ્દો હવે વિધાનસભામાં પહોંચ્યો છે. વિધાનસભામાં ચાલી રહેલા પ્રશ્નકાળ દરમિયાન કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે પ્રેમ લગ્ન કરતા યુગલો માટે માતા-પિતાની સહી અનિવાર્ય કરવાની માગ કાયદામંત્રી સમક્ષ કરી હતી.
શું કહ્યું કાલોલના ધારાસભ્યે?
લવ મેરેજમાં માતા-પિતાની સહીનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠાવતા ફતેહસિંહ ચૌહાણે કહ્યું કે કોર્ટ મેરેજમાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવા આવે. તેમણે યુવક અને યુવતીઓનો જ્યાં જન્મ થયો હોય ત્યાં જ લગ્નની નોંધણી કરાવવાની પણ માંગ કરી હતી. એક જિલ્લાનું યુગલ અન્ય જિલ્લામાં જઈ કોર્ટ લવ મેરેજ કરે છે. માતા-પિતાની હાજરીમાં જ લવ મેરેજની નોંધણી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.
ગેનીબેન ઠાકોરે કરી આ માંગ?
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ લવ મેરેજ નિવેદન આપ્યું હતું. આજે તેમણે માંગ કરી કે લગ્નની નોંધણી ગામમાં જ થવી જોઈએ. લગ્નની વિધિ પણ ગામમાં થવી જોઈએ. પંચની સહીની જરૂર હોય એ પંચ પણ ગામના જ હોવું જોઇએ. જે લોકોને દિકરીઓ મળતી નથી તેવા અસામાજિક તત્વો દસ્તાવેજના આધારે લવ મેરેજ કરે છે. જેમાં દિકરીઓએ પાછળથી પસ્તાવાનો વારો આવે છે. કોઈ પણ પરિવારે મોભાદાર થતાં ચારથી પાંચ પેઢીનો સમય લાગી જતો હોય છે. અસામાજિક તત્વો દિકરીને ફોસલાવી લવ મેરેજ કરે ત્યારે મોભાદાર વ્યક્તિ શરમમાં મુકાય છે.