આજે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચૌદશ છે. આ તીથીએ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર એટલે કે ભગવાન નૃસિંહ પ્રગટ થયા હતા. આ તીથિને નૃસિંહ પ્રાગટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ સ્વરૂપ ભગવાન વિષ્ણનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન નૃસિંહની વિશેષ પૂજા કરવી જોઈએ. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે સાંજના સમયે ભગવાન પ્રગટ થયા હતા. ભગવાન નૃસિંહની પૂજામાં ચંદનનું વિશેષ મહત્વ રહેલું છે.
જો ભગવાન નૃસિંહના પ્રાગટ્યની વાત કરીએ તો દંતકથા અનુસાર ભગવાને પોતાના ભક્તની રક્ષા કરવા માટે આ અવતાર ધારણ કર્યો હતો. હિરણ્યકશ્યપ રાક્ષસ હતો તો તેમનો પુત્ર પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો, હંમેશા ભગવાનના ગુનગાણ ગાતો હતો. અનેક વખત હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવાના પ્રયત્નો કર્યા. પરંતુ ભગવાને ભક્તના વિશ્વાસને તૂટવા ન દીધો હતો. ભગવાન કણ કણમાં વસે છે તેવું ભક્ત પ્રહલાદ માનતો હતો. ત્યારે પોતાના ભક્તને બચાવા માટે ભગવાન સ્તંભમાંથી નૃસિંહ રૂપમાં પ્રગટ થયા હતા. તેમનું અડધું શરીર સિંહનું હતું જ્યારે અડધુ શરીર માનવનું હતું.
હિરણ્યકશ્યપે તપ કરીને વરદાન માંગ્યું હતું કે તેમનું મૃત્યુ ના તો કોઈ માણસ દ્વારા થાય કે ના તો કોઈ પશુ-પક્ષી દ્વારા થાય. ના તો પાણી, હવા અથવા તો જમીન પર થાય, ના તો કોઈ અસ્ત્ર કે શસ્ત્ર વડે થાય. ત્યારે વરદાન પણ સચવાઈ જાય અને હિરણ્યકશ્યપનો વધ થાય તે માટે ભગવાને આ અવતાર ધારણ કર્યો હતો. ભગવાને પોતાના ખોળા હિરણ્યક્શયપનો વધ કર્યો હતો.
ભગવાનના આ અવતારને ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે ભગવાનની પૂજામાં ચંદનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત અભિષેક પણ કરવો જોઈએ. ભગવાનના ગુસ્સાને શાંત કરવા માટે આ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. ચંદન અર્પણ કરવાથી ભગવાનને ઠંડક મળે છે. આ અવતાર ભગવાનના દસ અવતારોમાંનો ચોથો અવતાર છે.
આ દિવસે અનેક ભક્તો દ્વારા ભગવાન નૃસિંહની પૂજા કરવામાં આવે છે. પોતાની ભક્તિ તેમજ શક્તિ પ્રમાણે અન્ન, જળ તેમજ કપડાનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી દુખોનો અંત આવે છે. શત્રુઓ પર વિજય મેળવી શકાય છે. યથાશક્તિ ભગવાન નૃસિંહનું પૂજન કરવું જોઈએ. પૂજા દરમિયાન ॐ वज्रनखाय विद्महे तीक्ष्ण दंष्ट्राय धीमहि | तन्नो नरसिंह प्रचोदयात || મંત્રનો જાપ કરવો જોઈએ.