અમદાવાદની સુપ્રસિધ્ધ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે 4 જૂનના રોજ જળયાત્રા યોજાઈ હતી. જગન્નાથ મંદિરથી જળયાત્રા શોભાયાત્રા રૂપે નિકળી હતી. પરંપરાગત પરિધાનમાં સજ્જ સેંકડો ભાવિક ભક્તો સાથે રાસ ગરબા અને ભજન મંડળીઓ પણ 108 કળશ સાથે જળયાત્રામાં જોડાઈ હતી. ઢોલ-નગારા, ધજા પતાકા, બળદગાડા, બેન્ડ બાજા સાથે જળયાત્રા યોજાઈ હતી. સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભર્યા બાદ નદીની આરતી કરવામાં આવી હતી. 108 જળ ભરેલા કળશ સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા મંદિરે પરત પહોંચી હતી. ભગવાનની જળાભિષેકની પૂજા-વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. 108 કળશની યાત્રાના જળથી ભગવાનની અભિષેક આરતી પૂજા કરવામાં આવ્યા બાદ આજે સાંજે તેમને મોસાળ વળાવવામાં આવશે.
ભગવાનને આજે સાંજે મોસાળ વળાવવામાં આવશે
જળાભિષેક બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામને ગજવેશધારણ કરાવવામાં આવ્યો છે. ગજવેશ ધારણ કર્યા બાદ ભગવાનની મહા આરતી કરવામાં આવી હતી. હવે સાંજે પાંચ વાગ્યે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે સરસપુર ખાતે આવેલા મામાના મોસાળમાં જશે. સરસપુર મંદિર ખાતે જ્યારે ભગવાન મોસાળમાં પધારશે ત્યારે તેઓનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવશે. ભગવાન 15 દિવસ એટલે કે, અમાસ સુધી સરસપુર મામાના ઘરે રોકાશે.
જળા અભિષેકની વિધિમાં મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
આજે ભગવાન જગન્નાથના જળા અભિષેકની પૂજા-વિધિમાં મોટી સંખ્યામાં રાજનેતાઓ, સમાજના અગ્રણીઓ તથા શ્રધ્ધાળુંઓ ઉપસ્થિત રહ્યા હતા. મહંત દિલીપદાસજી, મહેન્દ્ર ઝા, પૂર્વ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શહેર પ્રમુખ અમિત શાહ, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ દ્વારા ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો છે.