ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ પીએમ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ફરી એક વખત 19 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેને લઈ હમણાંથી લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટની મુલાકાતે તેઓ આવવાના છે.
અનેક વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ
રાજકોટ ખાતે વડાપ્રધાન પોતાનો પ્રવાસ કરવાના છે. રાજકોટમાં ગુજરાત ભાજપ દ્વારા નવું કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું છે. આ નવું કાર્યાલય ત્રણ માળનું રહેશે. રાજકોટમાં તૈયાર થયેલું મીની કમલમનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીના હસ્તે થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. ઉપરાંત શાસ્ત્રી મેદાન ખાતે હાઉસિંગ કોન્કલેવનો કાર્યક્રમ યોજાવાનો છે જેમાં નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. આ કોન્ક્લેવનો શુભારંભ તેમના હસ્તે થવાનો છે. આ કાર્યક્રમમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેવાના છે. તેઓ રેસકોર્સ ખાતે જનસભાને સંબોધવાના છે. ઉપરાંત 5500 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાના છે.
પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે ગુજરાતમાં પ્રચાર
વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં વ્યસ્ત થઈ છે. ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. અમિત શાહ પણ અનેક વખત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે તો વડાપ્રધાન પણ અવારનવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ પ્રચાર માટે પોતાની ટીમને ઉતારી રહી છે. અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાઘવ ચડ્ડા સહિતના નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે.