26 લોકસભા બેઠકો પર ખરાખરીનો જંગ જામવાનો છે. અનેક બેઠકો એવી છે જ્યાંની ચર્ચાઓ હમણાંથી થઈ રહી છે. જ્યારે પણ કોઈ ઉમેદવારના નામની જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે અનેક સમીકરણો, અનેક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. ગુજરાતની 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ ચાર બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. ત્યારે આજે બે લોકસભા બેઠકની વાત કરીએ. એક છે વડોદરા લોકસભા બેઠક અને બીજી છે સુરત લોકસભા બેઠક.

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે બદલ્યા ઉમેદવાર
સૌ પ્રથમ વાત કરીએ વડોદરા લોકસભા બેઠકની. એક સમયે ગાયકવાડ પરિવારના ફતેહસિંહ ગાયકવાડ કોંગ્રેસમાંથી જીત્યા. 1991માં રામાનંદ સાગરની રામાયણ સીરીયલમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલીયા BJPમાંથી જીત્યા હતા. 1998થી BJPનો ગઢ આ બેઠકને માનવામાં આવે છે. 2014માં નરેન્દ્ર મોદી જીત્યા, બનારસ બેઠક તેમણે જાળવી રાખતા, આ પછી રંજનબેન ભટ્ટ ચૂંટાયા. પરંતુ આ 2024માં તેમનો વિરોધ થતા BJPએ હેમાંગ જોશીને ટિકિટ આપી છે. તો સામે કોંગ્રેસ પાર્ટીએ જશપાલ સિંહ પઢિયારને ટિકિટ આપી છે. આ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ , સાવલી , વાઘોડિયા , વડોદરા સિટી , સયાજીગંજ , અકોટા, માંજલપુર, રાઓપુરા. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે વાઘોડિયા સિવાયની તમામ બેઠક જીતી લીધી. વાઘોડિયા બેઠક અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ફાળે ગઈ. વાત કરીએ સામાજિક સમીકરણોની તો , આ બેઠક પર બ્રાહ્મણ , પાટીદાર , દલિત , અનુસૂચિત જનજાતિ , મુસ્લિમ મતો નિર્ણાયક છે .

સુરત લોકસભાના સમીકરણો સમજીએ તો
આગળ વાત કરીએ સુરત લોકસભા બેઠકની. એક સમયે પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ અહીંથી ચૂંટાયા. આ બાદ કોંગ્રેસના કદાવર નેતા કોળી સમાજના સી.ડી.પટેલ અહીંથી ચૂંટાતા. 1989થી BJPનો ગઢ છે . BJPના કદાવર નેતા કાંશીરામ રાણા પણ સુરત લોકસભા પરથી ચૂંટાતા . 2009થી દર્શનાબેન જરદોશ અહીંથી ચૂંટાતા આવ્યા છે. હવે BJPએ દર્શનાબેનની ટિકિટ કાપી છે અને મુકેશ દલાલને ટિકિટ આપી છે. જયારે સામે કોંગ્રેસ પાર્ટીએ નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે. આ લોકસભામાં આવે છે, 7 વિધાનસભાઓ આવે છે તેમાં ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, કતારગામ અને સુરત પશ્ચિમ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં BJPએ બધી જ બેઠકો જીતી લીધી હતી. વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર અનાવિલ બ્રાહ્મણ, પાટીદાર, પ્રજાપતિ, મુસ્લિમ સમાજો નિર્ણાયક બને છે. .તો જોઈએ હવે સુરતની જનતા પોતાના ક્યા દીકરાને સંસદમાં મોકલે છે?