ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી માત્ર એક જ લોકસભા બેઠક ચર્ચામાં હોય તેવું લાગે છે.. 2024ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાનો જ મુદ્દો હોય તેવું લાગે છે.. અનેક જગ્યાઓ પર પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો. અલગ અલગ સ્થળોથી એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં વિરોધ કરનારા લોકોએ કાળા વાવટા દર્શાવ્યા હોય.. અનેક એવા વીડિયો આપણી સામે છે જેમાં ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા દર્શાવી વિરોધ કર્યો હોય ત્યારે હવે ક્ષત્રિયોના આંદોલનને, વિરોધને ડામવા માટે ગૃહવિભાગએ એક નવી સૂચના પોલીસને આપી છે...
વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ભર્યું ફોર્મ
ગુજરાતની રાજનીતિ છેલ્લા ઘણા દિવસોથી ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલતા વિવાદ પર ચાલતી હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું હતું જે બાદ તેમનો વિરોધ અનેક જગ્યાઓ પર કરવામાં આવ્યો.. ક્ષત્રિય સમાજની માગ હતી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.. પરંતુ વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ નામાંકન કર્યું. તે પહેલા શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું.
અનેક જગ્યાઓ પર કરાઈ રહ્યો છે વિરોધ
આ બધા વચ્ચે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રૂપાલાનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો. ગતરોજ ભાવનગર, તાપી અને સાબરકાંઠામાં રૂપાલાનો વિરોધ કરાયો હતો.
ભાવનગરમાં ક્ષત્રિય સમાજના લોકો થયા હતા એકત્રિત
રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે બુધવારે ભાવનગર શહેરના વેલેન્ટાઈનડે સર્કલ ખાતે ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા. જેમાં ક્ષત્રિયો દ્વારા રૂપાલાના પૂતળાનું દહન કરાયું હતું. આ સાથે જ રૂપાલા અને ભાજપના નેતૃત્વ કરનારાઓને વિવેક બુદ્ધિ આપે તે માટે મહાઆરતી કરાઈ હતી. જોકે, પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા વિરોધ કરનારા યુવાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ગામમાં લગાવાયા પ્રવેશબંધીના બેનરો
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દોડીયા ફળિયા ખાતે રાજપૂતોનો રોષ જોવા મળ્યો. ગામના યુવાનો અને મહિલાઓએ ગામમાં ભાજપને પ્રવેશબંધીના બેનર રેલી કાઢી હતી. તેઓએ રૂપાલા વિરુદ્ધ અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગામના લોકો રૂપાલાની વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. સાથે જ ગામમાં ભાજપના પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા હતા.
કાળા વાવટા દર્શાવી કરાઈ રહ્યો છે વિરોધ
ઈડરમાં બુધવારે સવારે ભાજપના કાર્યાલયનો શુભારંભ સમારોહ ચાલી રહ્યો હતો, ત્યારે મહાકાલ સેનાના રાજપૂત યુવકોએ ખુરશીઓ પર ચઢી જઈને રૂપાલા અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજપૂતોએ કાળા વાવટા ફરકાવી વિરોધ દર્શાવ્યો હતો. ક્ષત્રિય સમાજના લોકોના વિરોધને કારણે ભાજપના કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. જેના બાદ લોકસભાના ઉમેદવાર શોભના બારૈયા અને ધારાસભ્ય રમણ વોરા ત્યાંથી રવાના થઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી હતી.
ક્ષત્રિય સમાજના આંદોલનને ડામવા પોલીસનો પ્રયાસ?
ક્ષત્રિય સમાજના યુવાનો ભાજપની જાહેર સભાઓમાં કાળા વાવટા બતાવી વિરોધ દર્શાવી રહ્યા છે. અનેક જગ્યાઓથી આ પ્રકારે વિરોધ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે ક્ષત્રિયોના આંદોલનને ડામવા માટે રાજ્યના ગૃહવિભાગે પોલીસના ચૂંટણીલક્ષી જાહેરનામામાં પ્રતિબંધિત કૃત્યોમાં કાળા વાવટા ફરકાવવા નહી તે વાતનો વિશેષ ઉલ્લેખ કરાયો છે. આ પ્રકારના જાહેરનામાં દ્વારા સત્તાવાર રીતે બહાર પાડીને ક્ષત્રિય આંદોલનના વિરોધને અટકાવવા માટે પોલીસને કામગીરી સોંપવામાં આવી છે.
ચૂંટણીલક્ષી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા લોકસભાની ચૂંટણી સંદર્ભમાં સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે... સામાન્ય રીતે બહાર પાડવામાં આવતા જાહેરનામાની માફક જ બહાર પાડવામાં આવ્યું છે... પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપની સભા અને રેલીઓમાં કાળા વાવટા બતાવીને કરવામાં આવતા વિરોધના પગલે જાહેરનામામાં પ્રતિબંધિત કૃત્યોમાં કાળા વાવટા ફરકાવવા નહીં તે વાતનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે... આ સાથે ઉશ્કેરણીજનક બેનર, પ્લેકાર્ડ ન દર્શાવવા માટે અને કોઈ વિરોધ સૂત્રોચ્ચાર ન કરવા માટે જણાવાયું છે... જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ સીઆરપીસીની કલમ 144 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે...
કાળા વાવટા ન ફરકાવવાનો કરાયો ઉલ્લેખ
આ પ્રકારનું જાહેરનામું માત્ર અમદાવાદ શહેર જ નહીં પરંતુ અમદાવાદ ગ્રામ્ય અને ગુજરાતના તમામ શહેર પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રુપાલા સામે ભાજપની સભાઓમાં હવે યુવાનો કાળા વાવટા ફરકાવીને મોટાપાયે વિરોધ કરી રહ્યાં છે... જેથી આ વિરોધને રોકવા જાહેરનામું ખાસ સૂચનાથી તૈયાર કરવામાં આવ્યું છે... પોલીસ કમિશ્નરના જાહેરાનામાંમાં પ્રથમવાર કાળા વાવટા ન ફરકાવવાનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે...