લોકસભા ચૂંટણી 1984: દેશમાં સહાનુભૂતિની લહેરના કારણે કોંગ્રેસની થઈ હતી પ્રચંડ જીત, ધરાશાઈ થયો હતો વિપક્ષ


  • Published By :
  • Published Date : 2023-10-17 15:14:56

વર્ષ 1984માં PM ઈન્દિરા ગાંધીની હત્યા બાદ શીખ વિરોધી રમખાણો વચ્ચે ભારતમાં આઠમી સામાન્ય ચૂંટણીઓ 24 થી 28 ડિસેમ્બર 1984 વચ્ચે યોજાઈ હતી. 1984માં દેશના 22 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની 514 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. હિંસાને કારણે પંજાબ અને આસામની 27 લોકસભા સીટો પર ચૂંટણી રોકી દેવામાં આવી હતી. ડિસેમ્બર 1984માં લોકસભાની 542 બેઠકોમાંથી માત્ર 515 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. સપ્ટેમ્બર 1985માં એક વર્ષ પછી આસામની 14 અને પંજાબની 13 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ઈતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસને મળેલા મતોની ટકાવારી 50ની નજીક પહોંચી ગઈ છે. કોંગ્રેસને કુલ 49.1 ટકા મળ્યા હતા.1984ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને રેકોર્ડ બ્રેક સીટો મળી હતી. ઈન્દિરા ગાંધીની હત્યાથી પેદા થયેલી સહાનુભૂતિ રાજીવ ગાંધીને સત્તા પર લાવી. કોંગ્રેસે 401 બેઠકોની પ્રચંડ બહુમતી મેળવીને ઈતિહાસ રચ્યો હતો. આ ચૂંટણી 542 લોકસભા સીટો માટે યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર 2 બેઠકો મળી હતી. આઝાદી પછી, અત્યાર સુધીની સૌથી મોટી જીત અને સૌથી મજબૂત બહુમતી 1984ની લોકસભા ચૂંટણીમાં મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને 404 બેઠકો મળી હતી. આઝાદી પછી પંડિત જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી પણ આવી મોટી સફળતા હાંસલ કરવામાં નિષ્ફળ ગયા હતા, આ ચૂંટણીમાં કોંગ્રેસે 82 ટકા બેઠકો જીતી હતી. આજે આ લેખમાં 1984ની લોકસભા ચૂંટણીનો ઈતિહાસ રજુ કરવામાં આવ્યો છે.


ઈન્દિરાની હત્યા બાદ દેશમાં સહાનુભૂતિની લહેર


ઈમરજન્સી પછી ઈન્દિરા ગાંધી ભલે 1977ની લોકસભા ચૂંટણી હારી ગઈ હોય, પરંતુ 1980ની લોકસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી ફરી એકવાર સત્તામાં પાછા ફરવામાં સફળ થઈ હતી. ઈન્દિરા માટે આ કાર્યકાળ સરળ ન હતો. તેનું મુખ્ય કારણ પંજાબમાં આતંકવાદ હતો. આતંકવાદીઓ સરકાર માટે દિવસે દિવસે નવા પડકારો ઉભા કરી રહ્યા હતા. આ ક્રમમાં આતંકવાદીઓએ અમૃતસરના સુવર્ણ મંદિર પર કબજો કરી લીધો હતો. સુવર્ણ મંદિરને આતંકવાદીઓના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે ઈન્દિરા ગાંધીએ સેનાને ઓપરેશન બ્લુ સ્ટાર શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ સેનાએ સુવર્ણ મંદિરમાં પ્રવેશ કર્યો અને આતંકીઓનો સફાયો કર્યો હતો. ઈન્દિરાના આ નિર્ણયથી શીખ સમુદાયનું એક જૂથ નારાજ થઈ ગયું. આ રોષનું પરિણામ એ આવ્યું કે 31 ઓક્ટોબર, 1984ના રોજ ઈન્દિરાને તેમના અંગરક્ષકોએ ગોળી મારી દીધી હતી.


લોકસભા ચૂંટણી 1984માં મુખ્ય પક્ષો


1984ની ચૂંટણી દરમિયાન દેશમાં 7 રાષ્ટ્રીય અને 27 નાના અને પ્રાદેશિક પક્ષો હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસ, જનતા પાર્ટી, લોકદળ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) અને માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (CPM) મુખ્ય પક્ષો હતા. 1980 માં, જનતા પાર્ટીથી અલગ થઈને ભારતીય જનતા પાર્ટી (BJP)ની રચના કરવામાં આવી હતી અને 1984 માં, ભાજપે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી હતી. આ સિવાય દેવરાજ અર્સની પાર્ટી કોંગ્રેસ (અર્સ), જે 1980ની ચૂંટણીમાં કોંગ્રેસથી અલગ થઈ ગઈ હતી, તેણે 1984ની સામાન્ય ચૂંટણી કોંગ્રેસ (સોશિયાલિસ્ટ) એટલે કે INC (S)ના નામથી લડી હતી, તે કોંગ્રેસ (સેક્યુલર) તરીકે પણ જાણીતી હતી. 


વર્ષ 1984ની સામાન્ય ચૂંટણીમાં, કોંગ્રેસે 491 બેઠકો પર, ભાજપે 224 પર, જનતા પાર્ટીએ 207 પર, લોકદળને 171 પર, CPMએ 59 પર, CPIએ 61 પર અને કોંગ્રેસ (એસ)એ 31 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ ચૂંટણીમાં દેશની 514 લોકસભા બેઠકો માટે કુલ 5312 ઉમેદવારો મેદાનમાં હતા.


લોકસભા ચૂંટણી 1984ની મતદાનની ટકાવારી


1984માં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન દેશના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 37 કરોડ 95 લાખ 40 હજાર 608 મતદારો હતા. જેમાં 19.67 કરોડ પુરુષ અને 18.28 કરોડ મહિલા મતદારો હતા. 1984ની લોકસભા ચૂંટણીમાં, સમગ્ર દેશમાં 63.56 ટકા મતદાન થયું હતું, જેમાં સૌથી વધુ 85.75 ટકા મણિપુરમાં અને સૌથી ઓછું મેઘાલયમાં 54.47 ટકા મતદાન થયું હતું.


લોકસભા ચૂંટણી 1984 પરિણામ


1984ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે વિક્રમી બહુમતી મેળવી હતી અને રેકોર્ડ સંખ્યામાં બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે 404, સીપીએમ 22, જનતા પાર્ટી 10, સીપીઆઈ 6, લોકદળ 3 અને ભાજપે 2 લોકસભા બેઠકો જીતી હતી. તેમજ 58 બેઠકો નાના અને અન્ય પ્રાદેશિક પક્ષોને ગઈ હતી. તેમાંથી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ આંધ્રપ્રદેશમાં 30 બેઠકો જીતી હતી. એનટી રામારાવના નેતૃત્વમાં બનેલી ટીડીપીએ 1984માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી હતી અને જોરદાર પ્રદર્શન સાથે આ ચૂંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. આ સિવાય અપક્ષ ઉમેદવારોએ 5 લોકસભા બેઠકો કબજે કરી હતી.


1984ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને 49.10 ટકા, ભાજપને 7.74, જનતા પાર્ટીને 6.89, લોકદળને 5.97, સીપીએમને 5.87 અને સીપીઆઈને 2.71 ટકા મત મળ્યા હતા. જોકે, આ ચૂંટણીમાં પહેલીવાર ચૂંટણી લડી રહેલા ભાજપનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. કોંગ્રેસ સરકારની રચના બાદ 1984માં ઈન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા હતા.


આ પછી, 1985માં પંજાબ અને આસામની 27 લોકસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો હતો. કોંગ્રેસે 10 બેઠકો અને શિરોમણી અકાલી દળ (SAD)એ 7 બેઠકો જીતી હતી. બાકીની 10 બેઠકો અપક્ષો અને અન્ય પક્ષોએ કબજે કરી હતી.


આ બે સીટોએ ભાજપની આબરૂ જાળવી


હનામકોડા (આંધ્રપ્રદેશ)


'ઇન્દિરા સહાનુભૂતિ'ની લહેર હોવા છતાં, ભાજપના ચંદુપાટિયા રેડ્ડીએ હનામકોડા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. રેડ્ડીએ કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી નરસિમ્હા રાવને હરાવ્યા હતા.


મહેસાણા (ગુજરાત)


ગુજરાતમાં મહેસાણાથી બીજેપીએ બીજી સીટ જીતી હતી. અહીં ભાજપના એકે પટેલનો વિજય થયો હતો. તે સમયે પટેલને 2,87,555 મત મળ્યા હતા જ્યારે રાયકા સાગરભાઈ કલ્યાણભાઈને 2,43,659 મત મળ્યા હતા.


કોંગ્રેસની આંધી વચ્ચે આંધ્રમાં ટીડીપી અડીખમ 


ઈન્દિરાની હત્યા બાદ નવેમ્બર 1984માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. લાગણીઓથી પ્રભાવિત લોકોએ રાજીવને જબરજસ્ત મતદાન કર્યું. લોકસભાની 514 બેઠકોમાંથી કોંગ્રેસને 404 બેઠકો મળી છે. બાદમાં 27 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી કોંગ્રેસે 10 બેઠકો જીતી હતી. આંધ્ર પ્રદેશની પ્રાદેશિક પાર્ટી તેલુગુ દેશમ (TDP)એ પણ આ ચૂંટણીમાં પોતાનો દબદબો બનાવ્યો હતો. એન. ટી. રામારાવની આ પાર્ટીને 30 બેઠકો મળી હતી અને તે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી બની હતી. રાષ્ટ્રીય સ્તરનો વિરોધ પક્ષ બનનાર TDP પ્રથમ પ્રાદેશિક પક્ષ હતો. 1984ની લોકસભા ચૂંટણીમાં 25,62,94,963 લોકોએ મતદાન કર્યું હતું. કુલ 37 પક્ષોએ ચૂંટણી લડી હતી. જેમાંથી કોંગ્રેસનો વોટ શેર 48.1 ટકા હતો.


આ દિગ્ગજો હાર્યા


વર્ષ 1984માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા પ્રચંડ જનસમર્થને અનેક રાજકીય પક્ષો અને લોકપ્રિય વિપક્ષી નેતાઓના સુપડા સાફ કરી દીધા હતા. કોંગ્રેસની આંધી સામે પરાજીત થયેલા નેતાઓમાં અટલ બિહારી વાજપેયી, ચંદ્રશેખર, દેવી લાલ, રામ વિલાસ પાસવાન, શરદ યાદવ, મુરલી મનોહર જોશી, સુષ્મા સ્વરાજ, પ્રમોદ મહાજન, ઉમા ભારતી, મેનકા ગાંધી, સોમનાથ ચેટર્જી અને રામ જેઠમલાણીનો સમાવેશ થતો હતો.

વડાપ્રધાન રાજીવ ગાંધીએ તેમની વિક્રમી બહુમતી સરકાર પાંચ વર્ષ સુધી ચલાવી અને પછી દેશ ફરી એકવાર 1989ની સામાન્ય ચૂંટણીઓમાં પ્રવેશ્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?