ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા માઈક્રો લેવલે પ્લાનિંગ કરવામાં આવતું હોય છે.. આવી વાતો અનેક રાજકીય નિષ્ણાતોના નિવેદનોમાં સાંભળ્યું હશે.પંચાયતની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય દરેક ચૂંટણીની પાછળ ભાજપ એડીચોટીનું જોર લગાવે છે. ત્યારે આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા ભાજપ દ્વારા રાજ્યો માટે પ્રભારિયોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રભારી અને સહપ્રભારિયોના નામની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળ પર વધારે ધ્યાન રાખવામાં આવ્યું છે.
ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીના નામની કરાઈ જાહેરાત
કેન્દ્રમાં ફરી એક વખત ભાજપની સરકાર આવે તે માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટી દ્વારા પ્લાનિંગ તેજ કરવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ રાજ્યોના પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ચૂંટણી પ્રભારી અને સહ ચૂંટણી પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જે લિસ્ટની જાહેરાત કરવામાં આવી છે તેમાં ગુજરાતના નેતાઓના નામનો પણ સમાવેશ થયો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને, પૂર્ણેશ મોદીને તેમજ દુષ્યંત પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતના આ નેતાઓને સોંપવામાં આવી જવાબદારી!
વિજયરૂપાણીને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે તો પૂર્ણેશ મોદી અને દુષ્યંત પટેલને દીવ-દમણની જવાબદારી સોંપવામાં આવી છે. સૂચી પ્રમાણે ઉત્તરપ્રદેશની જવાબદારી બૈજયંત પાંડાને, ઉત્તરાખંડની જવાબદારી દુષ્યંત કુમાર ગૌતમને, જ્યારે બિહારની જવાબદારી વિનોદ તાવડે અને દીપક પ્રકાશને સોંપવામાં આવી છે. બિપલવ કુમાર દેવ તેમજ સુરેન્દ્ર નાગરને હરિયાણાની જવાબદારી જ્યારે મંગલ પાંડે, અમિત માલવીયા અને આશા લકડાને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવી છે.