Loksabha Election : Exit Poll માટેનું CountDown શરૂ, ગુજરાતમાં ભાજપને આ વખતે 7-8 બેઠકો પર કાંટાની ટક્કર.. આ બેઠકોએ વધાર્યા ભાજપના નેતાના ધબકારા..!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-01 17:13:01

વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી. ભાજપે 52.50 ટકા મત મેળવીને 156 બેઠક જીતી લીધી. આ અભૂતપૂર્વ જીતના લીધે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે નક્કી કરી લીધું કે 2024ની ચૂંટણીમાં આપણે તમામ 26 બેઠક પર ફક્ત જીત નથી મેળવવી પરંતુ 5 લાખ મતની લીડથી જીત મેળવવી છે. પાટીલનો આ ટાર્ગેટ પૂરો કરવામાં સાંસદો, ધારાસભ્યોથી માંડીને પેજ પ્રમુખ સુધીના તમામ લોકો જોતરાઇ ગયા. આ માટે મેરેથોન કેમ્પેન ચાલ્યું. હવે મતદાન થઇ ચૂક્યું છે. 5 લાખ મતની લીડ મેળવવા માટે સૌથી વધુ જરૂરી છે કે મતદાન વધુ થાય પરંતુ આ વખતની ચૂંટણીમાં 2019 કરતાં ઓછું મતદાન થયું છે એટલે ભાજપની ચિંતા વધી ગઇ છે.... 

ભાજપ માટે જીત મહત્વની બની છે.. 

 દેશમાં લોકશાહીના આ મહાપર્વમાં કોણ બાજી મારશે એ ચોથી જૂને ખબર પડી જશે....પણ આજે ચર્ચા એ કરવી છે કે ગુજરાતમાં કેટલી સીટો પર કાંટે કી ટક્કર બંને પાર્ટીઓ માટે રહી. ખાસ ભાજપ માટે આ વખતે અમુક ટાર્ગેટ કે સમીકરણો અઘરા છે કળવા...લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આ વખતે મૂળ મુદ્દાઓ વિના પણ માહોલ ગરમાયેલો રહ્યો... સતત ઘણા દિવસોથી આ ચર્ચાઓ આપણે કરી રહ્યાં છે... કે ભાજપનો આંતરિક કલહ, ક્ષત્રિયોનું આંદોલન, ભાજપનું કોંગ્રેસીકરણ જેના કારણે એકતરફી ચૂંટણી હવે રસાકસી વાળી બની ગઈ છે... 



આ બેઠકોએ વધાર્યા ભાજપના નેતાઓના ધબકારા.. 

ગુજરાતમાં ઘણી બેઠકો એવી છે કે જ્યાં એવી રસાકસી થઈ કે ભાજપને હેટ્રિક ફટકારવાનું સ્વપ્ન પણ ભૂલાવી દીધું અને પાંચ લાખની લીડની જીત પણ ભૂલાવી દીધી હવે ભાજપ માટે જીત મહત્વની બની ગઈ... એક સમયે ભાજપના નેતાઓ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો જીતવાનો દાવો કરતા હતા. સુરતમાં તો ભાજપના નેતા બિનહરીફ વિજેતા થઈ ગયા. બાકીની 25 બેઠકો પર મતદાન થયું. પરંતુ 4 જૂને પરિણામ આવે એ પહેલાં ગુજરાતની અમુક લોકસભા બેઠક એવી છે જેણે ઘણાના ધબકારા વધારી દીધા છે. આ બેઠકો એટલે બનાસકાંઠા, ભરૂચ, આણંદ, પાટણ અને જામનગર.



બનાસની બેન અને બનાસની દીકરી વચ્ચે થવાનો છે જંગ 

સૌથી પહેલા વાત બનાસકાંઠા લોકસભા બેઠકની. જ્યાંથી કોંગ્રેસે ગેનીબેન ઠાકોર તો ભાજપે રેખાબેન ચૌધરીને ચૂંટણી લડાવી છે...... 13 લાખ 65 હજાર 989 મત પડ્યા એટલે કે 69.62 ટકા મતદાન થયું... ગઈ ચૂંટણીમાં ભાજપના પરબત પટેલ 3 લાખ 68 હજાર 296 મતની લીડથી જીત્યા હતા.. બનાસકાંઠા લોકસભામાં કુલ સાત વિધાનસભા વિસ્તાર આવે છે. જેમાં સૌથી વધુ મતદાન દાંતામાં 68 ટકા જેટલું થયું. જ્યારે બીજા ક્રમે વાવમાં 65 ટકા કરતાં વધુ મતદાન થયું છે. ગેનીબેન ઠાકોર વાવથી જ ધારાસભ્ય છે...


બનાસકાંઠામાં જાતિગત સમીકરણો મોટો ભાગ ભજવે છે..

બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મુકાબલો ભાજપનાં રેખાબેન ચૌધરી સાથે છે. આમ તો બન્ને ઉમેદવાર પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યા પરંતુ ગેનીબેન ઠાકોરે પોતાને "બનાસની બેન ગેનીબેન" તરીકે પ્રસ્તુત કર્યા. બનાસકાંઠાની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ પણ ખૂબ મોટો ભાગ ભજવે છે. પરંતુ આ ઉપરાંત ડેરી ફેક્ટર પણ અસરકારક ગણી શકાય. આ જ કારણે ભાજપે રેખાબેન ચૌધરીને બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલનાં પૌત્રી તરીકે રજૂ કર્યા...



આ વખતની ચૂંટણીમાં પ્રથમ વખત ચૌધરી સમાજ અને ઠાકોર સમાજના ઉમેદવાર સામ-સામે છે..... 

ઠાકોર સમાજને ઇતિહાસમાં પ્રથમ વખત બનાસકાંઠામાં ટિકીટ મળી એટલે સમાજ ઉત્સાહમાં હોય સ્વાભાવિક છે.. પણ મતપેટીમાં એ ઉત્સાહના મત પડે એ પણ જરુરી છે...  એક મત એવું કહે છે કે,  પરબત પટેલનું પણ એક જૂથ નારાજ હતું જેનો ફાયદો કોંગ્રેસને થઈ શકે. દિયોદર, ભાભોરમાં ઠાકોર સમાજ અને રબારી સમાજની વસ્તી વધારે છે એટલે કોંગ્રેસને ફાયદો થઈ શકે એમ છે. પરંતુ ધાનેરામાં કોંગ્રેસને થોડું નુકસાન થઈ શકે અને ભાજપને ફાયદો થઈ શકે. 


ગેનીબેન ઠાકોરનો સીધો મુકાબલો... 

દાંતીવાડામાં ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજના મત વધારે છે જે ગેનીબેનને ફાયદો કરાવી શકે છે. ડીસામાં માળી સમાજની સંખ્યા વધારે છે. ડીસામાં મતદાનની ટકાવારી સારી રહી જેથી ભાજપને ફાયદો થઈ શકે.  દાંતા વિસ્તારમાં આદિવાસી, મુસ્લિમ, ઠાકોર અને રાજપૂત સમાજના સારા મત છે એટલે ત્યાં ભાજપને લીડ મળવાની આશા સફળ થાય એમ લાગતું નથી. અમીરગઢમાં ઠાકોર અને દરબારના વોટ વધારે છે એટલે કોંગ્રેસને ફાયદો થઈ શકે એમ છે. આમ, વાવથી દાંતા સુધી ગેનીબેન ચાલ્યાં છે.બીજુ કે આ વખતે ગેનીબેન ઠાકોરનો સીધો મુકાબલો કોની સાથે હતો તો નિષ્ણાંતો કહી રહ્યાં છે કે રેખાબેન તો ઉમેદવાર છે એમની સાથે હતો જ પણ  ભાજપના આંતરિક જૂથવાદને બાદ કરતા આ વખતે લડાઈ ખરેખર ગેનીબેન અને શંકર ચૌધરી વચ્ચે છે. 


ગેનીબેન ઠાકોરની જીતવાની સંભાવના વધારે કારણ કે..  

વિરોધીઓએ શંકર ચૌધરીને પછડાટ આપવા માટે પણ મતદાન કરાવ્યું છે એવી પણ એક ચર્ચા છે..... અને એટલે કહેવાય છે કે ગેનીબેનની જીતની સંભાવના વધારે છે.... બીજી મહત્ત્વની વાત એ છે કે રેખાબેન નવા છે, સારાં છે, શિક્ષિત છે અને બીજું એ પરિબળ પણ કામ કરે છે કે સળંગ ચોથી વખત મારી જાણ પ્રમાણે ભાજપ તરફથી એક જ સમાજને ટિકિટ આપવામાં આવી છે જેનો રોષ પણ લોકોમાં હતો..... 


મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે કાંટાની ટક્કર 

બનાસકાંઠા પછી વાત બીજી હોટ સીટ એટલે ભરૂચની. દરવખતે ભરૂચ લોકસભા બેઠક પર મુકાબલો એકતરફી જ રહેતો હતો. છેલ્લી 6 લોકસભા ચૂંટણીથી ભાજપના મનસુખ વસાવા અપરાજિત રહ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકસાથે ચૂંટણી લડ્યા અને ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા એટલે ચર્ચા એવી છે કે મનસુખ વસાવાને આ વખતે ટફ ફાઇટ મળી છે..... ભરુચમાં 11 લાખ 91 હજાર 877 મત પડ્યા એટલે કે 69.16 ટકા મતદાન થયું.. ગત ચૂંટણીમાં મનસુખ વસાવા 3 લાખ 34 હજાર 214 મતની લીડથી જીત્યા હતા.... 


ચૈતર વસાવા પર કેસ થયો અને... 

ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીને ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને વાગરા વિધાનસભા વિસ્તારમાંથી લીડ મળતી હતી. આ વિસ્તારમાં ભાજપની કમિટેડ વોટબેન્ક છે. પણ આ વખતે આ વિસ્તારમાં 5 ટકા ઓછું મતદાન થયું છે. જેની સાપેક્ષમાં ઝઘડિયા અને દેડિયાપાડામાં ઊંચું મતદાન થયું છે. મતદાનની ટકાવારીમાં જે ફેરફાર આવ્યો તેનાથી ભાજપને નુકસાન થઈ શકે છે. દેડિયાપાડા સહિતના આદિવાસી વિસ્તારમાં ઊંચું મતદાન ચૈતરને ફાયદો કરાવશે. આજથી 20 વર્ષ પહેલાં છોટુ વસાવા આદિવાસીઓના મસીહા તરીકે ઊભરી આવ્યા હતા. 



આ કારણોસર આપવામાં આવી મનસુખ વસાવાને ટિકીટ? 

આ વખતે ચૈતર વસાવાને ભાજપમાં લાવવામાં માટે પ્રયત્નો થયા અને તેમની ઉપર કેસ થયા એના કારણે ચૈતર વસાવા હીરો બન્યા. બીજી બાજુ સતત 6 ટર્મ મનસુખ વસાવા સાંસદ તરીકે રહ્યાં. એમની સક્રિય ભૂમિકા આદિવાસી વિસ્તારમાં જોવા નથી મળી..મનસુખ વસાવાને ચૂંટણી લડાવવાની ભાજપની ગણતરી નથી એવું કહેવાતું હતું. પરંતુ બિન-અનામત બેઠક ઉપર આદિવાસી સિવાયના વ્યક્તિને ટિકિટ આપશે એવી ચર્ચા હતી. પણ આવી સ્થિતિમાં આદિવાસી પટ્ટી પર ધ્રુવીકરણ થઈ ચૈતર વસાવા તરફી મત પડે એવી સંભાવના હતી. એટલે મનસુખ વસાવાને ટિકિટ મળી. 



ચૈતર વસાવા ભાજપને આપી શકે છે ટફ ફાઈટ

સુરતમાં આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકામાં સારી બેઠકો મેળવી પછી જે હાલત થઈ, નેતાઓએ પક્ષપલટો કર્યો પછી ભરૂચ બેઠક AAP માટે આશાના કિરણ સમાન છે. એટલે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા પણ ભરૂચમાં પ્રચાર માટે આવ્યા હતા. બીજી બાજુ ભાજપનું મોટાભાગનું ધ્યાન રાજકોટ, બનાસકાંઠા અને જામનગર પર હતું. અને  આ બધા સમીકરણોને જોતા ચૈતર વસાવાએ ટફ ફાઈટ તો આપી છે... 


જામનગર બેઠક પણ ટફ માનવામાં આવી રહી છે કારણ કે... 

જામનગરમાં ભાજપના નેતા પૂનમ માડમ છેલ્લી બે ટર્મથી ચૂંટણી લડે છે અને જીતે પણ છે. પરંતુ આ વખતે ક્ષત્રિય આંદોલનના કારણે તેમની સામે ઘણા પડકારો ઊભા થયા છે. સામે કોંગ્રેસે પાટીદાર નેતા જે.પી.મારવિયાને ચૂંટણી લડાવી. જામનગરમાં 10 લાખ 48 હજાર 410 મત પડ્યા એટલે કે 57.67 ટકા મતદાન થયું... ગત ચૂંટણીમાં ભાજપના પૂનમબેન માડમ 2 લાખ 36 હજાર 804 મતની લીડથી જીત્યા હતા.... પૂનમ માડમ બે ટર્મથી સતત ચૂંટાતા આવે છે. કોઈ જોખમ લેવાની ભાજપની ગણતરી નહોતી. એટલે તેમને રિપિટ કર્યા. શરૂઆતમાં તો પાંચ લાખની લીડની વાત હતી અને પૂનમ માડમને ટિકિટ આપે તો OBC સમાજ પણ સચવાઈ જાય. 



પરિણામ પર ઘણી અસર પડી શકે છે જો... 

કોંગ્રેસે પાટીદાર કાર્ડ ખેલ્યું છે. એટલે એક તરફ આહીર અને બીજી તરફ પાટીદાર ઉમેદવાર છે. આ વખતે મોટી જ્ઞાતિ વર્સિસ અન્ય જ્ઞાતિની ચૂંટણી થઈ ગઈ હોય એમ લાગે છે. જામનગરમાં બેઠક પર ટફ ફાઈટ એટલા માટે લાગી રહી છે કેમ કે, આ વખતે ક્ષત્રિય આંદોલનની ખાસ્સી એવી અસર ત્યાં હતી.. બીજુ બાજુ કોંગ્રેસે પાટીદાર ચહેરાને ટિકિટ આપી.... પૂનમબેન માડમે છેલ્લી ઘડીએ ડેમેજ કંટ્રોલ માટે ભાજપની થિન્ક ટેન્કને કામે લગાડી, ભાજપના અને સંઘના જૂના કાર્યકરો મેદાનમાં ઉતર્યા હતા..... પણ આ વખતે ધર્મેન્દ્રસિંહ ઉર્ફ હકુભા જાડેજાએ પૂનમબેનના વિરુદ્ધમાં મતદાન કરાવ્યું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.... જો આ વાત સાચી હોય તો ઘણી અસર પરિણામ પર પડી શકે.... 



મિતેષ પટેલ સામે અમિત ચાવડાને ઉતારવામાં આવ્યા 

આણંદમાં છેલ્લી બે ટર્મથી ભાજપની જીત થતી રહી છે. પરંતુ આ વખતે ભાજપે મિતેશ પટેલને રિપિટ કર્યા તો સામે કોંગ્રેસે અમિત ચાવડાને ટિકિટ આપીને ચૂંટણીનું ગણિત ફેરવી દીધું.... આણંદમાં 11 લાખ 57 હજાર 763 મત પડ્યા... એટલે 65.04 ટકા મતદાન થયું... ગત ચૂંટણીમાં 1 લાખ 97 હજાર 718 મતની લીડથી ભાજપના મિતેશ પટેલે જીત મેળવી હતી... આણંદમાં આ વખતે ટફ ફાઈટ લાગી રહી છે અને બીજી વાત કોંગ્રેસ મજબૂત લાગી રહી છે એનું કારણ એ છે કે ક્ષત્રિયોનું આંદોલન અને શહેરી વિસ્તારમાં થયેલું ઓછું મતદાન. 



ક્ષત્રિય સમાજને મનાવા પ્રયત્નો કર્યા પરંતુ.. 

પહેલું ફેક્ટર અમિત ચાવડાનો પોતાનો સાલસ સ્વભાવ, બીજું ફેક્ટર ક્ષત્રિય આંદોલને ભજવેલી ભૂમિકા અને ત્રીજું મોટામાં મોટું ફેક્ટર મિતેશ પટેલ પ્રત્યેની નારાજગીના કારણે ભાજપમાં થોડી આંતરિક જૂથબંધી પણ કામ કરી ગઇ હોય જેની અસર શહેરમાં થઈ હોય એવી શક્યતા છે... ભાજપે અહીં છેક છેલ્લી ઘડી સુધી ક્ષત્રિય સમાજને મનાવવાના પુરા પ્રયત્નો કર્યા હતા, લઘુમતી સમાજ ઉપર પણ પોતાનું વર્ચસ્વ જમાવવાના પ્રયત્નો કર્યા હતા. કોંગ્રેસે પણ પોતાના અને કાંઠાગાળાના વિસ્તારોમાં એમના જે મતદારો છે એને સાચવવાના પ્રયાસો કર્યા હતા... 


આ બેઠકો સતત ચર્ચામાં રહી.. 

આણંદમાં જે રીતે ગામડાઓમાં ભાજપના કાર્યકરોને આવવા નહોતા દેવાયા તેની અસર 100 ટકા પડશે. એમાં પણ ઉમરેઠ, ખંભાત, બોરસદમાં ક્ષત્રિયોએ જાકારો આપ્યો અને આણંદ શહેરમાં, બાકરોલમાં પણ વિરોધ હતો.... પેટલાદમાં પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાયા એનો લાભ ભાજપને મળ્યો. સોજિત્રામાં વિપુલ પટેલની પોતાની આગવી ઓળખ છે. આણંદમાં યોગેશ પટેલની પોતાની આગવી ઓળખ છે. એટલે આ ફેક્ટર ભાજપ માટે મહત્વના રહ્યાં. આણંદમાં કાંટાની ટક્કર છે....તો અત્યારે આ તમામ બેઠકો પર જે રીતે મતદાન થયું અને સતત ચર્ચાના અંતે આ બેઠકો પર ફાઈટ ટફ હોય તેવું લાગી રહ્યું છે... તમને શું લાગે છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો.... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?