રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા ઘણા સમય પહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ હતી જ્યારે કોંગ્રેસે થોડા સમય પહેલા નામો જાહેર કર્યા. ગુજરાતની 7 બેઠકો માટે કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે. બે સીટો માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે ભાજપે 22 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગઈકાલે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે
આ બેઠકો માટે બંને પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની કરાઈ જાહેરાત
ગુજરાતની અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થઈ રહી છે. ભરૂચ લોકસભા બેઠક તો છેલ્લા ઘણા સમયથી ચર્ચમાં છે. કોઈ વખત ચૈતર વસાવાને કારણે તો કોઈ વખત મનસુખ વસાવાને કારણે. તો બનાસકાંઠા બેઠક પણ રસપ્રદ રહેશે કારણ કે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. ભાજપે રેખાબેન ચૌધરીને તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે.
આટલી બેઠકો માટે ચિત્ર થઈ ગયું સ્પષ્ટ
ભાવનગર લોકસભા સીટ પર કોંગ્રેસ અને આપ વચ્ચે થયેલા ગઠબંધન અંતર્ગત ઉમેશ મકવાણાને ટિકીટ આપવામાં આવી છે. ત્યાં ઉમેશ મકવાણા તેમજ નિમુબેન બાંભણીયા વચ્ચે સીધી ટક્કર થવાની છે. તે સિવાય બંને પાર્ટી દ્વારા અમદાવાદની બંને બેઠકો એટલે અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. વલસાડમાં કોંગ્રેસના અનંત પટેલ તેમજ ભાજપના ધવલ પટેલ વચ્ચે જંગ જામવાનો છે. તો પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવિયા તેમજ કોંગ્રેસના લલિત વસોયા વચ્ચે જંગ જામવાનો છે.