લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. શનિવારે ભાજપે 195 ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દીધી છે. 195માંથી ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોની ઘોષણા કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન છે અને આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે કોંગ્રેસ પોતાના 24 ઉમેદવારોના નામની યાદી ક્યારે જાહેર કરશે? આ વાતનો જવાબ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આપ્યો છે. આવનાર થોડા દિવસોની અંદર ઉમેદવારોના નામની જાહેરાત થશે તેવી વાત તેમણે કહી છે. સંભવિત ઉમેદવારોના નામની વાત કરીએ તો કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર લોકસભા ચૂંટણી લડી શકે છે. તે સિવાય સંભવિત નામોની ચર્ચા કરી તો ડો. યોગેશ મેત્રક, ભરત મકવાણા અને રત્નાબેન વોરાનું નામ આ પેનલમાં સામેલ છે.
આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી!
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતની 26 બેઠકો માટે ગઠબંધન થયું છે જે અંતર્ગત ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે તો ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ 24 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારવાની છે પરંતુ તે ઉમેદવાર કોણ હશે તેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ભાજપ માટે તો ચર્ચાઓ થઈ રહી હતી કે આમને ઉમેદવાર બનાવાઈ શકાય છે, આમનું પત્તું કપાઈ શકે છે વગેરે વગેરે.... પરંતુ કોંગ્રેસ માટે આવું કહેવું કદાચ અઘરૂં છે કારણ કે ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલી રહી હોય તેવો માહોલ નથી બન્યો જેટલો માહોલ ભાજપ દ્વારા બનાવવામાં આવ્યો!
7 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવી પહોંચશે ગુજરાત!
લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. રાહુલ ગાંધી 7 માર્ચથી 10 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતની અનેક બેઠકોને આવરી લેવામાં આવી છે રાહુલ ગાંધીની આ યાત્રામાં. એક તરફ ઉમેદવારોના નામોને લઈ અસમંજસ છે તો બીજી તરફ રાહુલ ગાંધીને ગુજરાત આવવામાં માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે 10 માર્ચ બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ગુજરાતથી નામો દિલ્હી પણ પહોંચી ગયા છે તેવી માહિતી સામે આવી છે.