ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી માટે મતદાન થવાનું છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે 5 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે. જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. આપણી સમક્ષ અનેક એવા ઉદાહરણો છે જેમાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પોતાનો પક્ષ છોડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે.
ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓએ ધારણ કર્યો છે કેસરિયો!
ગુજરાતમાં થોડા સમયથી પક્ષ પલટાની મૌસમ જામી છે. પોતાનો પક્ષ છોડી નેતાઓ બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓએ કેસરિયો ધારણ કર્યો છે. થોડા દિવસ થયા નથી કે ભાજપમાં ભરતી મેળો થતો નથી..! કોંગ્રેસમાં તો એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. કોંગ્રેસ માટે એવું માનવામાં આવતું હતું કે શક્તિસિંહના આવ્યા બાદ કદાચ પરિસ્થિતિ બદલાય. પરંતુ તેમના સમયમાં પણ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે અને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને કેસરિયો ધારણ કરી લીધો છે.
પક્ષપલટો કરનાર નેતાઓને લઈ શક્તિસિંહ ગોહિલે આપ્યું નિવેદન
ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે તે બાદ તે બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીની તારીખ જ્યારે જાહેર થઈ ત્યારે પેટા ચૂંટણીની તારીખોનું એલાન પણ કરવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે પક્ષ પલટો કરનાર નેતાઓને લઈ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. પક્ષપલટો કરનાર પર આકરા પ્રહાર કર્યા છે. મહત્વનું છે કે એવું માનવામાં આવી રહ્યું છે કે પોતાના પદને છોડી જે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં ગયા છે તેમને જ ભાજપ ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકે છે.