લોકસભા ચૂંટણી 2024ને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારી કરી દીધી છે. ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. 26 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 7 અને આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. રાજકીય પાર્ટીમાં ઉમેદવારોને લઈ મનોમંથન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે મહિપતસિંહ ચૌહાણે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મહિપતસિંહ અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે.
મહિપતસિંહે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી!
ભાજપ દ્વારા અનેક નવા ચહેરાને લોકસભા ચૂંટણી માટે તક આપવામાં આવી છે, માત્ર થોડા જ વર્તમાન સાંસદોને ભાજપે રીપિટ કર્યા છે. ઉપરાંત કોંગ્રેસ દ્વારા વર્તમાન ધારાસભ્યોને ટિકીટ આપવામાં આવી છે. લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા અનેક નેતાઓને હોય છે અને આ બધા વચ્ચે મહિપતસિંહ ચૌહાણે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક વીડિયો સંદેશો મહિપતસિંહનો સામે આવ્યો છે જેમાં લોકસભા ચૂંટણીને લઈ વાતો કરી રહ્યા છે.
બે વિધાનસભા બેઠક પરથી મહિપતસિંહે નોંધાવી હતી ઉમેદવારી!
જો મહિપતસિંહની વાત કરીએ તો 2022માં તેઓ ખેડા જિલ્લાની બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. એક બેઠક હતી માતરની અને બીજી હતી ખંભાતની. બંને બેઠકો પરથી મહિપતસિંહને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી તો ભલે તે હાર્યા પરંતુ સામાજીક કાર્યકર્તા તરીકે તેમની છબી સારી છે. વિધાનસભા ચૂંટણી વખતે તે આમ આદમી પાર્ટીમાં હતા પરંતુ તે બાદ તેમણે પક્ષને છોડી દીધો હતો અને તે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. ત્યારે હવે તેમણે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.