બનાસકાંઠા લોકસભા બેઠકની અનેક વખત ચર્ચા થઈ રહી છે કારણ કે આ બેઠક પર બહેન Vs બહેનનો જંગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. બંને બહેનોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. બનાસની બેન તરીકે પ્રખ્યાત ગેનીબેન ઠાકોર સતત ચર્ચામાં રહેતા હોય છે. તેમનો શંકર ચૌધરી સામેનો વિરોધ જગજાહેર છે. ગેનીબેન શંકર ચૌધરી સામે બેફામ બોલે છે, અને ન બોલવાનો કોઈ મોકો નથી છોડતા. ત્યારે ફરી એકવાર ચૂંટણી પ્રચારમાં બનાસની આ બેને શંકર ચૌધરી ઉપર આક્ષેપો કર્યા છે....
ગેનીબેન ઠાકોરે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર કર્યા પ્રહાર
ગેનીબેન પોતાના નિવેદનને કારણે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઈને ગેનીબેન ઠાકોર ધૂંઆધાર પ્રચાર કરી રહ્યાં છે. થરાદના મોરથલ ગામમાં ચૂંટણી સભા યોજાઈ હતી.. જેમાં ગેનીબેન ઠાકોરે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે નિશાન સાધ્યું હતું. ચૂંટણી જીત્યા પછી પ્રજાના પ્રતિનિધિ તરીકે જનતાના કામ કરવા એ આપણી ફરજ છે. રાજધર્મ નિભાવવા માટે શંકર ચૌધરીને ગેનીબેને સલાહ આપી તો સાથે સાથે એવા આરોપ પણ લગાવ્યા કે, બિમારી સમયે હૉસ્પિટલમાં કોઈને સારવાર મળે અને તમે મદદરુપ થયા હોય પછી હવે એના વીડિયો બનાવો તો એ મદદ કરી તેનું અપમાન કહેવાય.
ડિપોઝીટ ભરવા માટે ગેનીબેન ઠાકોરે લોકોને કરી અપીલ
બનાસકાંઠામાં કોંગ્રેસનો પ્રચાર તો ધૂંઆધાર થઈ રહ્યો છે..... પણ એ કેટલો કારગર સાબિત થશે તે જોવુ ખુબ રસપ્રદ રહેશે..... એક વાત બીજી એ પણ કે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ડિપોઝીટ ભરવા માટે રૂપિયા ભરવાના મુદ્દે ફરી ચર્ચામાં આવ્યા છે. ગેનીબેને ડિપોઝીટ ભરવા માટે લોકો પાસેથી ફાળો માંગ્યો છે. ગેનીબેને પોતાના એકાઉન્ટમાં પૈસા નાખવા માટે QR કોડ સોશિયલ મીડિયામાં મૂક્યો છે અને અપીલ કરતી પોસ્ટ મૂકી છે. આમ, લોકોએ આપેલા ફાળાના પૈસાથી ગેનીબેન ચૂંટણીની ડિપોઝીટ ભરશે. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠામાં મતદાતા કોઈ પર પ્રેમ વરસાવે છે?