ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે. ભાજપ દ્વારા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા માત્ર સાત ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. 7માંથી એક ઉમેદવારે પીછે હટ કરી છે. નામ પરત ખેચવા માટે પત્ર લખ્યો છે. બીજા ઉમેદવારોને લઈ કોંગ્રેસ દ્વારા નામોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. ઉમેદવારોના નામને લઈ મનોમંથન ચાલી રહ્યું છે. સંભવિત ઉમેદવારોના નામની વાત કરીએ તો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પંચમહાલ બેઠક પરથી કોંગ્રેસે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવાર બનાવી શકે છે. હાઈકમાન્ડમાંથી આ માટે ફોન આવ્યો હોય તેવી વાત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.
સાતમાંથી એક ઉમેદવારે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર
ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. થોડા સમય બાદ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવશે. ઉમેદવારોના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી ગઈ છે, 22 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે ભાજપ દ્વારા પરંતુ કોંગ્રેસમાં ઉમેદવારોને લઈ અસમંજસ હોય તેવું લાગે છે. માત્ર 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે અને એમાંથી એક ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. એક તરફ ભાજપ પોતાના ધારાસભ્યોને ટિકીટ નથી આપી રહ્યું તો બીજી તરફ કોંગ્રેસે મુખ્યત્વે જગ્યાઓ પર ધારાસભ્યોને ટિકીટ આપી છે.
કોને ક્યાંથી કોંગ્રેસ ઉતારી શકે છે ચૂંટણી મેદાનમાં?
બાકી રહેલી બેઠકોના નામ અંગેની ચર્ચા કરીએ તો ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસ પંચમહાલ બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતારી શકે છે. ખેડા બેઠક ઉપર કોંગ્રેસકાળુસિંહ ડાભીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે, છોટાઉદેપુર સુખરામ રાઠવા ઉમેદવાર હશે તેવું માનવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર બેઠક પર નૌશાદ સોલંકી અથવા લાલજી દેસાઈને ટિકીટ આપવામાં આવી શકે છે. તે સિવાય ગાંધીનગર બેઠક પર કોંગ્રેસ મહિલા ઉમેદવાર ઉતારી શકે છે અને જે મહિલાના નામની ચર્ચા થઈ રહી છે તે સોનલબેન પટેલ.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે ગઠબંધન
પાટણ બેઠક પર ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરનું નામ નક્કી છે અને મહેસાણા બેઠક ઉપર ભરતજી ઠાકોરને કોંગ્રેસ ઉમેદવાર બનાવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નામ ફાઈનલ જેવા જ છે... કોંગ્રેસના હાઈ કમાન્ડે નામો પર મહોર લગાવી દીધી છે માત્ર નામની જાહેરાત કરવાની બાકી છે. મહત્વનું છે કે ગુજરાત માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને જે અંતર્ગત ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક પર ઉમેશ મકવાણાની પસંદગી કરવામાં આવી છે.