ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ રહી હતી. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિરોધ ચાલી રહ્યો છે. આજે વાત રાજકોટ લોકસભા બેઠકની નથી કરવી પરંતુ અમરેલી બેઠકની કરવી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે ફરિયાદ કરવામાં આવી છે. ઠુમ્મરની વિરુદ્ધમાં આચારસંહિતા ભંગની ફરિયાદ ભાજપની લીગલ સેલની ટીમ દ્વારા ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાને કરવામાં આવી છે .
જેનીબેન ઠુમ્મર સામે નોંધાઈ ફરિયાદ
ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં ચૂંટણી થવાની છે. ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. અમરેલી લોકસભા પરથી કોંગ્રેસ પાર્ટીએ વીરજી ઠુમ્મરનાં દીકરી જેની ઠુમ્મરને ટિકિટ આપી છે. અને હવે ભાજપની લીગલ સેલની ટીમે જેની ઠુમ્મર પર આરોપ લગાવ્યો છે કે , ચૂંટણી પ્રચારની સભામાં જેની ઠુમ્મરે કેટલીક યુવતીઓને રાષ્ટ્રધ્વજ આપીને નિયમોનો ભંગ કર્યો છે. હવે આ મામલે કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરને ચૂંટણી પંચે નોટિસ ફટકારી ખુલાસો કરવા કહ્યું છે .
સુરત કોંગ્રેસના ઉમેદવારના ઉમેદવારી ફોર્મ પર ઉઠ્યા સવાલ
તે સિવાય એવી પણ માહિતી સામે આવી છે કે સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નો ઉભા થયા છે. મળતી માહિતી અનુસાર ભાજપે નિલેશ કુંભાણીના ફોર્મ સાથે જોડાયેલા 3 ટેકેદારોની સાઈનને લઈ વાંધો ઉઠાવ્યો છે.. ભાજપ દ્વારા ચૂંટણી કમિશનરને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે ચાર વાગ્યા સુધીમાં આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવશે..