લોકસભાની ચૂંટણીને માંડ એક વર્ષ પણ રહ્યું નથી ત્યારે કેન્દ્રની મોદી સરકારે તે માટેની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દીધી છે. તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા PM મોદીએ આ મુદ્દે પાર્ટી પદાધીકારીઓ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી. ભાજપના આંતરિક સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ હાલના 26 પૈકી 22 સાંસદોનું પત્તુ કપાશે, અને તેમના બદલે નવા ચહેરાને તક મળશે.
કયા સાંસદોની ટિકિટો કપાવાની શક્યતા?
ભાજપે તૈયાર કરેલી ચૂંટણી સ્ટ્રેટેજી મુજબ મોટા ભાગના સાંસદો ઘરભેગા થશે. આ સાંસદોમાં રંજનબેન ભટ્ટ, વડોદરા,ગીતાબેન રાઠવા, છોટા ઉદેપુર, મનસુખ વસાવા, ભરૂચ, પરભુ વસાવા, બારડોલી, દર્શના જરદોશ, સુરત, કે.સી. પટેલ, વલસાડ,પરબત પટેલ, બનાસકાંઠા, દીપસિંહ રાઠોડ, સાબરકાંઠા, ભરતજી ડાભી, પાટણ, શારદાબેન પટેલ, મહેસાણા, હસમુખ પટેલ, અમદાવાદ પૂર્વ, ડો. કિરીટ સોલંકી, અમદાવાદ પશ્ચિમ, મહેન્દ્ર મુંજપરા, સુરેન્દ્રનગર, મોહન કુંડારિયા, રાજકોટ, રમેશ ધડુક, પોરબંદર, પૂનમ માડમ, જામનગર, રાજેશ ચુડાસમા, જૂનાગઢ, નારણ કાછડિયા, અમરેલી, મિતેશ પટેલ, આણંદ, દેવુસિંહ ચૌહાણ, ખેડા, રતનસિંહ રાઠોડ, પંચમહાલ, જશવંતસિંહ ભાભોર, દાહોદ સહિતના દિગ્ગજોનો સમાવેશ થાય છે.
શા માટે ભાજપ શોધી રહ્યું છે નવા ચહેરા?
હવે સવાલ એ થાય છે કે ભાજપ પાસે જીતી શકવાની ક્ષમતા ધરાવતા લોકપ્રિય ચહેરા હોવા છતાં ભાજપ નવા ચહેરાઓ કેમ શોધી રહ્યું છે?. કેટલાક નેતાઓ જાતિ સમીકરણની દ્રષ્ટીએ કે તેમના અંગત પ્રભાવના કારણે તેમના સંસદીય ક્ષેત્રમાં જબરદસ્ત વર્ચસ્વ ધરાવે છે. તે જ પ્રકારે ભારતી શિયાળ, પૂનમ માડમ, રંજનબેન ભટ્ટ અને દર્શના જરદોશ જેવા આક્રમક મહિલા સાંસદો હોવા છતાં પણ શું કામ BJP બીજાને શોધે છે એ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે.
નિષ્ક્રિય સાંસદો ઘરભેગા થશે
ભાજપે તૈયાર કરેલી બ્લ્યુ પ્રિન્ટ મુજબ પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અમદાવાદ પૂર્વના સાંસદો નામો પર ખતરો છે. રતનસિંહ રાઠોડ, પંચમહાલ, જશવંતસિંહ ભાભોર, દાહોદ અમદાવાદ પૂર્વ, ડો. કિરીટ સોલંકી અને સાબરકાંઠા, દીપસિંહ રાઠોડનું પત્તુ તેમની તદ્દન નિષ્ક્રિયતાના કારણે કપાશે. આ સાંસદોએ સંસદની કાર્યવાહીમાં અને તેમના સંસદીય વિસ્તારમાં પણ કોઈ નોંધપાત્ર કામગીરી કરી નથી. આ નામોમાં પણ કચ્છના વિનોદ ચાવડાને ટિકીટ મળવાની શક્યતા 50 ટકા જેટલી છે. તે જ પ્રકારે ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાનું પત્તુ કપાવાની પણ શક્યતા છે. રાજેશ ચુડાસમાનું નામ ડો. ચગ આત્મહત્યા કેસમાં આવ્યું છે. વેરાવળના ડો. ચગે પૈસાની લેતીદેતીમાં આત્મહત્યા કરી હતી અને તેમની સ્યુસાઈડ નોટમાં રાજેશ ચુડાસમાનું નામ લખ્યું હતું.
લોકસભાની ચૂંટણી માટે કોને તક મળશે?
આગામી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપના 4 અગ્રણી નેતાઓના નામ તો નક્કી જ છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાનું નામ પાક્કુ મનાય છે. આમાં પણ પાટીલ અને અમિત શાહ રીપિટ થશે, જ્યારે રૂપાલા અને માંડવિયાને હવે રાજ્ય સભાને બદલે લોકસભામાં અન્ટ્રી માટે તૈયારી કરાવાનું પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે.