લોકસભા ચૂંટણી 1962: નેહરૂની અંતિમ ચૂંટણી, રાજનીતિમાં ઈન્દિરાનો પ્રવેશ, લોહિયા, કૃપલાણી અને વાજપાઈનો કારમો પરાજય


  • Published By :
  • Published Date : 2023-10-01 18:57:56

ભારતમાં ત્રીજી લોકસભા ચૂંટણી 1962માં યોજાઈ હતી અને કોંગ્રેસ ફરી એક વખત સત્તામાં આવી હતી. દેશમાં સતત ત્રીજી વખત એવું બન્યું હતું જ્યારે કોંગ્રેસને સામાન્ય ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મળી હતી. જવાહરલાલ નેહરુ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા હતા. જો કે 1962ની ત્રીજી સામાન્ય ચૂંટણી અગાઉની બે સામાન્ય ચૂંટણીઓ કરતાં ઘણી બાબતોમાં અલગ હતી. પ્રથમ વખત દરેક સંસદીય મતવિસ્તારમાંથી માત્ર એક જ સાંસદ ચૂંટાયા હતા અને આ પ્રથા હજુ પણ યથાવત છે. અગાઉની બંને સામાન્ય ચૂંટણીઓમાં, કેટલાક સંસદીય ક્ષેત્ર એવા હતા જ્યાંથી બે પ્રતિનિધિઓ ચૂંટાયા હતા - એક જનરલ કેટેગરીમાંથી અને એક SC-ST સમુદાયમાંથી. દેશની ત્રીજી સામાન્ય ચૂંટણી પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની છેલ્લી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં સી. રાજગોપાલાચારીની સ્વતંત્ર પાર્ટીએ જબરદસ્ત છાપ છોડી હતી. સ્વતંત્ર પાર્ટી દેશની પ્રથમ ફ્રી માર્કેટની સમર્થક પાર્ટી હતી. જ્યારે દક્ષિણમાં ડીએમકે નામના ક્ષેત્રીય પક્ષે કોંગ્રેસને સૌપ્રથમ વખત પડકાર ફેંક્યો હતો તેણે તમિલનાડુની સત્તામાંથી કોંગ્રેસને બેદખલ કરી દીધી હતી. વર્ષ 1955માં કોંગ્રેસ કારોબારીમાં પ્રવેશ્યા પછી, ત્રીજી સામાન્ય ચૂંટણી સુધીમાં, ઈન્દિરા ગાંધી રાજકારણમાં સ્થાપિત થઈ ગયા અને કોંગ્રેસમાં તેમનો પ્રભાવ વધ્યો. ઈન્દિરાને નેહરુના રાજકીય અનુગામી તરીકે જોવામાં આવ્યા હતા.


ચૂંટણી કાર્યક્રમ અને પ્રક્રિયા


છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓની જેમ આ વખતે પણ ચૂંટણી પ્રક્રિયા લાંબી ચાલી હતી. લોકસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા 16 ફેબ્રુઆરીથી 6 જૂન સુધી ચાલી હતી. 1961માં કાયદા બનાવીને   બે-સભ્યના સંસદીય મતવિસ્તારોને નાબૂદ કરવામાં આવ્યા હતા, તેથી 494 સંસદીય બેઠકોમાંથી સમાન સંખ્યામાં પ્રતિનિધિઓ સંસદના નીચલા ગૃહમાં ચૂંટાયા હતા. કુલ 21.8 કરોડ મતદારોમાંથી 55.4 ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.


28 પક્ષો હતા મેદાનમાં, કોંગ્રેસની સત્તામાં હેટ્રીક


ભારતની ત્રીજી સામાન્ય ચૂંટણીમાં 28 પક્ષોએ તેમના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પંડિત જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં કોંગ્રેસે સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવી હતી. કુલ 494 બેઠકોમાંથી કોંગ્રેસે 361 બેઠકો કબજે કરીને જીતની હેટ્રિક ફટકારી છે. આ વખતે તેનો વોટ શેર 44.72 ટકા હતો. કુલ બેઠકોમાંથી 60 ટકાથી વધુ બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી. જો કે ત્રીજી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને ઉત્તર ભારત અને દક્ષિણમાં તમિલનાડુમાં ફટકો પડ્યો હતો. કોંગ્રેસને 494માંથી 361 બેઠકો જીતી હતી, જે પ્રથમ અને બીજી સામાન્ય ચૂંટણી કરતાં ઓછી હતી. પ્રથમ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે 364 બેઠકો જીતી હતી જ્યારે બીજી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 371 બેઠકો મળી હતી. ત્યાર બાદ બીજા સ્થાને રહેલી CPI પણ મજબૂત થઈ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)એ 29 બેઠકો જીતી હતી. આ વખતે પાર્ટીએ પહેલી અને બીજી સામાન્ય ચૂંટણી કરતાં વધુ બેઠકો જીતી હતી. 1952ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં CPIએ 16 બેઠકો અને 1957ની બીજી લોકસભા ચૂંટણીમાં 29 બેઠકો જીતી હતી,  CPIને કુલ 9.94 ટકા વોટ મળ્યા હતા. સી. રાજગોપાલાચારીની મુક્ત બજારની સમર્થક સ્વતંત્ર પાર્ટીએ પણ 7.89 ટકા વોટ શેર સાથે 18 બેઠકો જીતીને ચૂંટણીમાં પોતાની અમિટ છાપ છોડી હતી. ભારતીય જનસંઘ (હાલના ભાજપના પુરોગામી)ને 14 બેઠકો અને પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીને 12 બેઠકો મળી હતી. આ ચૂંટણીની ખાસ વાત એ હતી કે પહેલીવાર DMKએ લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું હિંદી ભાષાના વિરોધ અને દ્રવિડ અસ્મિતાના નામે દક્ષિણમાં ઉભરી આવેલી પાર્ટી દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) આ ચૂંટણીમાં સાત બેઠકો જીતવામાં સફળ રહી હતી. આ લોકસભા ચૂંટણીમાં અપક્ષ સાંસદોની સંખ્યા ઘટીને 20 થઈ ગઈ હતી.


માત્ર 4 પક્ષો જ બે આંકડાને સ્પર્શી શક્યા


1962ની લોકસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ સિવાય માત્ર ચાર પક્ષો જ બે આંકડાને સ્પર્શી શક્યા હતા. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીએ 29 બેઠકો જીતી હતી. સ્વતંત્ર પાર્ટીએ 18 અને ભારતીય જનસંઘે 14 બેઠકો જીતી હતી. જ્યારે પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીએ 12 બેઠકો અને સોશિયાલિસ્ટ પાર્ટીએ 6 બેઠકો પર જીત મેળવી હતી. ચૂંટણીમાં અકાલી દળે 3 અને અખિલ ભારતીય હિંદુ મહાસભાએ એક બેઠક જીતી હતી.


કોંગ્રેસનો વોટ શેર ઘટ્યો


ત્રીજી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર ઘટ્યો હતો. બીજી લોકસભા ચૂંટણીની સરખામણીમાં પાર્ટીએ આ ચૂંટણીમાં 10 ઓછી બેઠકો જીતી હતી. મુસ્લિમ લીગ, અકાલી દળ, અખિલ ભારતીય હિંદુ મહાસભા અને રામ રાજ્ય પરિષદ ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગયા હતા. 1957ની જેમ આ ચૂંટણીમાં પણ મજબૂત વિપક્ષ ઉભો થયો ન હતો. ચૂંટણીમાં ભારતીય જનસંઘનું પ્રદર્શન ચોક્કસપણે સારું રહ્યું હતું. આ ચૂંટણીમાં પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીએ 12 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસનો વોટ શેર પ્રથમ સામાન્ય ચૂંટણીમાં 45 ટકા અને બીજી સામાન્ય ચૂંટણીમાં 48 ટકાથી વધુ હતો, તે ત્રીજી સામાન્ય ચૂંટણીમાં ઘટીને 44.72 ટકા થયો હતો. આ ચૂંટણીમાં મતદારોનો કુલ હિસ્સો 55.42 ટકા રહ્યો હતો.


રાજનીતિમાં ઈન્દિરાનો પ્રવેશ અને 'સ્વતંત્ર' પક્ષનો ઉદય


ત્રીજી લોકસભા ચૂંટણીમાં દરેક મતવિસ્તારમાંથી માત્ર એક જ સભ્ય ચૂંટાયા હતા. જો કે આ ચૂંટણી બાદ ઈન્દિરા ગાંધીએ સત્તાવાર રીતે ભારતીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ઈન્દિરાને 1959માં કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ તે સમય હતો જ્યારે સી રાજગોપાલાચારીએ જવાહરલાલ નેહરુ અને કોંગ્રેસના વિરોધમાં 'સ્વતંત્ર પાર્ટી'ની સ્થાપના કરી હતી. પાર્ટીની રચના 1959માં થઈ હતી. 'સ્વતંત્ર પાર્ટી' એ ઉદારવાદી-રૂઢિચુસ્ત રાજકીય પક્ષ હતો જેનો ઉદ્દેશ્ય જવાહરલાલ નેહરુને સીધો પડકાર આપવાનો હતો. નેહરુની સમાજવાદી નીતિઓના વિરોધમાં રાજગોપાલાચારીએ સ્વતંત્ર પાર્ટીની રચના કરી હતી. આ પાર્ટીને રાજ પરિવારો અને દેશના સમૃધ્ધ લોકો અને ઉદ્યોગપતિઓનું સમર્થન હતું. સ્વતંત્ર પાર્ટીએ વર્ષ 1962ની લોકસભા ચૂંટણી લડી અને 18 બેઠકો જીતી હતી.


લોહિયા, ડાંગે, કૃપલાણી અને અટલ બિહારી હાર્યા


અગાઉની બે ચૂંટણીઓની જેમ, 1962ની લોકસભા ચૂંટણીમાં પણ ઘણા દિગ્ગજ નેતાઓ હારી ગયા હતા. હારનો સ્વાદ ચાખનારા નેતાઓમાં ડૉ. રામ મનોહર લોહિયા, શ્રીપાદ અમૃત ડાંગે, અટલ બિહારી વાજપેયી, જે.બી. કૃપાલાની, જનસંઘના પ્રમુખ બલરાજ મધોક, કૉંગ્રેસ નેતા લલિત નારાયણ મિશ્રા, રામધન, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અબ્દુલ ગફૂરનો સમાવેશ થતો હતો. મુંબઈ શહેર (મધ્ય) પ્રખ્યાત સામ્યવાદી નેતા ડાંગેને કોંગ્રેસના વિપુલ બાલકૃષ્ણ ગાંધીએ હરાવ્યા હતા.


અટલ બિહારી વાજપેયી બલરામપુર અને લખનૌ એમ બે જગ્યાએથી ચૂંટણી લડ્યા હતા અને બંને જગ્યાએથી તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. બલરામપુરમાં તેમને કોંગ્રેસના સુભદ્રા જોશી અને લખનૌમાં કોંગ્રેસના બીકે ધવનથી હરાવ્યા હતા. જેબી કૃપલાણી બોમ્બે સિટી (ઉત્તર)થી કોંગ્રેસના દિગ્ગજ નેતા વીકે કૃષ્ણ મેનન સામે હારી ગયા હતા. બિહારની સહરસા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ભૂપેન્દ્ર નારાયણ મંડલે કોંગ્રેસના ઉમેદવાર લલિત નારાયણ મિશ્રાને હરાવ્યા હતા. નવી દિલ્હી સંસદીય મત વિસ્તારમાંથી ઉભા રહેલા બલરાજ મધોકને કોંગ્રેસના મેહરચંદ ખન્નાએ હરાવ્યા હતા. રામધન ઉત્તર પ્રદેશની લાલગંજ બેઠક પરથી હારી ગયા હતા જ્યારે અબ્દુલ ગફૂર બિહારની તત્કાલીન જયનગર બેઠક પરથી હારી ગયા હતા. ત્યારે ગફૂરે સ્વતંત્ર પાર્ટીની ટિકિટ પર પણ ચૂંટણી લડી હતી. તેમની જીત પણ માત્ર 66 મતથી થઈ હતી.


વાજપેયીની હાર જનસંઘને મોટો ઝટકો


અટલ બિહારી વાજપેયી ત્રીજી લોકસભાની ચૂંટણીમાં એ જ સીટ હારી ગયા હતા જ્યાંથી તેઓ બીજી લોકસભા ચૂંટણીમાં સંસદમાં પહોંચ્યા હતા. તેઓ યુપીની બલરામપુર સીટ પરથી કોંગ્રેસના સુભદ્રા જોશીએ હરાવ્યા હતા. આ બેઠકે 1957માં જનસંઘની ટિકિટ પર ચૂંટણી લડનારા વાજપેયીને ઉભરતા રાજકારણી બનાવ્યા હતા. સંસદમાં તેમના ભાષણોથી નેહરુ પણ ખુબ જ  પ્રભાવિત થયા હતા. ઉલ્લેખનિય છે અટલ બિહારી વાજપાઈ 1953માં લખનૌથી પેટાચૂંટણી હારી ગયા હતા. 1957માં તેઓ મથુરા, બલરામપુર અને લખનૌથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. વાજપેયીને મથુરામાંથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, લખનૌથી લોકસભાની ચૂંટણી લડેલા વાજપાઈએ ડિપોઝિટ પણ ગુમાવી હતી, પરંતુ તેઓ બલરામપુરમાં કોંગ્રેસના હૈદર હુસૈન પાસેથી 10 હજાર મતોથી જીત્યા હતા. આ પછી, ત્રીજી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે બલરામપુર બેઠક પરથી ગાંધીવાદી સુભદ્રા જોશીને મેદાનમાં ઉતાર્યા. જોશી અને વાજપેયી 1942ના ભારત છોડો આંદોલનમાં દેશની સેવા કરવા માટે સાથે આવ્યા હતા, પરંતુ બંનેની વિચારધારા અલગ હતી. તે સમયે વાજપેયી ધીમે ધીમે સંસદમાં વિપક્ષનો મુખ્ય ચહેરો બની રહ્યા હતા, પરંતુ 1962માં બલરામપુર બેઠકે તેમની લોકપ્રિયતા પર રોક લગાવી દીધી હતી. લોકસભા ચૂંટણી હાર્યા બાદ વાજપેયીને આ વર્ષે જનસંઘ તરફથી રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.


ચૂંટણી જીત્યાના બે વર્ષ પછી નેહરુનું અવસાન


પંડિત જવાહરલાલ નેહરુનું ત્રીજી લોકસભા ચૂંટણીમાં જીતના બે વર્ષ બાદ 27 મે 1964ના રોજ અવસાન થયું હતું. તેમની જગ્યાએ લાલ બહાદુર શાસ્ત્રી ભારતના વડાપ્રધાન બન્યા. 19 મહિનાના કાર્યકાળ બાદ 1966માં લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન થયું હતું. આ પછી ગુલઝારી લાલ નંદાને વચગાળાના વડાપ્રધાન બનાવવામાં આવ્યા. 1966માં ઈન્દિરા ગાંધી આખરે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા. ત્રીજી લોકસભા ચૂંટણી ઘણી રીતે મહત્વની હતી. આ ચૂંટણીમાં માત્ર 485 બેઠકોના પરિણામ જાહેર થયા હતા. નવ બેઠકોમાંથી, યુપીની બે બેઠકો પર પુન: મતગણતરી થઈ હતી અને મણિપુરમાં બે બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. હિમવર્ષાના કારણે એપ્રિલમાં હિમાચલની ચાર અને પંજાબની એક બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. આ પાંચ બેઠકો કોંગ્રેસે જીતી હતી. ચૂંટણી પછી જ ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબર 1962થી નવેમ્બર 1962 વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં ભારતનો કારમો પરાજય થતાં નહેરૂ સામે સમગ્ર દેશમાં આકરી ટીકા થઈ હતી. તેનો આઘાત સહન કરી ન શકતા તેમનું હાર્ટ એટેકથી નિધન થયું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?