બ્રિટિશરોના ક્રુર શાસનમાંથી દેશ વર્ષ 1947માં આઝાદ થયો, કરોડો ભારતીયોએ 15મી ઓગસ્ટના દિવસે મુક્ત હવામાં શ્વાસ લીધો હતો. દેશવાસીઓએ ભાગલાના દર્દને ભૂલાવીને આગળ વધવાનો નિર્ધાર કર્યો હતો. તે સમયે વડા પ્રધાન જવાહર લાલ નહેરૂના નેતૃત્વમાં દેશની સૌપ્રથમ 15 સભ્યોની કેબિનેટ રચવામા આવી હતી, આ કેબિનેટની રસપ્રદ બાબત એ હતી કે તેમાં કેટલાક બિન કોંગ્રેસી પ્રધાનો પણ હતા. મહાત્મા ગાધીનો આગ્રહ હતો કે દેશની પ્રથમ કેબિનેટમાં સમાજના દરેક વર્ગ અને પક્ષના નેતાને સ્થાન મળે તેથી બિનકોંગ્રેસી એવા ડો. ભીમ રાવ આંબેડર અને ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને પણ નહેરૂએ મંત્રી બનાવ્યા હતા. ત્યાર બાદ ભારતમાં પ્રથમ વખત વર્ષ 1951-52માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણી માત્ર એટલા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ન હતી કારણ કે તે એક ઐતિહાસિક ચૂંટણી હતી, સ્વતંત્ર ભારતની પ્રથમ ચૂંટણી હતી, પરંતુ તે એટલા માટે પણ મહત્વપૂર્ણ હતી કારણ કે સમગ્ર વિશ્વની નજર તેના પર ટકેલી હતી. દરેકના મનમાં પ્રશ્ન હતો કે શું નવું સ્વતંત્ર ભારત લોકશાહીની આટલી મોટી કવાયત સફળતાપૂર્વક પાર પાડી શકશે? લોકસભાની સાથે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની હતી. મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેનના સક્ષમ નેતૃત્વ હેઠળ ચૂંટણીઓ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી ત્યારે વિશ્વ આશ્ચર્યચકિત બની ગયું થયું હતું.


કોણ હતા દેશના પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર?
આઝાદીના બે વર્ષની અંદર, ભારતમાં ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી અને સુકુમાર સેનને માર્ચ 1950માં પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુકુમાર સેન 1921માં ભારતીય સિવિલ સર્વિસ ઓફિસર બન્યા હતા. બંગાળના ઘણા જિલ્લાઓમાં કામ કર્યા બાદ તેઓ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવના પદ સુધી પહોંચ્યા જ્યાંથી તેમને મુખ્ય ચૂંટણી કમિશનરના પદ પર દિલ્હી લાવવામાં આવ્યા હતા.


ચૂંટણી પંચ સમક્ષ પડકારો
એવા દેશમાં સફળતાપૂર્વક લોકસભા ચૂંટણી યોજવી જ્યાં દર 10માંથી સરેરાશ 2 લોકો પણ શિક્ષિત ન હોય તે મુશ્કેલ કાર્ય હતું. 21 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ પુરુષો અને સ્ત્રીઓને મત આપવાનો અધિકાર હતો. ઘરે-ઘરે જઈને 17.3 કરોડ મતદારોની નોંધણી કરવી એ પોતે જ ખૂબ જ પડકારજનક હતું. એવી સ્ત્રીઓ પણ હતી, જેમને નામ પૂછવામાં આવે ત્યારે, તેઓ પોતાની ઓળખાણ આમની કે તેમની પત્ની અથવા આમની કે તેમની માતા તરીકે આપતી હતી.
આ પડકારનો સામનો કરવા માટે ચૂંટણી પહેલા ચૂંટણી પંચ દ્વારા મોટા પાયે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મતદાન મથક પર પક્ષો અથવા અપક્ષ ઉમેદવારોના ચિહ્નો ધરાવતી અલગ મતપેટીઓ મૂકવામાં આવી હતી જેથી મતદારો ચૂંટણી પ્રતિક જોઈ સંબંધિત મતપેટીઓમાં તેમના મતપત્રો નાખી શકે. 2 કરોડથી વધુ લોખંડના બેલેટ બોક્સ બનાવવામાં આવ્યા હતા અને લગભગ 62 કરોડ બેલેટ પેપર છાપવામાં આવ્યા હતા.
તે સમયે વાહનવ્યવહારના સાધનો મર્યાદિત હતા, તેથી મતપેટીઓને મતદાન મથક સુધી પહોંચાડવી કેટલી મોટી પડકાર બની હશે તેની કલ્પના સરળતાથી કરી શકાય તેમ છે. આખરે, આ તમામ પડકારોને પાર કરીને, સુકુમાર સેનના નેતૃત્વમાં ચૂંટણી પંચે આ ઐતિહાસિક ચૂંટણી સફળતાપૂર્વક હાથ ધરી.

4 મહિનામાં 68 તબક્કામાં યોજાઈ ચૂંટણી
પ્રથમ સામાન્ય ચૂંટણીઓ 25 ઓક્ટોબર 1951 થી 21 ફેબ્રુઆરી 1952 સુધી લગભગ 4 મહિનામાં અને 68 તબક્કામાં યોજાઈ હતી. તે સમયે લોકસભાની કુલ 489 બેઠકો હતી પરંતુ માત્ર 401 સંસદીય મતવિસ્તાર હતા. ત્યાં 314 સંસદીય મતવિસ્તાર હતા જ્યાંથી માત્ર એક પ્રતિનિધિ ચૂંટવાનો હતો. 86 સંસદીય મતવિસ્તારો હતા જ્યાં બે લોકો એકસાથે સાંસદ તરીકે ચૂંટવાના હતા. તેમાંથી એક સાંસદ સામાન્ય શ્રેણીમાંથી અને બીજા SC/ST સમુદાયમાંથી ચૂંટાયા હતા. એક સંસદીય મતવિસ્તાર હતો, ઉત્તર બંગાળ, જ્યાંથી 3 સાંસદો ચૂંટાયા હતા.


ઉત્તર બંગાળ સીટમાંથી 3 સાંસદો ચૂંટાયા
દેશની સૌપ્રથમ લોકસભા ચૂંટણી 25 ઓક્ટોબર 1951 થી 21 ફેબ્રુઆરી 1952 સુધી લગભગ 4 મહિનામાં અને 68 તબક્કામાં યોજાઈ હતી. તે સમયે લોકસભાની કુલ 489 બેઠકો હતી પરંતુ માત્ર 401 સંસદીય મતવિસ્તાર હતા. જેમાં 314 સંસદીય મતવિસ્તાર હતા જ્યાંથી માત્ર એક પ્રતિનિધિ ચૂંટવાનો હતો. 86 સંસદીય મતવિસ્તારો હતા જ્યાં બે લોકો એકસાથે સાંસદ તરીકે ચૂંટવાના હતા. તેમાંથી એક સાંસદ સામાન્ય શ્રેણીમાંથી અને બીજા SC/ST સમુદાયમાંથી ચૂંટાયા હતા. એક સંસદીય મતવિસ્તાર ઉત્તર બંગાળ એવો પણ હતો જ્યાંથી 3 સાંસદો ચૂંટાયા હતા.
પહેલો વોટ ક્યા પડ્યો હતો?
વર્ષ 1952ની ચૂંટણીમાં પ્રથમ મતદાન 25 ઓક્ટોબર, 1951ના રોજ હિમાચલ પ્રદેશના ચીની તાલુકામાં થયું હતું. બ્રિટનમાં પણ એ જ દિવસે મતદાન શરૂ થયું હતું. જો કે ચીની તાલુકાના મતદારોએ ચૂંટણી પરિણામો માટે મહિનાઓ સુધી રાહ જોવી પડી હતી કારણ કે દેશના અન્ય ભાગોમાં મતદાન જાન્યુઆરી અને ફેબ્રુઆરી 1952માં જ થઈ શક્યું હતું. કેરળના કોટ્ટયમ મતવિસ્તારમાં સૌથી વધુ 80 ટકા મતદાન થયું હતું, જ્યારે સૌથી ઓછું 20 ટકા મતદાન મધ્ય પ્રદેશના શહડોલ મતવિસ્તારમાં થયું હતું.

1874 ઉમેદવારો હતા મેદાને
પ્રથમ સામાન્ય ચૂંટણીમાં કુલ 1874 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તે સમયે મતદારોની લઘુત્તમ વય 21 વર્ષ હતી અને કુલ 36 કરોડની વસ્તીમાંથી લગભગ 17.3 કરોડ મતદારો હતા. જવાહરલાલ નેહરુની આગેવાની હેઠળની કોંગ્રેસ ઉપરાંત શ્રીપાદ અમૃત ડાંગેની આગેવાની હેઠળની ભારતીય સામ્યવાદી પાર્ટી (CPI), શ્યામા પ્રસાદ મુખર્જીની ભારતીય જનસંઘ (જે પાછળથી ભાજપ બની), આચાર્ય નરેન્દ્ર દેવ, જેપી અને લોહિયા આગેવાની હેઠળની સોશલિસ્ટ પાર્ટી, આચાર્ય કૃપલાનીની કિસાન મજદૂર પ્રજા પાર્ટીના સહિત કુલ 53 જેટલી નાની-મોટી પાર્ટીઓ મેદાનમાં હતી. આ પ્રથમ સામાન્ય ચૂંટણીમાં કુલ 45.7 ટકા લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.


કોંગ્રેસની એકતરફી જીત
વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં કોંગ્રેસે આ ચૂંટણીમાં એકતરફી જીત મેળવી હતી. જવાહરલાલ નેહરુએ ઉત્તર પ્રદેશની ફુલપુર લોકસભા સીટ પર જંગી સરસાઈથી જીત મેળવી હતી. સાદી બહુમતી માટે 245 બેઠકોની જરૂર હતી, પરંતુ કોંગ્રેસે કુલ 489 બેઠકોમાંથી 364 બેઠક જીતી હતી. CPI બીજા સ્થાને હતી, તેના ખાતામાં 16 બેઠકો ગઈ હતી. સોશલિસ્ટ પાર્ટી 12 બેઠકો સાથે ત્રીજા ક્રમે રહી હતી.
કિસાન મઝદૂર પ્રજા પાર્ટીએ 9 બેઠકો, હિંદુ મહાસભાએ 4 અને ભારતીય જન સંઘ અને રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટીએ 3-3 બેઠકો જીતી હતી. પ્રથમ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર લગભગ 45 ટકા હતો. કોંગ્રેસ પછી, સૌથી વધુ વોટ શેર અપક્ષોનો હતો, જેમને કુલ 16 ટકા વોટ મળ્યા હતા. સોશલિસ્ટ પાર્ટીને 10.59 ટકા, સીપીઆઈને 3.29 ટકા અને ભારતીય જનસંઘને 3.06 ટકા મત મળ્યા હતા. ચૂંટણી પછી, કોંગ્રેસે જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં મજબૂત બહુમતી સાથે સરકાર બનાવી હતી.


પ્રથમ લોકસભા ચૂંટણીમાં દિગ્ગજોની ધોબીપછાડ
દેશની સૌપ્રથમ લોકસભા ચૂંટણીમાં અનેક દિગ્ગજોએ પણ ધોબીપછાડ ખાધી હતો. દેશના પહેલા કાયદા મંત્રી ડો. ભીમરાવ આંબેડકરને બોમ્બે (નોર્થ-સેન્ટ્રલ) સીટ પર એક સમયના તેમના સહયોગી એન.એસ. કર્જોલકરના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ પ્રકારે કિસાન મજદૂર પ્રજા પાર્ટીના કદાવર નેતા આચાર્ય કૃપલાની પણ ફૈઝાબાદથી ચૂંટણી હારી ગયા હતા, કૃપલાનીને કોંગ્રેસના સામાન્ય ઉમેદવાર કે. એલ. ગુપ્તાએ હરાવ્યા હતા. જો કે બાદમાં તે થોડા દિવસો બાદ ભાગલપુરમાં યોજાયેલી પેટા ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. ઉલ્લેખનિય છે કે આંબેડકરે તેમની અલગ પાર્ટી શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન બનાવી હતી અને બોમ્બે (નોર્થ સેન્ટ્રલ)ની સુરક્ષિત સીટ પરથી ઉમેદવારની નોંધાવી હતી. તેમને 1,23,576 મત મળ્યા હતા, જ્યારે તેમના નિકટના પ્રતિસ્પર્ધી કજરોલકરે 1,38,137 વોટ મેળવી જીત પ્રાપ્ત કરી હતી. જો કે બાદમાં આંબેડકર રાજ્ય સભા દ્વારા સંસદમાં પહોંચ્યા હતા. હારનો સ્વાદ ચાખનારા મુખ્ય નેતાઓમાં રાજસ્થાનમાં જયનારાયણ વ્યાસ અને બોમ્બેમાં મોરારજી દેસાઈનો પણ સમાવેશ થતો હતો.
આચાર્ય કૃપલાણી હાર્યા પત્ની સુચેતા કૃપલાણી જીત્યા
દેશની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં પતિ અને પત્ની ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હોય તેવા પણ કિસ્સા બન્યા હતા. જેમ કે જાણીતા ગાંધીવાદી નેતા આચાર્ય કૃપલાણી અને તેમના પત્ની સુચેતા કૃપલાણી પણ ચૂંટણી લડ્યા હતા. સુચેતા કૃપલાણીએ તેમના પતિ આચાર્ય જે.બી.કૃપલાણી દ્વારા સ્થાપિત કિસાન મજદૂર પ્રજા પાર્ટીની ટિકિટ પર નવી દિલ્હીથી ચૂંટણી લડી હતી. તેમણે નહેરુ-ગાંધી પરિવારના સભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર મનમોહિની સહગલને હરાવ્યા હતા. જો કે તેમના પતિ આચાર્ય કૃપલાની પણ ફૈઝાબાદથી ચૂંટણી હારી ગયા હતા. આચાર્ય જીવતરામ ભગવાનદાસ (જેબી)કૃપલાનીની બાબતમાં રસપ્રદ બાબત એ હતી કે તે આજીવન કોંગ્રેસના વિરોધી રહ્યા પરંતું તેમના પત્ની સુચેતા કૃપલાની કોંગ્રેસ સાથે જ જોડાયેલા રહ્યા હતા અને તેઓ ઉત્તર પ્રદેશના પહેલા મહિલા મુખ્યમંત્રી પણ બન્યા હતા. બાદમાં કોંગ્રેસની ટિકિટ પર સંસદમાં પહોંચેલા સુચેતા અને તેમના પતિ આચાર્ય કૃપલાની સંસદમાં પણ વિવિધ મુદ્દાઓ પર આમને-સામને આવી જતા હતા.
પ્રથમ ચૂંટણીમાં જીતેલા 3 નેતાઓ બાદમાં PM બન્યા
પંડિત જવાહર લાલ નેહરુ દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી પછી વડાપ્રધાન બન્યા. તેમના સિવાય એવા બે નેતાઓએ પણ ચૂંટણી જીતી હતી જેઓ પાછળથી ભારતના વડાપ્રધાન બન્યા, આ નેતાઓ હતા ગુલઝારી લાલ નંદા અને લાલ બહાદુર શાસ્ત્રી.