આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે તમામ રાજ્યો માટે અલગ-અલગ રણનિતી અપનાવી છે. જેમ કે ગુજરાતમાં ભાજપના નેતાઓનું મુખ્ય ફોકસ યુવા મતદારો પર છે. ભાજપને રાજ્યની તમામ 26 લોકસભા સીટો 5 લાખથી વધુના માર્જીનથી જીતવા માટે ખાસ સ્ટ્રેટેજી અપનાવી છે. જે મુજબ ભાજપે રાજ્યના 40 લાખ યુવાનોને રિઝવવા માટે પાર્ટીના યુવા મોરચાને કામે લગાડ્યો છે. રાજ્યમાં 18થી 22 વર્ષના 25 લાખ જેટલા યુવા મતદારો છે. રાજ્યમાં યુવા અને મહિલા મતદારોની સંખ્યા વધી છે, આ એટલી મોટી જનસંખ્યા છે કે તે તમામ પાર્ટીઓ માટે ચૂંટણી જીતવા માટે મહત્વની બની રહેશે.
રાજ્યમાં યોજાશે વિવિધ કાર્યક્રમો
ગુજરાતમાં ભાજપે તમામ લોકસભા સીટોમાં યુવા મતદારોને આકર્ષવા માટે ચૂંટણી રણનિતી અપનાવી છે. ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટની આગેવાનીમાં સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાવામાં આવશે. જેમ કે માય ફર્સ્ટ વોટ ફોર મોદી, યુવા અડ્ડા કાર્યક્રમ, યુવા ચોપાલ કાર્યકર, નુક્કડ ચર્ચા સહિતના કાર્યક્રમો યોજાશે. તે ઉપરાંત યુથ આઇકોનને વિકસિત ભારતના એમ્બેસેડર બનાવવા સહિતની ઈવેન્ટ પણ યોજવામાં આવશે. આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહે તે માટે વાહન સુવિધા પણ ભાજપના યુવા મોરચાનના કાર્યકરો દ્વારા પુરી પાડવામાં આવશે.