લોકસભા ચૂંટણી 2019: મોદી મેજીક ફરી ચાલ્યું, ભાજપે જીતી રેકોર્ડ 303 સીટ, વિપક્ષ થયો ધરાશાઈ


  • Published By :
  • Published Date : 2023-10-20 20:23:36

ભાજપના લોકપ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં ભાજપે વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી. પ્રચંડ મોદી લહેર હેઠળ 17મી લોકસભામાં  ફરી એકવાર વિપક્ષોનો સફાયો થઈ ગયો હતો. પહેલીવાર એવું થયુ જ્યારે કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત બીજી વખત બહુમત સાથે સત્તામાં પરત આવી હોય. 2014ના મુકાબલે બીજેપીએ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો. 2014માં 282 સીટો મેળવનારી બીજેપીએ 2019માં વધુ 21 સીટ જીતીને 300નો આંકડો પાર કરી ગઈ હતી. ભાજપની જીત સાથે જ એનડીએનો આંકડો 355 સુધી પહોંચી ગયો હતો. કોંગ્રેસના 17 રાજ્યોમાં સુપડાં સાફ થઈ ગયા હતા. 10 રાજ્યોમાં તો બીજેપીએ ક્લીન સ્વીપ કર્યુ હતું. કોંગ્રેસે 52 બેઠકો જીતી હતી જ્યારે યુપીએ આ વખતે 96 સીટો પર પહોંચી શકી હતી. કોંગ્રેસનો સહયોગી ડીએમકે ત્રીજા સ્થાને રહ્યો હતો. 2014માં ખાતું ખોલાવી ન શકનાર ડીએમકેએ આ વખતે 23 સીટો જીતી હતી. BSP ઉત્તર પ્રદેશમાં પણ 10 બેઠકો જીતવામાં સફળ રહી. 2014માં માયાવતીની પાર્ટીને એક પણ સીટ મળી ન હતી. ઉલ્લેખનિય છે કે લોકસભા ચૂંટણી 2019માં રેકોર્ડ મતદાન થયું હતું, દેશના ઈતિહાસમાં સૌથી વધુ 67.11 ટકા હતું.




ચૂંટણી કાર્યક્રમ

દેશના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોડાએ ચૂંટણીની તારીખો જાહેરાત કરી હતી. દેશમાં 11 એપ્રીલથી 19 મે દરમિયાન 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. જ્યારે મતોની ગણતરી 23 મેના રોજ થઈ હતી. 23 મે 2019ના રોજ તમામ 543 બેઠકોનું પરિણામ જાહેર થયું હતું. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ દેશમાં તાત્કાલિક અસરથી ચૂંટણી આચાર સંહિતાનો અમલ થઈ ગયો હતો. વર્ષ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં 90 કરોડ મતદાતા હતા. તેમાં પણ દોઢ કરોડ મતદારો 18થી 19 વર્ષની વયના હતા. 7 તબક્કામાં યોજાયેલી આ ચૂંટણી કુલ 75 દિવસ સુધી ચાલી હતી તથા ચૂંટણીમાં 60 હજાર કરોડ જેટલો ખર્ચ થયો હતો. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના જણાવ્યા પ્રમાણે આ ચૂંટણીમાં પ્રત્યેક મતદાર પાછળ લગભગ 700 રૂપિયા જેટલો થયો હતો.


કેવું રહ્યું હતું વિપક્ષોનું પ્રદર્શન?


લોકસભા ચૂંટણી 2019માં બીજેપીના સહયોગી જેડીયુએ બિહારમાં 17 સીટો જીતી હતી. ગત વખતે જેડીયુએ એનડીએથી અલગ થઈને ચૂંટણી લડી હતી અને 2 બેઠકો જીતવામાં સફળ રહી હતી. આ ચૂંટણીમાં NDAએ ભલે સારું પ્રદર્શન કર્યું હોય પરંતુ AIADMKને તમિલનાડુમાં ભારે નુકસાન થયું હતું. AIADMK આ વખતે માત્ર 1 સીટ જીતી શકી હતી. 2014માં AIADMKએ અલગ ચૂંટણી લડી હતી અને 37 સીટો જીતી હતી. આ સિવાય ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીને પણ આંધ્રમાં નુકસાન થયું હતું. 2014માં ટીડીપીએ 16 સીટો જીતી હતી, આ વખતે તેને માત્ર 3 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને આ વખતે નુકસાન સહન કરવું પડ્યું હતું. 2014માં બંગાળમાં 42માંથી 34 સીટો જીતનારી તૃણમૂલ આ વખતે માત્ર 22 સીટો જ જીતી શકી હતી. બીજી તરફ ઓડિશામાં પણ બીજેડીની બેઠકો ઘટી હતી. મોદી લહેર છતાં 2014માં 20 બેઠકો જીતનાર બીજેડીએ આ વખતે 12 બેઠકો જીતી હતી. બીજી તરફ મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી કાશ્મીરમાં એક પણ સીટ જીતી શકી નહોતી. છેલ્લી ચૂંટણીમાં પીડીપીને 6માંથી 3 બેઠકો મળી હતી. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી આ વખતે ખાતું પણ ખોલાવી શકી નહોતી. ગત ચૂંટણીમાં આરજેડીએ 4 બેઠકો જીતી હતી. બીજી તરફ, સપા ઉત્તર પ્રદેશમાં પોતાની 5 બેઠકો જાળવી શકી હતી. જોકે યાદવ પરિવારના માત્ર બે સભ્યો અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવ જ જીતી શક્યા હતા. જ્યારે પરિવારના ત્રણ સભ્યો ચૂંટણી હારી ગયા હતા.


2019 લોકસભા ચૂંટણી સૌથી મોંઘી ચૂંટણી હતી


2019 માં યોજાયેલી લોકસભાનીને લઈને સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝનો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં કહેવાયું હતું કે છેલ્લા 20 વર્ષમાં એટલે કે 1998થી 2019 સુધી ચૂંટણી ખર્ચ 9 હજાર કરોડ રૂપિયાથી લગભગ 6 ગણો વધીને 55 હજાર કરોડ રૂપિયા થઈ ગયો હતો. લોકસભા ચૂંટણી (2019) દરમિયાન લગભગ 8 અબજ ડોલર એટલે કે 55 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જે બાદ આ ચૂંટણીએ ખર્ચના મામલે દુનિયાભરના દેશોના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ખર્ચ 2016ની અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી કરતાં વધુ ખર્ચે થયો હતો. જેમાં લગભગ 6.5 અબજ ડોલરનો ખર્ચ થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સત્તારૂઢ ભાજપે આ કુલ ખર્ચનો અડધો ભાગ એકલા ચૂંટણી પર ખર્ચ કર્યો હતો. એટલે કે અન્ય તમામ પક્ષોની સરખામણીમાં ભાજપે એકલા હાથે ચૂંટણીમાં જંગી રકમ ખર્ચી નાખી અને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ચૂંટણીમાં લગભગ 90 કરોડ મતદારોએ ભાગ લીધો હતો અને તે લગભગ 75 દિવસ સુધી ચાલી હતી. આ સમયગાળા દરમિયાન, ઘણી રેલીઓ, મોટા પાયે જાહેરાતો અને સોશિયલ મીડિયા કેમ્પેઈન પર ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝનો રિપોર્ટ જણાવે છે કે કુલ નાણાંનો લગભગ એક તૃતીયાંશ ભાગ માત્ર પ્રચાર પાછળ ખર્ચવામાં આવ્યો હતો. બીજો સૌથી મોટો ખર્ચ મતદારોના હાથમાં પૈસા આપવાનો હતો. રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે મતદારોમાં અંદાજે 15 હજાર કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે વહેંચવામાં આવ્યા હતા.





ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?