વર્ષ 2004ની 14મી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું 'ઈન્ડિયા શાઈનિંગ'નું સૂત્ર નિષ્ફળ ગયું અને કોંગ્રેસ ફરી સત્તા પર આવી હતી. કોંગ્રેસની જીત ભાજપ માટે જોરદાર ફટકો હતો કારણ કે 1999માં જીત બાદ પહેલીવાર ભાજપ પાંચ વર્ષ સુધી કેન્દ્રમાં સરકાર ચલાવવામાં સફળ રહી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 1999ની ચૂંટણી 'વિદેશી સોનિયા' વિરુદ્ધ 'સ્વદેશી વાજપેયી'ના આધારે લડી હતી, ત્યારે 2004ની સામાન્ય ચૂંટણીમાં પાર્ટીએ 'ઈન્ડિયા શાઈનિંગ' અને ફીલ ગૂડ'નો નારો આપ્યો હતો, પરંતુ જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે સૌથી મોટી પાર્ટી તરીકે કોંગ્રેસનો ઉદય થયો હતો. જો કે રાહુલ ગાંધીની જિદ્દના કારણે સોનિયા ગાંધીએ વડાપ્રધાન બનવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં જાણીતા અર્થશાસ્ત્રી અને પૂર્વ નાણા મંત્રી મનમોહન સિંહની વડા પ્રધાન તરીકે પસંદગી કરવામાં આવી હતી.
પહેલીવાર થયો EVMનો ઉપયોગ
EVMના ઈતિહાસમાં વર્ષ 2004 એક ક્રાંતિકારી વર્ષ રહ્યું હતું. સમગ્ર દેશમાં તમામ મતદાન મથકો પર 17.5 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. EVM સાથે, ભારત ઈ-લોકશાહીમાં પરિવર્તિત થયું હતું. ત્યાર બાદ તમામ લોકસભા ચૂંટણીમાં EVMનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નિર્ધારિત સમયના 6 મહિના અગાઉ યોજાઈ હતી ચૂંટણી
વર્ષ 2003ના અંતમાં ભાજપે હિન્દી હાર્ટલેન્ડના ત્રણ રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવી સત્તા કબજે કરી હતી. ચૂંટણી પહેલા સરકારના 'ઈન્ડિયા શાઈનિંગ', 'ભારત ઉદય' અને 'ફીલ ગુડ' જેવા સૂત્રો લોકપ્રિય થયા હતા હતા.લાલકૃષ્ણ અડવાણીએ ફરી એકવાર રથ પર સવાર થઈને 'ભારત ઉદય' રથયાત્રા કાઢી હતી. એવું કહેવાય છે કે આ બધા પરિબળોના કારણે વાજપાઈ સરકારે નિર્ધારિત સમયના છ મહિના પહેલા જ લોકસભા ભંગ કરવાનો નિર્ણય લીધો હતો જેના કારણે ઈલેક્શન કમિશનને લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવી પડી હતી. પરંતુ જ્યારે ચૂંટણી યોજાઈ ત્યાર બાદ આવેલા પરિણામોએ રાજકીય પંડિતોને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા. એનડીએની હારથી અટલ પોતે પણ દંગ રહી ગયા હતા. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના પૂર્વ વડા એ. એસ. દુલતે લખેલા અને 2015માં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક 'કાશ્મીરઃ ધ વાજપેયી યર્સ'માં આ વાતનો ખુલાસો કર્યો છે. ઉલ્લેખનિય છે તે વાજપાઈના આ કાર્યકાળ દરમિયાન એ. એસ. દુલત PM વાજપાઈના સલાહકાર હતા.
UPA ગઠબંધને કરી કમાલ
2004ની લોકસભા ચૂંટણીમાં NDA ગઠબંધનને સત્તામાં આવતું રોકવા માટે કોંગ્રેસે અન્ય વિપક્ષી દળો સાથે મળીને UPAની રચના કરી હતી. તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને CPMના દિવંગત મહાસચિવ હરકિશન સિંહ સુરજીતે UPAની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ હરકિશન સિંહ સુરજીતે વિરોધ પક્ષોને કોંગ્રેસ સાથે લાવવાની જવાબદારી ઉપાડી હતી. 2004માં UPAની રચના સમયે 14 પાર્ટીઓએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. આ ગઠબંધન કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ રચવામાં આવ્યું હતું.
5,435 ઉમેદવારો હતા ચૂંટણી મેદાનમાં
ભારતમાં 20 એપ્રિલ અને 10 મે 2004ની વચ્ચે ચૌદમી લોકસભા ચૂંટણી યોજાઈ હતી. 2004ની લોકસભા ચૂંટણી માટે ચાર તબક્કામાં મતદાન થયું હતું. 2004માં દેશના 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની 543 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. 2004 માં યોજાયેલી ચૌદમી સામાન્ય ચૂંટણીમાં, રાષ્ટ્રીય પક્ષો ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (BSP), ભારતીય સામ્યવાદી પક્ષ (CPI), માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ (CPM), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) હતા. આ ઉપરાંત 224 પ્રાદેશિક અને અન્ય નાના પક્ષો પણ હતા. 2004ની લોકસભા ચૂંટણીમાં, BSPએ 435 બેઠકો પર, કોંગ્રેસે 417 પર, ભાજપે 364 પર, CPMએ 69 પર, NCPએ 32 પર અને CPIએ 34 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ભાજપે ગઠબંધન કર્યું અને એનડીએ સાથે ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં દેશભરમાં કુલ 5,435 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. 2004ની લોકસભા ચૂંટણીમાં દેશભરમાં 67 કરોડ 14 લાખ 87 હજાર 930 મતદારો હતા. આ ચૂંટણીમાં 58.07 ટકા મતદાન થયું હતું, જેમાં સૌથી વધુ 91.77 ટકા અને સૌથી ઓછું જમ્મુ અને કાશ્મીરમાં 35.20 ટકા મતદાન થયું હતું.
લોકસભા ચૂંટણી 2004 પરિણામ
2004ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે 145 બેઠકો, ભાજપને 138, સીપીએમને 43, બસપાને 19, સીપીઆઈને 10 અને એનસીપીને 9 બેઠકો મળી હતી. તે જ સમયે, 174 લોકસભા બેઠકો અન્ય પ્રાદેશિક અને નાના પક્ષોને ગઈ. જેમાં ઓરિસ્સામાં બીજુ જનતા દળ (બીજેડી) 11, તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ 16, બિહાર અને ઝારખંડમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) 24, પંજાબમાં શિરોમણી અકાલી દળ 8 અને મહારાષ્ટ્રમાં શિવસેના 12, સમાજવાદી પાર્ટી (બીજેડી) SP)એ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલ (ઉત્તરાખંડ)માં 36 લોકસભા બેઠકો જીતી જ્યારે અપક્ષ ઉમેદવારો 5 લોકસભા બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા. 2004ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 26.53 ટકા, ભાજપને 22.16, સીપીએમને 5.66 અને બસપાને 5.33 ટકા વોટ મળ્યા હતા. પ્રાદેશિક અને અન્ય નાના પક્ષોને લગભગ 33 ટકા મત મળ્યા હતા. 2004 માં, ભાજપની આગેવાની હેઠળની એનડીએ બહુમતીથી ઓછી પડી, કોંગ્રેસે અન્ય પક્ષોના સમર્થનથી યુપીએ સરકારની રચના કરી અને મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા હતા.
અટલ લખનૌથી અને સોનિયા રાયબરેલીથી જીત્યા
અટલ બિહારી વાજપેયી લખનૌ બેઠક પરથી જીત્યા હતા. વાજપેયીએ ચૂંટણીમાં સપાના મધુ ગુપ્તાને હરાવ્યા હતા. રાયબરેલીથી સોનિયા ગાંધીએ સમાજવાદી પાર્ટીના અશોક કુમાર સિંહને મોટા અંતરથી હરાવ્યા હતા. જ્યારે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી જીત્યા હતા. મેનકા ગાંધી ભાજપની ટિકિટ પર પીલીભીતથી તો યોગી આદિત્યનાથ ગોરખપુરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. મૈનપુરીથી સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવે બીએસપીના અશોક શાક્યને મોટા અંતરથી હરાવ્યા હતા. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતની ગાંધીનગર બેઠક પર કોંગ્રેસના જીએમ ઠાકોરને હરાવ્યા હતા. મહારાષ્ટ્રના બારામતીમાં એનસીપીના શરદ પવારે ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા.
ખોટા પડ્યા તમામ એક્ઝિટ પોલ
2004ની લોકસભા ચૂંટણી અગાઉ થયેલા તમામ એક્ઝિટ પોલ પણ ખોટા પડ્યા હતા. એક્ઝિટ પોલ કોંગ્રેસ અને તેના સહયોગીઓની જીતની ચોક્કસ આગાહી કરી શક્યા ન હતા. મોટાભાગના એક્ઝિટ પોલ માત્ર ભાજપ અને એનડીએની જીત જ બતાવતા હતા. જો કે ચૂંટણી પરિણામો તેનાથી સાવ વિપરીત આવ્યા હતા. પરિણામો કોંગ્રેસની તરફેણમાં ગયા અને મનમોહન સિંહની સરકાર બની હતી. આ રીતે વર્ષ 2004માં કોંગ્રેસની જીતે તમામ એજન્સીઓના એક્ઝિટ પોલને ખોટા સાબિત કર્યા હતા. તે વખતે તમામ એક્ઝિટ પોલમાં એનડીએને 200થી વધુ સીટ મળશે તેવી આગાહી કરવામાં આવી હતી. જેમ કે આઉટલુક-એમડીઆરએ એનડીએને 290 સીટો આપી હતી તો, આજ તક-ઓઆરજી માર્ગે તે વર્ષે 248 બેઠકો, એનડીટીવી-ઇન્ડિયન એક્સપ્રેસે 250 અને સ્ટાર ન્યૂઝ-સી-વોટરએ એનડીએને 275 બેઠકો આપી હતી. જ્યારે વાસ્તવમાં તેને 189 બેઠકો જ મળી હતી. તેનાથી વિપરીત એનડીટીવી-ઇન્ડિયન એક્સપ્રેસે યુપીએને સહિતની એજન્સીઓએ યુપીએને 222 સીટોનું અનુમાન વ્યક્ત કર્યું હતું પણ કોંગ્રેસના ગઠબંધન યુપીએને 222 સીટો મળી હતી.