લોકસભા ચૂંટણી 1977: જ્યારે જેપીની આંધી સામે ઈન્દિરાની કોંગ્રેસના સુપડા થયા હતા સાફ, દેશમાં બની હતી પહેલી બિનકોંગ્રેસી સરકાર


  • Published By :
  • Published Date : 2023-10-04 19:01:28

લોકસભા ચૂંટણી 2024માં ફરી એકવાર સત્તાધારી પક્ષ ભાજપ સામે વિરોધ પક્ષોનું 'INDIA'ગઠબંધન છે. 1977ની લોકસભા ચૂંટણી વખતે પણ દેશમાં આવો જ ચૂંટણી માહોલ હતો, જ્યારે વિપક્ષી દળોએ એક થઈને સત્તાધારી પક્ષ સામે ચૂંટણી લડી હતી. આ બંને ચૂંટણીમાં ફરક એટલો જ છે કે તે વખતે ઈન્દિરાની કોંગ્રેસ સામે તમામ વિપક્ષી પાર્ટીઓ એક થઈ ગઈ હતી અને હવે સત્તાધારી ભાજપ સામે તમામ વિપક્ષી પાર્ટીઓ એક થઈ ગઈ છે. કટોકટી પછી તરત જ 1977 માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં, જનતા પાર્ટી માત્ર કોંગ્રેસને હરાવવામાં સફળ રહી ન હતી, પરંતુ 24 માર્ચ 1977ના રોજ, દેશમાં પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર પણ રચાઈ હતી. વર્ષ 1977માં દેશમાં છઠ્ઠી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. દેશમાં પહેલીવાર બિનકોંગ્રેસી સરકાર બની હતી. ઈન્દિરા ગાંધી ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગયા હતા. મોરારજી દેસાઈ દેશના છઠ્ઠા વડાપ્રધાન બન્યા હતા, ઘણી બધી રીતે આ લોકસભા ચૂંટણી અનોખી હતી. ઈન્દિરા ગાંધીની સરમુખત્યારશાહી ચરમસીમાએ હતી અને દેશમાં ઈમરજન્સી હતી. ઈન્દિરા ગાંધીએ તેમના તમામ રાજકીય વિરોધીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પ્રેસ પર સેન્સરશિપ લાદવામાં આવી હતી.


લોકસભા ચૂંટણી કાર્યક્રમ અને પરિણામ


23 જાન્યુઆરી 1977 એ દિવસ હતો જ્યારે અચાનક ઈન્દિરા ગાંધીએ ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા દેશમાં સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી હતી. દેશમાં ત્રણ દિવસમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ. ચૂંટણી 16 માર્ચ 1977 થી 19 માર્ચ 1977 વચ્ચે યોજાઈ હતી. 542 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 154 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. આ રીતે કોંગ્રેસને લગભગ 200 બેઠકો ગુમાવવી પડી હતી. જ્યારે જનતા પાર્ટીને 295 બેઠકો મળી હતી. ઈન્દિરા (રાયબરેલી) અને તેમના પુત્ર સંજય ગાંધી પણ આ ચૂંટણીમાં હારી ગયા હતા 22 માર્ચ 1977ના ચૂંટણી પરિણામોએ કોંગ્રેસને સત્તા પરથી હટાવી દીધી. આ ચૂંટણીમાં સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં સમગ્ર વિપક્ષો એક થયા હતા. જનતા પાર્ટીને ચૂંટણી પ્રતિક ન મળી શક્યું, જેના કારણે પાર્ટીએ 'ભારતીય લોકદળ' "હળધારી ખેડૂત" ના ચૂંટણી પ્રતિક પર ચૂંટણી લડી અને 298 બેઠકો જીતી હતી.


1977માં ઈન્દિરા ગાંધીની રાયબરેલીથી હાર


ઈમરજન્સી પછી 1977માં ફરી એકવાર દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. ઈમરજન્સી અને નસબંધી ઝુંબેશને કારણે જનતા માત્ર ઈન્દિરાથી જ નહિ પણ કોંગ્રેસથી પણ અત્યંત નાખુશ હતી. પરિણામ એ આવ્યું કે ઈન્દિરા ગાંધી 1977ની લોકસભા ચૂંટણીમાં તેમની પરંપરાગત બેઠક રાયબરેલીથી ચૂંટણી હારી ગયા. આ ચૂંટણીમાં જનતા પાર્ટીના રાજ નારાયણે ઈન્દિરા ગાંધીને 55 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં રાજનારાયણને 1,77,719 અને ઈન્દિરા ગાંધીને 1,22,517 વોટ મળ્યા હતા. કટોકટી પછી દેશભરમાં ઈન્દિરા ગાંધીના વિરોધની લહેર ફેલાઈ ગઈ હતી અને રાયબરેલીમાંથી મળેલી હાર એ બાબતને વધુ બળ આપ્યું હતું કે ઈન્દિરાની રાજકીય કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ હતી. ઉલ્લેખનિય છે કે રાજનારાયણની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટે 1971માં ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદ કરી દીધી હતી. તેમના પર સરકારી સંસાધનોના દુરુપયોગનો આરોપ હતો. આ ઘટનાને દેશમાં ઈમરજન્સીનું મૂળ માનવામાં આવે છે. 


ઈન્દિરા ગાંધી સામે વિરોધ પક્ષો થયા એક


જનતા પાર્ટીના ગઠબંધનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (એમ), રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી, શિરોમણી અકાલી દળ, પેજન્ટ્સ એન્ડ વર્ક્સ પાર્ટી ઓફ ઈન્ડિયા, ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા અને ડીએમકે પક્ષોનો સમાવેશ થાય છે. આ તમામે ભારતીય લોકદળના ચૂંટણી પ્રતિક પર ચૂંટણી લડી હતી. કોંગ્રેસના ગઠબંધનમાં AIADMK, CPI, જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને કેરળ કોંગ્રેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બંને ગઠબંધન પક્ષોમાં બે-બે અપક્ષ નેતાઓનો પણ સમાવેશ થતો હતો.


કોણ હાર્યું અને કોણ જીત્યું


આ ચૂંટણીમાં માત્ર ઈન્દિરા જ નહીં પરંતુ તેમના પુત્ર સંજય ગાંધીને પણ અમેઠીથી હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અલ્હાબાદથી જનેશ્વર મિશ્રાએ કોંગ્રેસના નેતા વિશ્વનાથ પ્રતાપ સિંહને હરાવ્યા, બંસી લાલ ભિવાનીમાંથી હારી ગયા, અટલ બિહારી વાજપેયી દિલ્હીથી જીત્યા, રામ જેઠમલાણી ઉત્તર પશ્ચિમ બોમ્બેથી અને સુબ્રમણ્યમ સ્વામી ઉત્તર પૂર્વ બોમ્બેથી જીત્યા હતા.


આ ચૂંટણીમાં કેટલાક યુવા નેતાઓનું નસીબ પણ ચમક્યું હતું. જેપી આંદોલન સાથે જોડાયેલા લાલુ યાદવ બિહારના છપરામાંથી ત્રણ લાખ મતોના જંગી માર્જિનથી જીત્યા હતા, જ્યારે રામવિલાસ પાસવાન હાજીપુરથી ચાર લાખ મતોના માર્જિનથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. બિહાર અને ઉત્તર પ્રદેશમાં જનતા પાર્ટીના ઉમેદવારો મોટા માર્જિનથી જીત્યા હતા. તેનું એક કારણ એ હતું કે યુપી અને બિહારમાં કટોકટી દરમિયાન સંજય ગાંધીના આદેશ પર જબરદસ્તી નસબંધી કરાવવામાં આવી હતી. ચૂંટણીમાં જનતાએ તેનો વિરોધ દર્શાવ્યો હતો.


28 વર્ષીય અહેમદ પટેલ પહેલી વખત લોકસભામાં પહોંચ્યા


1977માં ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસના તમામ દિગ્ગજો ગુમાવ્યા હતા. જ્યારે ગુજરાતના 28 વર્ષીય અહેમદ પટેલે ચૂંટણી જીતીને તેમની સંસદીય કારકિર્દીની શરૂઆત કરી હતી. જેના કારણે તેઓ કોંગ્રેસ નેતૃત્વની નજરમાં આવ્યા હતા. આ પછી અહેમદ પટેલ 1980 અને 1984માં ફરીથી ચૂંટાયા અને લોકસભામાં પહોંચ્યા. 1977માં ઈન્દિરા ગાંધીએ 28 વર્ષીય અહેમદ પટેલને ટિકિટ આપી હતી અને તેઓ મોટા માર્જિનથી જીત્યા હતા. અહેમદ પટેલે જનતા પાર્ટીના ઉમેદવારને લગભગ 62 હજાર મતોથી હરાવ્યા હતા. તેમની જીત કોંગ્રેસ વિરોધી લહેરથી વિપરીત હતી. કોંગ્રેસ સત્તાથી વંચિત રહી પરંતુ અહેમદ પટેલ સ્ટાર તરીકે ચમક્યા હતા. અહેમદ પટેલ 1989 સુધી ભરૂચના સાંસદ રહ્યા હતા.


જેપી આંદોલનમાંથી નવા નેતાઓનો થયો ઉદભવ


1974 માં, જય પ્રકાશ નારાયણે પટનાના ગાંધી મેદાનમાં એક મોટી જાહેર સભા કરી અને 'સંપૂર્ણ ક્રાંતિ'ની જાહેરાત કરી હતી. ઈમરજન્સીના વિરોધમાં આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જેપીએ આ આંદોલન માટે એક વર્ષ માટે યુનિવર્સિટી અને કોલેજો બંધ રાખવાની હાકલ કરી હતી. જેપી આંદોલન સાથે જોડાયેલા લોકોને જેલમાં જવું પડ્યું. જેપી આંદોલનમાંથી ઘણા મહાન નેતાઓ ઉભરી આવ્યા. જેમાં રામવિલાસ પાસવાન, મુલાયમ સિંહ યાદવ, લાલુ પ્રસાદ યાદવ, નીતિશ કુમાર, સુશીલ મોદી અને શરદ યાદવનો સમાવેશ થાય છે.


કોંગ્રેસને ઉત્તર ભારતમાં મળી ધોબી પછાડ


કટોકટીના સમયગાળા દરમિયાન બળજબરીથી નસબંધી અભિયાને ઉત્તર ભારતમાં કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો હતો. બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા બે મુખ્ય રાજ્યોમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. જ્યારે અન્ય હિન્દી ભાષી રાજ્યો જેમ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસને માત્ર એક-એક સીટ મળી છે. રાજધાની દિલ્હીમાં પણ કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 


દિલ્હીના રામલીલા મેદાનમાંથી જનતા પાર્ટીએ ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું 


જનતા પાર્ટીએ દિલ્હીના રામલીલા મેદાનમાંથી ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું હતું.  કોંગ્રેસ આ રેલીને નિષ્ફળ બનાવવા માંગતી હતી, તેથી જ તત્કાલિન માહિતી અને પ્રસારણ મંત્રી વિદ્યાચરણ શુક્લાએ 1975ની બ્લોકબસ્ટર ફિલ્મ 'બોબી' દૂરદર્શન પર બતાવવાનું નક્કી કર્યું હતું, જેથી ભીડ તેમના ઘર છોડીને જનતા પાર્ટીની રેલીમાં ન પહોંચી શકે. પરંતુ વિદ્યાચરણ શુક્લનું આ પગલું નિષ્ફળ ગયું અને મોટી સંખ્યામાં લોકો જેપીની રેલીમાં પહોંચ્યા હતા.


વરસતા વરસાદમાં લોકોએ સાંભળ્યું વાજપાઈનું ભાષણ 


તવલીન સિંહે ઈમરજન્સી પર લખેલા તેમના પુસ્તક 'દરબાર મેં'માં લખ્યું છે કે તે દિવસે ઠંડી હતી અને વરસાદ પણ હળવો પડવા લાગ્યો હતો. તેમ છતાં પણ લોકો પોતપોતાની જગ્યાએ અડીખમ  હતા. એટલામાં મારી બાજુમાં કોઈએ પૂછ્યું, ભાષણો બહુ કંટાળાજનક છે, ઠંડી પણ ખૂબ જ વધી રહી છે, તેમ છતાં લોકો હજુ પણ કેમ ઘરે નથી જતા? તો જવાબ મળ્યો, અટલનું ભાષણ હજુ બાકી છે. અટલ બિહારી વાજપેયીએ સ્ટેજ પર આવતાની સાથે જ લોકોએ હર્ષનાદ કર્યો તેમણે કવિતાથી પોતાના વક્તવ્યની શરૂઆત કરી અને કહ્યું -  'बाद मुद्दत के मिले हैं दीवाने, कहने- सुनने को बहुत हैं अफसाने, खुली हवा में जरा सांस तो लेलें, कब तक रहेगी आजादी कौन जाने।' અટલનું ભાષણ શરૂ થતાં જ માહોલમાં નવા પ્રાણ ફુંકાયા. જોર જોરથી નારા લાગ્યા અને તાળીઓનો ગડગડાટ શરૂ થયો અને આ રીતે અટલ સમગ્ર રેલીમાં છવાઈ ગયા હતા. 


મોરારજી દેસાઈ દેશના પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા


આઝાદી પછી પહેલીવાર કેન્દ્રમાં બિન-કોંગ્રેસી સરકાર રચાઈ હતી. મોરારાજી દેસાઈએ દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. જો કે, વડાપ્રધાનની ઉમેદવારી માટે સૌથી મોટા ઉમેદવાર બિહારના અનુસૂચિત જાતિના નેતા બાબુ જગજીવન રામ હતા, જેઓ કોંગ્રેસમાંથી જનતા પાર્ટીમાં જોડાયા હતા.


જગજીવન રામ પછાત વર્ગના કદાવર નેતા હતા. પરંતુ ચૌધરી ચરણ સિંહે પણ પોતાનો દાવો રજૂ કર્યો હતો. જેના કારણે મોરારજી દેસાઈના નામ પર સર્વસંમતિ સધાઈ હતી. ચરણસિંહ ગૃહ પ્રધાન બન્યા, બાબુ જગજીવન રામને સંરક્ષણ મંત્રાલય, અટલ બિહારી વાજપેયી વિદેશ પ્રધાન બન્યા અને  મુઝફ્ફરપુરમાં પગ મૂક્યા વિના ત્રણ લાખ મતોથી જીતેલા જ્યોર્જ ફર્નાન્ડિસને ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?