દેશમાં આજથી 65 વર્ષ પહેલા દેશમાં બીજી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, અને પંડિત જવાહર લાલ નહેરૂ વડા પ્રધાન બન્યા હતા. કોંગ્રેસે પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નહેરૂના નેતૃત્વમાં ફરી એક વખત પ્રચંડ જીત મેળવી હતી. કોંગ્રેસે કુલ 494 સીટોમાંથી 371 સીટ પર તેની વિજયપતાકા લહેરાવી હતી. કોંગ્રેસે પ્રથમ સામાન્ય ચૂંટણીની તુલનામાં વધુ સાત જીતી હતી. દેશની આ બીજી લોકસભા ચૂંટણી ઘણી બાબતોમાં અનોખી હતી. આ લોકસભા ચૂંટણી જીતીને જ અટલ બિહારી વાજપેઈ પહેલી વખત સંસદમાં પહોંચ્યા હતા. જ્યારે દેશમાં આ ચૂંટણી વખતે જ સૌપ્રથમ વખત બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ બની હતી. ઉલ્લેખનિય છે કે સુકુમાર સેનના માર્ગદર્શન હેઠળ ભારતમાં યોજાયેલી આ છેલ્લી લોકભા ચૂંટણી હતી. સેનનું 19 ડિસેમ્બર 1958ના રોજ અવસાન થયું હતું, પરંતુ તેઓ એક એવો વારસો છોડી ગયા જેને તેમના અનુગામીઓ આજે પણ અનુસરે છે.
સાડા ત્રણ મહિના ચાલી મતદાનની પ્રક્રિયા
દેશની બીજી સામાન્ય ચૂંટણી 1957માં 24 ફેબ્રુઆરીથી 9 જુન વચ્ચે પૂરી થઈ હતી. એટલે કે સાડા ત્રણ મહિના ચાલી હતી. પહેલી લોકસભા ચૂંટણીમાં કુલ સીટોની સંખ્યા 489 હતી જે બીજી સામાન્ય ચૂંટણીમાં વધીને 494 થઈ હતી. નોંધાયેલા કુલ મતદારોમાં 45.44 ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
4 રાષ્ટ્રિય પક્ષો સહિત 15 નાના પક્ષો વચ્ચે મુકાબલો
બીજી સામાન્ય ચૂંટણીમાં 4 રાષ્ટ્રિય પક્ષો જેવા કે ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, ભારતીય જનસંઘ, પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. તે ઉપરાંત 11 રાજ્ય સ્તરની પાર્ટીઓએ દેશના અલગ-અલગ ભાગોમાં તેમના ઉમેદવારો ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં ચૂંટણી લડ્યા હતા.
પાંચ ક્ષેત્રીય પાર્ટીઓનો ઉદય
દેશની આ બીજી લોકસભા ચૂંટણીની સૌથી મોટી વિશેષતા એ હતી કે પહેલી વખત પાંચ મોટા સ્થાનિક પક્ષો અસ્તિસ્તમાં આવ્યા હતા. જેમ કે તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ, (DMK) ઓડિસામાં ગણતંત્ર પરિષદ, બિહારમાં ઝારખંડ પાર્ટી, સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ અને મહાગુજરાત પરિષદ જેવા ક્ષેત્રીય પક્ષોનો ઉદય પણ આ ચૂંટણીમાં થયો હતો.
વર્ષ 1957ની ચૂંટણીના આ હતા મુખ્ય મુદ્દાઓ
આ ચૂંટણીઓ એવા સમયગાળા દરમિયાન થઈ હતી જે જવાહરલાલ નેહરુ માટે મુશ્કેલ હતો. આ સમયે, કોંગ્રેસની અંદરની દક્ષિણપંથી ઘણા મુદ્દાઓ પર જવાહરલાલ નેહરુનો વિરોધ કરી રહી હતી. આ સિવાય સામ્યવાદીઓ અને સમાજવાદીઓ પણ તેમની નીતિઓનો વિરોધ કરી રહ્યા હતા. કારણ કે આ ચૂંટણીઓ હિંદુ પર્સનલ લોમાં સુધારા અને 1955ની બાંડુંગ કોન્ફરન્સ બાદ યોજાઈ રહી હતી. આ સંમેલન નેહરુ કાળના બિનજોડાણની શરૂઆત માનવામાં આવે છે, આ બિનજોડાણ દેશો (NAM)માં નવા-નવા સ્વતંત્ર થયેલા દેશો અને મોટા દેશોનો સમાવેશ થતો હતો.
આ ઉપરાંત, મુદ્દાઓમાં ભાષાના આધારે રાજ્યોની રચના, શિક્ષણ સુધારણા, જેમાં IIT જેવી સંસ્થાઓની રચનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટા ઉદ્યોગોની સ્થાપના અને ડેમનું નિર્માણ પણ આ સમયગાળા દરમિયાન થયું હતું, જેને કોંગ્રેસે તેના શાસનકાળ દરમિયાન થયેલા સફળ કાર્યો તરીકે ચૂંટણી પ્રચારમાં ગણાવ્યા હતા.
કઈ પાર્ટીએ કેટલી સીટો જીતી?
દેશના બીજી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ વિજેતા પાર્ટી બની હતી, આ ચૂંટણીમાં કોંગ્રેસે 371 સીટો જીતી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર 45 ટકાથી વધીને 47.8 ટકા થઈ ગયો હતો. જો કે આ ચૂંટણીમાં પણ અપક્ષોની બોલબાલા હતી. બીજી સામાન્ય ચૂંટણીમાં 542 અપક્ષોએ ઝંપલાવ્યું હતું અને તેમાંથી 42 અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી. કોંગ્રેસ બાદ બીજા ક્રમે સીપીઆઈએ સૌથી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. તેમાંથી માત્ર 27 જ જીતનો સ્વાદ ચાખી શક્યા હતા, તેનો વોટ શેયર પણ 8.92 ટકા રહ્યો હતો. પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીએ મેદાનમાં 194 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી માત્ર 19 જ જીતી શક્યા હતા. તેનો 10.41 ટકા વોટ શેયર રહ્યો હતો. ભારતીય જનસંઘે 133 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી માત્ર 4 જીતી શક્યા હતા, તેનો વોટ શેયર 5.97 ટકા રહ્યો હતો. બિન રાષ્ટ્રિય પક્ષોમાં ગણતંત્ર પરિષદનું પ્રદર્શન પણ મહત્વપૂર્ણ રહ્યું હતું, જેનો વોટ શેયર 1.07 ટકા તથા 7 ઉમેદવારો સંસદમાં પહોંચ્યા હતા. આજ પ્રકારે ઝારખંડ પાર્ટી અને શિડ્યુલ કાસ્ટ ફેડરેશને પણ 6-6 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે ફોરવર્ડ બ્લોક (માર્ક્સિસ્ટ) પાર્ટીના 5માંથી 2 ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. બીજી સામાન્ય ચૂંટણીમાં નાના પક્ષોમાં ભારતીય હિંદુસભાએ એક સીટ જ્યારે ભારતીય રામરાજ્ય પરિષદના ખાતામાં એક પણ સીટ નહોંતી આવી.
માત્ર બે પક્ષ ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા
ઉલ્લેખનિય છે કે વર્ષ 1957ની બીજી સામાન્ય ચૂંટણીમાં માત્ર બે પક્ષો જ ડબલ આંકડા સુધી પહોંચી શક્યા હતા. આ બે પક્ષો હતા ભારતીય સામ્યવાદી પક્ષ અને પ્રજા સમાજવાદી પક્ષ. તે સમયે ભારતમાં 13 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશો હતા. આ ચૂંટણી આ 17 રાજ્યોના 403 મતદાન ક્ષેત્રોની 494 સીટો પર યોજાઈ હતી. 16 પક્ષો અને કેટલાય અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીમાં ભાગ લીધો હતો.
દેશમાં પહેલી વખત થયું બુથ કેપ્ચરિંગ
દેશના બીજી સામાન્ય ચૂંટણીમાં પહેલી વખત બુથ કેપ્ચરિંગની ઘટના બની હતી. આ ઘટના બિહારના બેગૂસરાય જિલ્લાના રચિયારી ગામમાં બની હતી. આ ગામના કછારી ટોલા મત કેન્દ્ર પર સ્થાનિક લોકોએ કબજો કરી સરયુગ પ્રતાપ સિંહના પક્ષમાં બુથ કેપ્ચરિંગ કર્યું હતું. જો કે આ સીટ પરથી મોટા કોમ્યુનિસ્ટ નેતા ચંદ્રશેખર સિંહ ચૂંટણી જીતી ગયા હતા. ત્યાર બાદ આગામી તમામ ચૂંટણીમાં બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ સામાન્ય બની હતી અને આ બુથ કેપ્ચરિંગના દુષણે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. ખાસ કરીને બિહારમાં જ્યાં રાજકીય પક્ષો આ કામ માટે માફિયાઓની પણ મદદ લેવા લાગ્યા હતા. તેમાં પણ બેગુસરાયના ડોન કામદેવ સિંહનો ઉપયોગ બુથ કેપ્ચરિંગ માટે મોટા પ્રમાણમાં થવા લાગ્યો હતો.
બહુ પ્રતિનિધિત્વવાળી છેલ્લી ચૂંટણી
દેશની બીજી લોકસભા ચૂંટણીમાં કુલ 403 સંસદીય સીટોમાંથી લોકસભાના કુલ 494 સાંસદોને ચૂંટવામાં આવ્યા હતા. 91 જેટલા સંસદિય મત વિસ્તારો એવા હતા જ્યાંથી 2 સાંસદ ચૂંટાઈ આવ્યા હતા જેમાંથી એક સામાન્ય અને બીજા એસસી-એસટી સમુદાયના હતા, જ્યારે 312 સંસદીય મત વિસ્તારો એક માત્ર સાંસદોવાળી હતી. જો કે આ જ ચૂંટણી બાદ એક સંસદિય મત વિસ્તારમાંથી બે સાંસદો ચૂંટવાની જોગવાઈ ખતમ કરવામાં આવી હતી.
ઉત્તર ભારતમાં કોંગ્રેસનો જનાધાર ઘટવાનો આરંભ
આ ચૂંટણીમાં માત્ર 45 મહિલા ઉમેદવારો મેદાનમાં હતી, જેમાંથી 22 મહિલાઓ સંસદમાં પહોંચી હતી. ઉત્તર ભારતની 85.5 ટકા સીટો પર કોંગ્રેસે જીત મેળવી હતી. પરંતુ ત્યાર બાદ કોંગ્રેસનો જનાધાર ઉત્તર ભારતમાં ઘટવાનો આરંભ થઈ ચુક્યો હતો.
આ દિગ્ગજો લોકસભામાં પહોંચ્યા
લોકસભાની બીજી સામાન્ય ચૂંટણી એક રીતે ખાસ મહત્વની હતી. આ ચૂંટણીમાં પ્રથમ વખત ચાર મોટા નેતાઓ ચૂંટણી લડ્યા અને જીત્યા હતા, જેઓ પાછળથી ભારતીય રાજકારણમાં ટોચ પર પહોંચ્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રી અલ્હાબાદથી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. મોરારજી દેસાઈ સુરતથી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. આ ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયી જનસંઘની ટિકિટ પર બલરામપુર સંસદીય મતવિસ્તારથી જીતીને પહેલીવાર લોકસભામાં પહોંચ્યા હતા. બાદમાં ત્રણેય દેશના વડાપ્રધાન બન્યા. આ ચૂંટણીમાં મદ્રાસની તંજાવુર લોકસભા બેઠક પરથી આર. વેંકટરામન ચૂંટણી જીત્યા અને બાદમાં દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા.
ગ્વાલિયરના રાજવી પરિવારના વિજયા રાજે સિંધિયાએ પણ 1957માં પ્રથમ વખત ગુનાથી ચૂંટણી જીતી હતી. આખી જીંદગી સંઘ પરિવાર સાથે સંકળાયેલા વિજયા રાજે કોંગ્રેસની ટિકિટ પર પ્રથમ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. પ્રજા સમાજવાદી પાર્ટીના દિગ્ગજ આચાર્ય જે.બી. કૃપાલાની, જેઓ 1952માં ચૂંટણી હારી ગયા હતા, તેમણે બિહારના સીતામઢી સંસદીય મતવિસ્તારમાંથી 1957ની ચૂંટણી જીતી હતી. એ જ રીતે પીઢ સામ્યવાદી નેતા શ્રીપાદ અમૃત ડાંગે, જે 1952માં હારી ગયા હતા, તેઓ પણ 1957માં જીત્યા હતા. તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાની ટિકિટ પર મુંબઈ (મધ્ય)થી જીત્યા હતા.
મુંબઈ (ઉત્તર)થી વીકે કૃષ્ણ મેનન, ગુજરાતના સાબરકાંઠામાંથી ગુલઝારી લાલ નંદા, પંજાબના જાલંધરથી સ્વર્ણસિંહ, બિહારના સહરસાથી લલિત નારાયણ મિશ્રા, પશ્ચિમ બંગાળના આસનસોલથી અતુલ્ય ઘોષ, ઉત્તર પ્રદેશના બસ્તીથી કે ડી માલવિયા, બાંદાથી રાજા દિનેશ સિંહ અને મધ્ય પ્રદેશના બાલોદા બજારથી (હવે છત્તીસગઢમાં)થી વિદ્યાચરણ શુક્લા પણ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. જાણીતા સામ્યવાદી નેતા એકે ગોપાલન કેરળના કાસરગૌડા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.
બિહારના બાઢથી તારકેશ્વરી સિંહા, પશ્ચિમ બંગાળના બસીરહાટથી રેણુ ચક્રવર્તી અને અંબાલાથી સુભદ્રા જોશી પણ ફરીથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ઉમા નેહરુ પણ સીતાપુરથી ચૂંટણી જીત્યા હતા. મહારાષ્ટ્રના રાજાપુરથી જાણીતા સમાજવાદી નેતાઓ બાપુ નાથ પાઈ અને ગુવાહાટીથી હેમ બરુઆએ પણ પ્રજા સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતી હતી.
ડૉ. લોહિયા, વી.વી. ગિરી, ચંદ્રશેખર, રામધનનો કારમો પરાજય
વર્ષ 1957ની લોકસભા ચૂંટણીમાં પણ ઘણા દિગ્ગજ નેતાઓની હાર જોવા મળી હતી , જોમાં ડૉ. લોહિયા, વી.વી. ગિરી, ચંદ્રશેખર, રામધનનો સમાવેશ થતો હતો. પીઢ સમાજવાદી નેતા ડો. રામ મનોહર લોહિયાને કોંગ્રેસે હાર આપી હતી જ્યારે વીવી ગિરીને અપક્ષ ઉમેદાવરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ડૉ.લોહિયાને ઉત્તર પ્રદેશની ચંદોલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ત્રિભુવન નારાયણ સિંહે હરાવ્યા હતા. વીવી ગિરી કોંગ્રેસની ટિકિટ પર આંધ્રપ્રદેશના પાર્વતીપુરમ લોકસભા મતવિસ્તારમાંથી માત્ર 565 મતોથી ચૂંટણી હારી ગયા હતા. તેમને અપક્ષ ઉમેદવાર ડૉ. સુરીદૌરાએ હરાવ્યા હતા. અન્ય એક સમાજવાદી નેતા પટ્ટમ થાનુ પિલ્લે કેરળની ત્રિવેન્દ્રમ લોકસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. તેમને અપક્ષ ઉમેદવાર ઇશ્વર ઐય્યરે હરાવ્યા હતા.
ચંદ્રશેખરે 1957માં પહેલી ચૂંટણી પીએસપીની ટિકિટ પર લડી હતી. તે સમયે રસડા સંસદીય બેઠકમાં બલિયા અને ગાઝીપુરના ભાગોનો સમાવેશ થતો હતો. ચંદ્રશેખર આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ત્રીજા સ્થાને રહ્યા હતા. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના સરયુ પાંડેનો વિજય થયો હતો. યંગ તુર્ક તરીકે પ્રખ્યાત અન્ય એક સમાજવાદી નેતા રામધન પણ આઝમગઢથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા હતા.
અટલ બિહારી વાજપાઈની રાજકીય સફર શરૂ
વર્ષ 1957માં યોજાયેલી લોકભાની ચૂંટણી ભાજપ અને આરએસએસ માટે માઈલસ્ટોન બની રહેશે. આ ચૂંટણી જીતીને જ ભાજપના સ્ટાર પ્રચારક અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈ સંસદમાં પહોંચ્યા હતા. જનસંઘના નેતા અટલ બિહારી વાજપેયીની સંસદીય કારકિર્દી આ સામાન્ય ચૂંટણીથી શરૂ થઈ હતી. તેઓ ઉત્તર પ્રદેશની ત્રણ બેઠકો પરથી એક સાથે ચૂંટણી લડ્યા હતા. તેઓ બલરામપુર સંસદીય ક્ષેત્રથી જીત્યા હતા પરંતુ લખનૌ અને મથુરામાં હારનો સામનો કરવો પડ્યો હતો. મથુરામાં તો તેમની સિક્યોરિટી પણ ડિપોઝીટ પણ જપ્ત થઈ હતી. કોંગ્રેસના પુલિન બિહારી બેનર્જીએ તેમને લખનૌથી હરાવ્યા હતા, જ્યારે મથુરાથી વાજપાઈ સામે અપક્ષ ઉમેદવાર રાજા મહેન્દ્ર પ્રતાપ જીત્યા હતા.
વાજપાઈએ ઉત્તર પ્રદેશની બલરામપુર લોકસભા સીટ પર જીત મેળવી હતી. આગળ જતાં તે એવા બિનકોંગ્રેસી વડા પ્રધાન બન્યા હતા જેમણે સફળતાપૂર્વક તેમનો કાર્યકાળ પૂરો કર્યો હોય. ઉલ્લેખનિય છે કે યુવા વાજપાઈની વક્તૃત્વકળાથી પ્રભાવિત થયેલા પંડિત જવાહરલાલ નહેરૂએ જાહેરમાં કહ્યું હતું કે એક દિવસ આ યુવાન દેશનો વડા પ્રધાન બનશે. નહેરૂની આ ભવિષ્યવાણી 39 વર્ષ બાદ 1996માં સાચી સાબિત થઈ હતી.
નેહરૂ બન્યા ત્રીજી વખત વડાપ્રધાન
બીજી સામાન્ય ચૂંટણી બાદ 18 એપ્રિલ 1957ના રોજ ત્રીજા નહેરૂ મંત્રી મંડળ રચાયું હતું. જેમાં ગોવિંદ વલ્લભ પંતે ગૃહ મંત્રીની જવાબદારી સંભાળી હતી. વિદેશ મંત્રાલય નહેરૂએ પોતાની પાસે જ રાખ્યું હતું. નાણા મંત્રાલયની જવાબદારી ટી કૃષ્ણામાચારી પાસે હતી, બાદમાં 13 માર્ચ 1958 ના રોજ મોરારજી દેસાઈને નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા.