લોકસભા ચૂંટણી 1989: કોંગ્રેસનો થયો હતો રકાસ, વીપી સિંહ બન્યા વડાપ્રધાન, દેશમાં ગઠબંધન યુગનો પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-10-17 15:23:28

વર્ષ 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તેમના પુત્ર રાજીવ ગાંધી ભારે બહુમતી સાથે સત્તા પર આવ્યા હતા. રાજીવ ગાંધીને તેમની માતા, ઇન્દિરા ગાંધીની હત્યાથી પેદા થયેલી સહાનુભૂતિની લહેરનો લાભ મળ્યો હતો અને અણધારી જીત સાથે તેઓ વડાપ્રધાન બન્યા હતા. પરંતુ રાજીવ ગાંધી પાસે ન તો રાજકીય અનુભવ હતો, ન તો તેમની પાસે નહેરુ જેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું કે ઈન્દિરા ગાંધી જેવી આક્રમકતા અને અપીલ પણ નહોતી, પછી તેમના કાર્યકાળ દરમિયાન કેટલાક કૌભાંડો થયા જેણે સરકાર અને તેમની વ્યક્તિગત છબીને કલંકિત કરી હતી. વડાપ્રધાન તરીકે પણ રાજીવ ગાંધીનું રિપોર્ટ કાર્ડ સરેરાશ કહી શકાય તેવું હતું. બોફોર્સ કૌભાંડથી લઈને એલટીટીઈ અને શ્રીલંકાની સરકાર વચ્ચેના ગૃહયુદ્ધ સુધી રાજીવ સરકાર ઘણા મોરચે ખરાબ રીતે ઘેરાયેલી હતી. વધુમાં રાજીવ ગાંધીની સરકારમાં નાણાં મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળનાર વીપી સિંહ રાજીવ ગાંધીના કટ્ટર ટીકાકાર તરીકે ઉભરી આવ્યા હતા. આ બધા પરિબળોના કારણે 1989માં કોંગ્રેસની હાર થઈ હતી. કોંગ્રેસ પાર્ટીનો પતન પણ તેમના કાર્યકાળ દરમિયાન શરૂ થયો અને અહીંથી જ લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ કાયમ માટે વધ્યું છે. આવી પરિસ્થિતીમાં દેશમાં વર્ષ 1989માં દેશમાં નવમી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. 1989માં લોકસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. લોકસભાની 525 બેઠકો માટે 22 નવેમ્બર અને 26 નવેમ્બર 1989ના રોજ મતદાન થયું હતું. ચૂંટણી બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી પરંતુ સરકાર બનાવવાને બદલે પાર્ટીએ વિપક્ષમાં બેસવાનો નિર્ણય કર્યો હતો. વિશ્વનાથ પ્રતાપ સિંહ ભારતના દસમા વડાપ્રધાન બન્યા હતા. આ સાથે જ ભારતમાં ગઠબંધન સરકારોના યુગની શરૂઆત હતી. 


કેવું હતું દેશનું રાજકીય પરિદ્રશ્ય?


રાજીવ ગાંધીના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક ગેરરીતિઓને કારણે તેમની છબી લોકોની નજરમાં ખરડાઈ હતી. બોફોર્સ કૌભાંડ અને પંજાબમાં વધી રહેલા આતંકવાદને કારણે રાજીવ ગાંધી સરકારની ઘણી ટીકા થઈ હતી. વિશ્વનાથ પ્રતાપ સિંહ રાજીવ સરકારમાં નાણાં પ્રધાન અને સંરક્ષણ પ્રધાન હતા. તેઓ રાજીવ ગાંધીના સૌથી મોટા ટીકાકાર બન્યા હતા. જ્યારે વીપી સિંહ પાસેથી મંત્રાલય લેવામાં આવ્યું, ત્યારે તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને આરિફ મોહમ્મદ ખાન અને અરુણ નેહરુ સાથે મળીને જન મોરચાની રચના કરી હતી. તેઓ અલ્હાબાદથી ચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા હતા. પ્રાદેશિક પક્ષોના સહયોગથી રચાયેલા રાષ્ટ્રીય મોરચા હેઠળ વીપી સિંહ વડાપ્રધાન બન્યા હતા. ભાજપ અને સીપીઆઈ(એમ)એ તેમને બહારથી સમર્થન આપ્યું હતું.


ચૂંટણી પરિણામો


આ ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી, જોકે કોંગ્રેસે સૌથી વધુ 197 બેઠકો જીતી હતી. જનતા દળ 143 બેઠકો સાથે બીજા ક્રમે છે. આ પછી બીજેપીને 85 અને સીપીએમને 33 સીટો મળી છે. વોટ ટકાવારીની વાત કરીએ તો તે કોંગ્રેસ માટે સૌથી વધુ (39.53) હતી. મત ટકાવારીની દૃષ્ટિએ જનતા દળ બીજા ક્રમે હતું પરંતુ તે કોંગ્રેસ કરતાં અડધાથી પણ ઓછું હતું. આ ચૂંટણીમાં AIADMKએ 11 અને CPIએ 12 સીટો જીતી હતી. ઉલ્લેખનિય છે કે આ લોકસભા ચૂટણીમાં 275 ઉમેદવારો ચૂંટણી જીતીને પહેલી વખત લોકસભામાં પહોંચ્યા હતા. તે જ પ્રકારે વીપી સિંહના નેતૃત્વમાં સત્તામાં આવેલી આઝાદી પછીની આ સૌપ્રથમ વઘુમતી સરકાર હતી. 

 

ગઠબંધન યુગનો પ્રારંભ


કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. આ સાથે જ દેશમાં પહેલીવાર કોંગ્રેસનું એકાધિકાર શાસન તૂટી ગયું હતું. રાષ્ટ્રપતિ આર વેંકટરામને સરકાર બનાવવા માટે સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને આમંત્રણ આપ્યું હતું. પરંતુ કોંગ્રેસે વિપક્ષમાં બેસવાનો નિર્ણય લીધો હતો. જનતા દળ અને અન્ય પ્રાદેશિક પક્ષોની મદદથી રાષ્ટ્રીય મોરચાની સરકાર બનાવવામાં આવી હતી. વીપી સિંહ વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. આ પહેલો પ્રસંગ હતો જ્યારે વિચારોની વિવિધતા હોવા છતાં, જમણેરી પક્ષ ભાજપ અને ડાબેરી પક્ષો કોંગ્રેસને સત્તામાં આવતા રોકવા માટે સાથે આવ્યા હતા. ડાબેરીઓ અને ભાજપે રાષ્ટ્રીય મોરચાની સરકારને બહારથી ટેકો આપ્યો હતો. આ સાથે ગઠબંધન સરકારોનો લાંબો સમયગાળો શરૂ થયો, જે મોદી લહેરના કારણે 2014માં સમાપ્ત થયો હતો.


વીપી સિંહ બન્યા વડાપ્રધાન


રાષ્ટ્રીય મોરચાના સૌથી મોટા ઘટક જનતા દળે ચૂંટણીમાં 143 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 197 બેઠકો મળી હતી. જનતા દળ ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાનના ભાગો અને બિહાર જેવા રાજ્યોમાં 143 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. તેનો મુખ્ય ગઠબંધન સાથીદાર ટીડીપી ચૂંટણીમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો.ટીડીપી વર્ષ 1984માં 30થી ઘટીને બે બેઠકો પર આવી હતી. 85 બેઠકો જીતેલી બીજેપીએ બહાર સમર્થન આપ્યું હતું. તે જ પ્રકારે CPI(M)ના 33 સાંસદોના સમર્થનથી રાષ્ટ્રીય મોરચો સરકાર બનાવવામાં સફળ રહ્યો હતો. કોંગ્રેસ પોતાના દમ પર 197 બેઠકો જીતવામાં સફળ રહી હતી, જેમાંથી મોટાભાગની દક્ષિણ અને પૂર્વ ભારતમાં હતી. પાંચ વર્ષ પહેલાં જ્યારે કોંગ્રેસે 414 બેઠકો જીતી હતી ત્યારે આ એક નાટકીય ઘટાડો હતો. તે હજુ પણ સૌથી મોટો પક્ષ હોવા છતાં જમણેરી અને ડાબેરી દળોના બહારના સમર્થનને કારણે તેણે રાષ્ટ્રીય મોરચાને સત્તા સોંપવી પડી હતી. ભારતીય જનતા પાર્ટીએ 85 બેઠકો જીતી હતી. CPI(M) અને CPIએ અનુક્રમે 33 અને 12 બેઠકો જીતી હતી. અપક્ષો અને અન્ય નાના પક્ષોએ 59 બેઠકો જીતી હતી. ભારતીય સમાજવાદી કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. જનતા પાર્ટીની સિક્યોરિટી ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી. ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકે ત્રણ બેઠકો જીતી હતી. 1 ડિસેમ્બરના રોજ વીપી સિંહને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું વર્ષ 1947 માં સ્વતંત્રતા પછીની પ્રથમ લઘુમતી સરકાર કેન્દ્રમાં રચાઈ હતી. તેમણે બીજા દિવસે વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા અને 5 ડિસેમ્બરના રોજ નવી કેબિનેટના પ્રધાનોએ શપથ લીધા હતા. વીપી સિંહ વડાપ્રધાન અને દેવીલાલ નાયબ વડાપ્રધાન બન્યા હતા. બાદમાં વીપી સિંહ મંડલ કમિશનની ભલામણો લાગુ કરીને પછાત વર્ગના મસીહા બન્યા હતા.



અડવાણીની રથયાત્રા અને વીપી સિંહ સરકારનું પતન


25 સપ્ટેમ્બર 1990ના રોજ લાલ કૃષ્ણ અડવાણીએ રામ મંદિરની આંદોલનને લોકો સુધી પહોંચાડવા માટે રથયાત્રા શરૂ કરી હતી. વીપી સિંહ સરકારનાં મંડલ અનામત સામે તે સમયે ભાજપનું આ સૌથી મોટું હથિયાર હતું. બિહારના તત્કાલિન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે અડવાણીની ધરપકડનો આદેશ આપ્યો હતો પરંતુ તત્કાલીન ડેપ્યુટી કમિશનર અફઝલ અમાનુલ્લાએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. અડવાણીની 23 ઓક્ટોબરના રોજ સમસ્તીપુરમાં ધરપકડ કરવામાં આવી હતી, પરિણામે ભાજપે 86 સભ્યો સાથે વી.પી. સિંહ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો હતો અને તેમની સરકાર સત્તામાંથી ફેંકાઈ ગઈ હતી.


ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા

 

કોંગ્રેસ પાસે 197 બેઠકો હોવાથી, પ્રમુખ આર વેંકટરામને રાજીવ ગાંધીને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમણે તેમની પાસે પૂરતી બેઠકો ન હોવાના આધારે ના પાડી દીધી હતી. અહીં ચંદ્રશેખર પ્રવેશે છે. મહાન જયપ્રકાશ નારાયણ, આચાર્ય નરેન્દ્ર દેવ અને રામ મનોહર લોહિયા જેવા દિગ્ગજ સમાજવાદીઓના આશ્રય હેઠળ પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર ચંદ્રશેખરે 1990માં 64 સાંસદો સાથે જનતા દળથી અલગ થઈને સમાજવાદી જનતા પાર્ટીની રચના કરી હતી. કોંગ્રેસમાંથી બહારનું સમર્થન મેળવીને તેઓ વડાપ્રધાન બન્યા.તેઓ ઝડપથી રાજીવ ગાંધીને મળ્યા અને કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવી અને આ રીતે તેઓ દેશના આઠમા વડાપ્રધાન બન્યા. તેમની સરકાર કોંગ્રેસની દયા પર હતી, જેના કારણે દરરોજ ઝઘડા થતા હતા. તે દિવસોમાં અમેરિકાએ ગલ્ફ વોર શરૂ કર્યું હતું. કોંગ્રેસની નારાજગી છતાં ચંદ્રશેખર સરકારે અમેરિકન યુદ્ધ જહાજોને ભારતમાં તેલ ભરવાની પરવાનગી આપી હતી.


પછી એક દિવસ સાદા કપડામાં હરિયાણા પોલીસના બે કોન્સ્ટેબલ રાજીવ ગાંધીના ઘરની બહારથી ઝડપાઈ ગયા. આના પર કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો અને સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો હતો. સરકાર પડી. રાષ્ટ્રપતિ પાસે ફરીથી ચૂંટણી કરાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. હકીકતમાં, રાજીવ ગાંધીએ પણ તકવાદી રીતે ચંદ્રશેખરની સરકારને પછાડીને ઇતિહાસનું પુનરાવર્તન કર્યું હતું. ઈન્દિરા ગાંધીએ પણ નાની નાની બાબતોને લઈને ચૌધરી ચરણ સિંહની સરકારને પાડી દીધી હતી. ચંદ્રશેખરે વર્ષ 6 માર્ચ 1991ના રોજ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું અને દેશ ફરી એક વખત નવી ચૂંટણીની ગર્તામાં ધકેલાઈ ગયો હતો.


1989ની ચૂંટણી બાદ ભારતીય રાજકારણમાં ભાજપનો ઉદય


30 વર્ષ પહેલા યોજાયેલી નવમી લોકસભાની ચૂંટણી ભારતીય રાજકારણમાં ભાજપનો ઉદય હતો. જ્યારે 1984ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માત્ર 2 બેઠકો પર જ ઘટી હતી, આ ચૂંટણીમાં પાર્ટીને 85 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણી પહેલીવાર નવી દિલ્હીથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. જો કે, વીપી સિંહની સરકાર લાંબો સમય ટકી શકી નહીં અને ગઠબંધનની રાજનીતિ દેશને સ્થિર સરકાર આપવામાં નિષ્ફળ રહી. 11 મહિનામાં જ વીપી સિંહની આગેવાની હેઠળની રાષ્ટ્રીય મોરચાની ગઠબંધન સરકાર ગૃહમાં વિશ્વાસ મત હારી ગઈ અને વીપી સિંહે રાજીનામું આપવું પડ્યું તે જ હાલ ચંદ્રશેખર સરકારના પણ થતાં દેશમાં ફરી એક વખત લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?