લોકસભા ચૂંટણી 1952 : PM નહેરૂના 25000 માઈલના ઝંઝાવાતી પ્રચાર સામે, સામ્યવાદી પાર્ટી માટે રેડિયો મોસ્કોનું રેડિયો પ્રસારણ, જાણો કેવો હતો ચૂંટણી માહોલ?


  • Published By :
  • Published Date : 2023-09-27 19:05:40

ભારતમાં સંસદીય લોકશાહીની સ્થાપના થઈ ત્યારથી એક શિરસ્તો રહ્યો છે કે ચૂંટણી પ્રચાર કોઈ મોટા નેતાને આગળ કરીને તેના ચહેરા અને નામ પર લડાતા રહ્યા છે.  દેશમાં ભલે રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી કરતા હોય પણ આ તમામ ઉમેદવારોને જીતાડીને લોકસભા કે વિધાનસભામાં પહોંચાડવાની જવાબદારી કોઈને કોઈ દિગ્ગજ નેતાના ખભા પર હોય છે. ભારતમાં અત્યાર સુધી આ કિરદાર જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, જય પ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા, શ્રીપાદ અમૃત ડાંગે (CPI),આચાર્ય કૃપલાણી, અટલ બિહારી વાજપાઈ, લાલ કૃષ્ણ અડવાણી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને નરેન્દ્ર મોદીએ નિભાવ્યો છે. તમામ રાજકીય પક્ષોની ચૂંટણી જીતવાની આ રણનિતી રહી છે, કોંગ્રેસ હોય કે ભાજપ તમામ પક્ષોએ મજબુત ખભા પર આધાર રાખીને ચૂંટણી જીતી છે. વર્ષ 1952માં યોજાયેલી દેશની પહેલી લોકસભાની ચૂંટણી પ્રયાર પણ અનોખો રહ્યો હતો. તે સમયે પ્રધાન મંત્રી નહેરૂ ખુદ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હતા. આ જે આપણે દેશની સૌપ્રથમ સમાન્ય ચૂંટણી વખતના ચૂંટણી પ્રયાર અભિયાન, ચૂંટણીના સળગતા મુદ્દા, લોકપ્રિય નેતાઓ તથા તે સમયના લોકમુખે ચડેલા નારાઓ અંગે વિગતે માહિતી મેળવી છું.  


કોણ હતા વર્ષ 1952ની ચૂંટણીના સ્ટાર પ્રચારક


પ્રથમ લોકસભાની ચૂંટણી વખતે દેશના કુલ 53 રાજકીય પક્ષોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. જેમાં કોંગ્રેસ ઉપરાંત 14 રાષ્ટ્રિય પક્ષોનો પણ સમાવેશ થતો હતો. જેમાં જવાહરલાલ નેહરુની આગેવાની હેઠળની કોંગ્રેસ ઉપરાંત શ્રીપાદ અમૃત ડાંગેની આગેવાની હેઠળની ભારતીય સામ્યવાદી પાર્ટી  (CPI),શ્યામા પ્રસાદ મુખર્જીની ભારતીય જનસંઘ (જે પાછળથી ભાજપ બની), આચાર્ય નરેન્દ્ર દેવ, જેપી અને લોહિયા આગેવાની હેઠળની સોશલિસ્ટ પાર્ટી, આચાર્ય કૃપલાનીની કિસાન મજદૂર પ્રજા પાર્ટી ઉપરાંત પંજાબમાં શિરોમણી અકાલી દળ અને મહારાષ્ટ્રમાં અખિલ ભારતીય ગણતંત્ર પરિષદ પણ પ્રભાવક પાર્ટી હતી. જો કે સૌથી વધુ લોક પ્રતિસાદ કોંગ્રેસને મળ્યો હતો, કોંગ્રેસના નેતાઓમાં જવાહર લાલ નહેરૂ, મોરારજી દેસાઈ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, કામરાજ નાદર, બાબુ જગજીવન રામ મુખ્ય હતા. અન્ય પાર્ટીઓમાં મખ્યત્વે CPIના ડાંગે, જનસંઘના શ્યામા પ્રસાદ મુખર્જી, સોશલિસ્ટ પાર્ટીના આચાર્ય નરેન્દ્ર દેવ, જય પ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયાનો સમાવેશ થતો હતો.


PM નેહરુનું ઝંઝાવાતી પ્રચાર અભિયાન


વર્ષ 1952ના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્ટાર પ્રચારક હતા. તેમના ચૂંટણી પ્રચારના ભાગરૂપે તેમણે લગભગ 3.5 કરોડ લોકોને સંબોધિત કર્યા હતા. નેહરુએ ચૂંટણી પ્રચાર માટે વિમાન રસ્તા અને રેલવેનો પણ ઉપયોગ કર્યો હતો. તેમનો ચૂંટણી પ્રચાર 1 ઓક્ટોબર, 1952થી શરૂ થયો હતો. નવ મહિનામાં નેહરુએ દેશના ખૂણે ખૂણે પ્રચાર કર્યો. નેહરુએ કુલ 25000 માઈલનું અંતર પુરૂ કર્યું હતું. જેમાં 18000 માઈલ હવાઈ માર્ગે, 5200 માઈલ મોટર કાર દ્વારા, 1600 માઈલ ટ્રેન  દ્વારા અને 90 માઈલ સુધીનો ચૂંટણી પ્રચાર બોટ દ્વારા પણ પૂરો કર્યો હતો. નેહરુનું પ્રથમ ચૂંટણી ભાષણ પંજાબના લુધિયાણામાં હતું. જેમાં તેમણે સાંપ્રદાયિક પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ હિન્દુ અને શીખ સંસ્કૃતિના નામે સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેમ કે મુસ્લિમ લીગે એક સમયે કર્યું હતું. નેહરુનું આગલું ભાષણ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ દિલ્હીમાં થયું હતું. તે સમયે આ એક અસાધારણ પરાક્રમ હતું. જો કે વિરોધ પક્ષો માટે કામ કરવાની તકો હતી, તેમની પાસે તેજસ્વી નેતાઓ પણ હતા, પરંતુ તેમની પાસે આટલું વ્યાપક અભિયાન ચલાવવા માટે સંગઠન, સંસાધનો અને કાર્યકરો નહોતા. તે સમયે મીડિયા પણ એટલું વ્યાપક નહોતું કે તેના દ્વારા કોઈનો સંદેશ લોકો સુધી પહોંચાડી શકાય. તે પછી પણ, વિવિધ ક્ષેત્રો અને રાજ્યોમાં, સ્વતંત્ર ભારતના પુનર્નિર્માણ, આજીવિકા, સામાન્ય નાગરિકોના અધિકારો, રાજકીય પક્ષોનું માળખું, અર્થતંત્ર, સમાજ, સંસ્કૃતિ વગેરે મુદ્દાઓને લઈ કોંગ્રેસ સિવાયના પક્ષો જનતાની વચ્ચે ગયા હતા. જેનું પરિણામ એ આવ્યું કે આ પાર્ટીઓને લગભગ 31 ટકા વોટ મળ્યા હતા.


નેહરુના હવાઈ પ્રચાર અભિયાનથી વિવાદ


જાણીતા ઈતિહાસકાર દુર્ગા દાસ તેમના પુસ્તક 'ફ્રોમ કર્ઝન ટુ નેહરુ એન્ડ આફ્ટર'માં લખે છે, "નેહરુએ વડાપ્રધાન તરીકે જે વિમાનનો ઉપયોગ કર્યો તેમાં પ્રચાર કરવાનું યોગ્ય ન લાગ્યું. બીજી બાજુ, તેમની પાસે કે કોંગ્રેસ પાર્ટી પાસે ચૂંટણી પ્રચાર માટે ચાર્ટર વિમાન ખરીદી શકે તે માટે પૂરતા પૈસા પણ નહોતા. જો  કે  તે સમયના ઓડિટર જનરલે નેહરુને મદદ કરવા માટે એક સારી ફોર્મ્યુલા સૂચવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતના વડા પ્રધાનની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન કરવી જોઈએ. જો તે એરોપ્લેનમાં મુસાફરી કરે તો જ આવું થઈ શક્યું હોત. વિમાનમાં મુસાફરી કરવાનો એક ફાયદો એ થશે કે રેલની સરખામણીમાં તેમની સલામતી માટે ઓછા લોકોની જરૂર પડશે. વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સરકારની હોવાથી સરકારે આ ખર્ચ ઉઠાવવો જોઈએ. તેથી, એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે નેહરુ વિમાનમાં વ્યક્તિને લઈ જવા માટે સરકારને ભાડું ચૂકવશે. તેમની સાથે રહેલા સુરક્ષા કર્મચારીઓનું ભાડું સરકાર ચૂકવશે અને જો તેમની પાર્ટીનો કોઈ સભ્ય વિમાનમાં તેમની સાથે હશે તો તે પોતાનું ભાડું ચૂકવશે. જો કે તે સમયે આ મુદ્દે વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો અને કોંગ્રેસ તથી પીએમ નહેરૂ પર સરકારી મશીનરીના દુરૂપયોગનો આરોપ લગાવ્યો હતો.


કોમ્યુનિસ્ટ પાર્ટીનો રેડિયો પ્રચાર  


કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોના નેતાઓએ ઘરે-ઘરે જઈને ચૂંટણી પ્રચાર કર્યો હતો. જો કે આ તમામ પાર્ટીઓમાં કોમ્યુનિસ્ટ પાર્ટી અનોખી હતી. આ પાર્ટીને સોવિયેત રશિયાનું જોરદાર સમર્થન હતું જેના કારણે આર્થિક અને અન્ય સુવિધાઓનો લાભ CPIને મળ્યો હતો. કમ્યુનિસ્ટ પાર્ટી એકમાત્ર એવી પાર્ટી હતી જેને રેડિયો પર પ્રચાર કરવાની તક મળી. તે પણ આકાશવાણી પર નહીં, રેડિયો મોસ્કો પર. આ રેડિયો સ્ટેશન તાશ્કંદમાં તેના ટ્રાન્સમીટર દ્વારા કોમ્યુનિસ્ટ પાર્ટી માટે પ્રચાર કરતું હતું. શિક્ષિત લોકો માટે મદ્રાસ સ્થિત સાપ્તાહિકે પ્રવદામાં પ્રકાશિત થયેલા એક લેખનો અનુવાદ પ્રકાશિત કર્યો હતો, જેમાં સત્તાધારી કોંગ્રેસ પાર્ટીને જમીનદારોની પાર્ટી તરીકે વર્ણવવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમનો એકમાત્ર વિકલ્પ સામ્યવાદી પક્ષ છે જેને સમગ્ર ભારતમાં કામદારો અને પ્રગતિશીલ લોકોનું સમર્થન મળ્યું હતું.


ચૂંટણી પ્રચારની અનોખી રીતો


વર્ષ 1952ના ચૂંટણી પ્રચાર અભિયાન અંગે એક બ્રિટિશ વિશ્લેષક લોર્ડ બર્ડવુડે તેમના લેખ ' એ કોન્ટિનેન્ટ ડિસાઈડ્સ' માં લખ્યું હતું કે દિલ્હીના માર્ગો. દિવાલો, અને અહીં સુધી કે મૂર્તિઓ પર પણ ચૂંટણી પ્રચારના પોસ્ટર લગાવ્યા હતા. 1952માં પહેલી લોકસભાની ચૂંટણી સમયે ન તો આજના જેવી મશીનરી હતી કે ન તો ફરવા માટે આરામદાયક વાહનો. બળદગાડામાં કે પગપાળા ચૂંટણી પ્રચાર માટે બહાર જવું પડતું હતું. જ્યારે "પશ્ચિમ બંગાળમાં લોકોએ ચૂંટણી પ્રચારની અનોખી રીત તૈયાર કરી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ રખડતા ઢોરની પીઠ પર લખ્યું હતું, 'કોંગ્રેસને મત આપો.' જે સમયે બહું જ ગાજેલા નારાઓમાં કોંગ્રેસ અને વિપક્ષોના આરોપ પ્રત્યારોપની ઝલક જોવા મળે છે. તે સમયે કોંગ્રેસ પાર્ટીએ મહાત્મા ગાંધીની લોકપ્રિયતાને વટાવી ખાવા માટે એક નારો આપ્યો કે " ખરો રૂપયો ચાંદી કો, રાજ મહાત્મા ગાંધી કો" તે જ પ્રકારે કોમ્યુનિસ્ટ પાર્ટીએ દેશની આઝાદી માટે કોંગ્રેસના દાવાની હવા કાઢવા માટે કોમ્યુનિસ્ટ પાર્ટીએ નારો આપ્યો હતો કે " દેશ કી જનતા ભૂખી હૈ, યે આઝાદી જૂઠી હૈ'  ઉલ્લેખનિય છે કે તે સમયે એક ઉમેદવારનો સમગ્ર ચૂંટણી ખર્ચ 25 થી 45 હજાર રૂપિયા થયો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?