હાલ સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોઈને કોઈ મુદ્દે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હોય છે. આજે ફરી એક વખત બપોરના બે વાગ્યા સુધી લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ભારે હોબાળાને કારણે માત્ર અમુક મિનીટોની અંદર જ સદનને સ્થગિત કરવાની ફરજ પડી હતી.
બપોરના બે વાગ્યા સુધી બંને ગૃહો કરાયા સ્થગિત
દેશના અનેક મુદ્દાઓને લઈ સંસદમાં ચર્ચા કરાતી હોય છે. હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ અદાણી તેમજ રાહુલ ગાંધીના ભાષણ સિવાય સાંસદો પાસે કોઈ મુદ્દો ન હોય તેવું લાગી રહ્યું છે. આ મુદ્દાઓને લઈ ભારે હંગામો કરવામાં આવી રહ્યો છે. ભાજપ રાહુલ ગાંધી માફી માગે તે વાતને લઈ અડગ છે અને આ વાતને લઈ હોબાળો કરી રહ્યું છે તો વિપક્ષ અદાણી મુદ્દાને લઈ જેસીપી તપાસની માગ કરી રહી છે. આ બે મુદ્દાને લઈ હોબાળો સંસદમાં કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે આ હોબાળાની અસર સંસદની કાર્યવાહી પર પડી રહી છે. શુક્રવારે હોબાળાને કારણે સોમવાર સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી પરંતુ આજે જ્યારે સત્ર શરૂ થયું તેની થોડી મિનિટોની અંદર જ બપોરના બે વાગ્યા સુધી લોકસભા તેમજ રાજ્યસભાને સ્થગિત કરવામાં આવી છે.