ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે 182માંથી 178 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે જાહેર કરવામાં આવેલા ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાઓ પર સ્થાનિક ઉમેદવારને બેઠક આપવાની માગ કરવામાં આવી છે. હિંમતનગર બેઠક માટે વી.ડી.ઝાલાના નામની પસંદગી કરવામાં આવી છે જેને લઈ સ્થાનિકોએ વિરોધમાં બેનર લગાવ્યા હતા અને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે.
ઉમેદવારોનો થઈ રહ્યો છે વિરોધ
ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક સમાજ દ્વારા તેમજ સ્થાનિકો દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરેધ કરવામાં આવી રહ્યો છે. સમાજના પ્રેશરને કારણે ભાજપે જાહેર કરેલા ઉમેદવારને બદલી બીજા ઉમેદવારને ટિકિટ આપી છે. ત્યારે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માગ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી છે. હિંમતનગર બેઠક માટે ભાજપે વી.ડી.ઝાલાને ટિકિટ આપી છે જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. પરંતુ પાર્ટીના આ નિર્ણયથી ઠાકોર સમાજ નારાજ થયો છે અને ઠેર-ઠેર ઉમેદવારના વિરોધના બેનર લાગ્યા હતા.
સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની કરાઈ માગ
વિરોધમાં લગાવેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજ બહારથી આવેલા ઉમેદવારનું સમર્થન નહીં કરે. ઉપરાંત સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તે માગ કરવામાં આવી હતી. અને જો સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપવામાં આવે તો ભાજપ સરકાર ભયંકર પરિણામ ભોગવવા તૈયાર થઈ જાય તેવું લખવામાં આવ્યું છે. આ બેનર અનેક સ્થળો પર લગાવવામાં આવ્યા છે અને સ્થાનિક ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે.