જ્યારે વોટ લેવા હોય ત્યારે પ્રજાની સમસ્યા અંગે વાતો કરવામાં આવતી હોય છે. જો અમારી સરકાર બનશે, અમે જ્યારે સત્તા પર આવીશું ત્યારે તમારી સમસ્યાઓ દૂર કરી દઈશું. અમે તમારી વચ્ચેથી જ આવીએ છીએ તેવા વચનો આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. વચનો પર વિશ્વાસ રાખી તેમને લોકો ચૂંટે છે પરંતુ જ્યારે તેમની સમસ્યા સાંભળવાની વાત આવે ત્યારે? આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં પ્રજા જ્યારે પોતાની સમસ્યા અંગે રજૂઆત કરતા હોય છે ત્યારે તેઓ ભાગતા દેખાય છે. અમે વાત કરી રહ્યા છીએ સુરતથી સામે આવેલી ઘટનાની જેમાં લોકોએ મેયરને ઘેર્યા હતા. પરંતુ રજૂઆત સાંભળવાને બદલે, લોકોની સમસ્યા સાંભળવાને બદલે તેઓ ભાગી જાય છે.
સત્તા પર આવ્યા બાદ ભૂલી જાય છે પોતાના વચન!
અત્યારે નેતાઓ પ્રજાની સેવા માટે ઉચ્ચ હોદ્દા પર તો પહોંચી જાય છે પણ જ્યારે પ્રજાના પ્રશ્નોની વાત આવે તો ભાગતા હોય છે અને પોતાની જવાબદારીઓથી હાથ ખંખેરી લે છે એવોજ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરતના વોર્ડ નંબર 16ને પૂના વિસ્તાર તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.
સમસ્યાનો ઉકેલ ન આવતા મહાનગર પાલિકા પહોંચ્યા સ્થાનિક
દરેક જગ્યાની જેમ આ વોર્ડમાં પણ રસ્તાની સમસ્યા છે, પાણી ન આવવાની સમસ્યા પણ રહેલી છે. પાણીની તો સમસ્યા છે પરંતુ પાણીનું બિલ પણ વધારે આવે છે સહિતની અનેક સમસ્યાનો સામનો ત્યાના સ્થાનિક કરી રહ્યા છે. અનેક વખત રજૂઆત કરવા છતાંય પણ સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો. ત્યારે વિરોધ કરવા માટે સ્થાનિકો તેમાં પણ મહિલાઓ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પર વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા.
સ્થાનિકોને જવાબ આપવાની જગ્યાએ બાઈક પર બેસી જતા રહ્યા મેયર
મહાનગરપાલિકાની બહાર તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. સ્થાનિકો મેયરને મળવા ઈચ્છતા હતા હલ્લાબોલ કરશે તે પહેલા જ ત્યાંથી જતું રહેવું મેયરને યોગ્ય લાગ્યું. પરંતુ આ વચ્ચે મેયર હેમાલી બોઘાવાલાએ ચલતી પકડી. જલ્દી નીકળાય તે માટે ગાડીને બદલે બાઈક પર બેઠા અને ત્યાંથી જતા રહેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સ્થાનિકોએ તેમને જોઈ લીધા અને તેમને ઘેરી લીધા હતા.
ધારાસભ્યો કરી રહ્યા છે સ્થાનિકોને પડતી મુશ્કેલી જાણવાનો પ્રયાસ
સ્થાનિકોની સમસ્યા સાંભળવાને બદલે તેઓ બાઈક પર જવા માંડ્યા. સ્થાનિક લોકો જ્યારે પોતાની રજૂઆત કરવા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તેમની સાથે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે પોતાના મતવિસ્તારની મૂલાકાત લે, ગ્રાઉન્ડ પર ઉતરી લોકોની સાથે જોડાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્થાનિકોની શું સમસ્યા છે તે અંગેની જાણકારી ગ્રાઉન્ડ ઝીરો પર જઈને કરવું જોઈએ. ધારાસભ્યોને આપવામાં આવેલી સૂચના બાદ સ્થળ મુલાકાત લેવાની શરૂઆત કરી છે.