અમદાવાદના ખાનપુર ખાતે સ્થિત ભવન્સ કેમ્પસમાં ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને પત્રકાર કાંતિ ભટ્ટનું સ્મારક ભવન અને વાંચનાલયનું લોકાર્પણ 21 ફેબ્રુઆરીના રોજ થવાનું છે. પુસ્તકાલયમાં કાંતિ ભટ્ટના 1600 પુસ્તકો અને 16000થી વધારે લેખો એક સ્થળ પર વાંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટ દ્વારા આ સ્મારક બનાવામાં આવ્યું છે. આ સ્મારકનું લોકાર્પણ મધુ રાયના હસ્તે થવાનું છે.
પુસ્તકાલય તેમજ સ્મારક ભવનનું થશે લોકાર્પણ
ગુજરાતી સાહિત્યની કૃતિઓ એક સ્થળે મળી રહે તે માટે અનેક પુસ્તકાલયોનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના જાણીતા પત્રકાર અને સાહિત્યકાર કાંતિ ભટ્ટની કૃતિઓ તેમજ તેમના દ્વારા લખાયેલું સાહિત્ય એક સ્થળ પર મળી રહે તે માટે એક આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ખાનપુરમાં આવેલા ભવન્સ કેમ્પસમાં કાંતિ ભટ્ટ સ્મારક અને વાંચનાલયનું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. કાંતિ ભટ્ટના 1600 પુસ્તકો તેમજ લેખો એક સ્થળ પર વાંચવા મળી રહેશે. એમ પણ કાંતિ ભટ્ટને વાંચવાનો એક લ્હાવો છે.
એક સ્થળ પર વાંચવા મળશે કાંતિ ભટ્ટનું સાહિત્ય
1931માં ભાવનગર ખાતે કાંતિ ભટ્ટનો જન્મ થયો હતો. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ તેમના આર્ટિકલ દેશભરમાં પ્રસિદ્ધ થયા હતા. તેમના આર્ટિકલે સૌને પોતાની તરફ આકર્ષ્યા છે. કાંતિ ભટ્ટ અને શીલા ભટ્ટે લાંબા સમય સુધી મેગેઝિન જર્નાલિઝમ પર શાસન કર્યું હતું, એવું માનવામાં આવતું હતું કે તેઓ ડર્યા વગર પોતાની વાત રજૂ કરી દેતા હતા. પોતાના લેખમાં વાંચકોને વિષયને લઈ ડિટેલ માહિતી આપતા અને એવું કહેવાતું હતું કે કોઈ પણ એવો વિષય નહીં હોય જેની જાણકારી કાંતિ ભટ્ટને ન હોય. ત્યારે અમદાવાદમાં તેમની યાદમાં સ્મારક ભવન તેમજ પુસ્તકાલયનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે જ્યાં એક સ્થળ પર જ તેમની 1600 પુસ્તકો રાખવામાં આવશે.