ગુજરાતમાં દારૂબંધીના કાયદાની લગભગ દરરોજ ફજેતી થતી જોવા મળે છે. રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવામાં આવે છે તેમ છતાં દારૂની તસ્કરી બેરોકટોક થઈ રહી છે. રાજ્યમાં દારૂબંધીની વાતો વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની તસ્કરી માટે અવનવા પ્રકારની જ યુક્તિઓ અપનાવવામાં આવી રહી છે. પોલીસને શંકા ન જાય તે માટે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે ફાયર બ્રિગેડની ગાડી કે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમ કે ગાંધીનગરની ચિલોડા પોલીસે એમ્બ્યુલન્સ વાનમાંથી દારૂ ઝડપ્યો હતો. બુટલેગરોની આ મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ અચંબિત થઈ ગઈ છે.
એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી
ગાંધીનગરની ચિલોડા પોલીસે એમ્બ્યુલન્સ વાનમાંથી દારૂ ઝડપ્યો હતો. ચિલોડા હિંમતનગર હાઇવે પર છાલા ગામ નજીક આવેલી હોટેલ પરથી દારૂનો જથ્થો મળ્યો હતો. રાજસ્થાન પાસિંગની બંધ એમ્બ્યુલન્સ વાનના ચેકિંગમાં ચિલોડા પોલીસને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. છાલા ગામ નજીક આવેલી કનના માતાજી હોટેલ ઉદયપુર ઢાબા પાસે બંધ એમ્બ્યુલન્સમાંથી 68,640ની કિંમતનો દારૂ ઝડપાયો હતો. સ્વતંત્રતા દિવસને લઈ હોટેલ અને ઢાબાઓમાં ચેકીંગ શરૂ કરતા પોલીસે દારૂનો આ જથ્થો ઝડપ્યો હતો. પોલીસે દારૂની જથ્થો જપ્ત કરી એમ્બ્યુલન્સ વાનના માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.