ગુજરાતમાં દારૂબંધી છે... આ વાક્ય વાંચ્યા બાદ તમારા રિએક્શન હશે કે દારૂબંધી ગુજરાતમાં છે? માત્ર કાગળ પર જ છે તેવો તમે જવાબ પણ આપશો. વાત સાચી પણ છે. ખુલ્લેઆમ દારૂબંધી કાયદાના ધજાગરા ઉડે છે. ગાંધીનગર ગિફ્ટ સીટીમાં સરકારે દારૂ પીવાની છૂટ આપી છે પરંતુ તે નિયમો સાથે.. અલગ અલગ નિયમો જાહેર કરાયા છે આ અંગે. ત્યારે 31 ડિસેમ્બર પહેલા વડોદરામાં દારૂની મહેફિલ કરતા લોકોને ઝડપી પાડ્યા છે.
વડોદરામાં પોલીસે ઝડપી પાડી દારૂની મહેફિલ!
31મી ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ પોલીસ પણ એક્ટિવ દેખાઈ રહી છે. બોર્ડર પર ચેકિંગ કરે છે, અલગ અલગ જગ્યાઓ પર રેડ પાડવામાં આવે છે અને દારૂનો મુદ્દામાલ તેમજ દારૂ પીનારા લોકોને ઝડપી પાડવામાં આવે છે. ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં સરકારે દારૂ અંગે છૂટ આપી છે. સરકાર ભલે ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ આપી છે પરંતુ અનેક એવી જગ્યાઓ છે જ્યાં દારૂ આરામથી, ખુલ્લેઆમ વેચાતો હોય છે. દેશી દારૂની પોટલીઓ મળી આવે છે અને પોલીસ મુકપ્રેક્ષક બની જોતી રહી જાય છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે. ત્યારે વડોદરાથી એક ઘટના સામે આવી છે જેમાં પોલીસે દારૂની મહેફિલ કરતા લોકોને ઝડપી પાડ્યા છે.
13 લોકોને પોલીસે ઝડપી પાડ્યા નશાની હાલતમાં!
મળતી માહિતી અનુસાર વડોદરાના પાદરામાંથી ગુરૂવારે મોડી રાતે દારૂની મહેફિલ પકડી પાડવામાં આવી છે. પાદરા તાલુકાના સાધી ગામે પોલીસે શરાબની મેહફીલ માણતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મહેફિલમાં 13 દારૂડિયાઓને પોલીસે નશાની હાલતમાં દબોચ્યા હતા. મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધીના કાયદા અનેક વખત ધજાગરા ઉડતા દેખાયા છે.