જૂનાગઢ ખાતે ગીરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે સત્તાવાર રીતે શુભારંભ થઈ ગયો છે. જૂનાગઢના સાધુ-સંતોએ રિબિન કાપી શ્રીફળ વધેરી અને પરિક્રમાની વિધિવત રીતે શરૂઆત કરાવી હતી. ચૂંટણીની કામગીરીના કારણે કોઈ સરકારી અધિકારી આ કાર્યક્રમમાં હાજર નહીં રહી શક્યું. જોકે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતાના કારણે કોઈ રાજકીય નેતાઓ પણ હાજર નહોતા રહી શક્યા.
લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ
જૂનાગઢ ભવનાથના મહંત હરિગીરી બાપુ અને મહંત મહેન્દ્રગીરી બાપુ સહિતના સંતોએ શ્રીફળ ફોડીને લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. ગીરનારની પરિક્રમામાં લગભગ 10 લાખ જેટલા લોકો ભાગ લેતા હોય છે ત્યારે પરિક્રમાની વિવિવત શરૂઆત પહેલા જ 4 લાખ લોકોએ 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી લીધી છે.
આ વખતે લીલી પરિક્રમામાં હજુ પણ ઘણા શ્રદ્ધાળુઓ આવશે ત્યારે વિશેષ વ્યવસ્થાઓ પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવી છે. કોરોના બાદ પહેલીવાર જંગી પરિક્રમાનો લાખો લોકો ભાગ લેશે. સુરક્ષા અને વ્યવસ્થા માટે પોલીસે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરી રાખી છે. આ વખતે પહેલીવાર ગાદલીની વ્યવસ્થા રાખવામાં આવી છે, જે વ્યક્તિ બીમાર હોય તેના માટે દવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. લોકોને ચાલવામાં અગવડ ના પડે તેના માટે લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.