ગઈકાલે વડોદરાના હરણી લેકમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. પિકનીક મનાવવા ગયેલા બાળકો માટે તે યાત્રા અંતિમ બની ગઈ. હરખ-શોખથી માતા પિતાએ બાળકને પિકનીક મનાવવા મોકલ્યા હતા, બાળક પોતાના જીવનને માણી શકે તેવી આશા સાથે તેમણે પોતાના બાળકોને મોકલ્યા હતા પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમના સંતાનો પાછા તો આવશે પરંતુ નશ્વર દેહ બની. તે માતા પિતાનું રૂદન, તેમનું કલ્પાન્ત, તેમની પીડાની અનુભુતી આપણે નહીં કરી શકીએ, પરંતુ માસુમ બાળકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના તો કરી શકીએ છીએને.
દુર્ઘટનામાં જે બાળકોએ જીવ ગુમાવ્યો...
સાહિત્યના સમીપમાં સામાન્ય રીતે અમે કવિતા લખવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આજે એક પ્રાર્થના એ બાળકોને સમર્પિત કરવી છે જેમણે વડોદરાના હરણી લેકમાં કરૂણાંતિકા સર્જાઈ. આજે એ બાળકોને શબ્દાંજલિ આપવી છે જેમણે આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આપણે તો પ્રાર્થના સિવાય કંઈ કરી પણ નહીં કરી શકીએ...!
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ
શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે
લખચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દઈ વારસો
જનમોજનમ સત્સંગથી કિરતાર પાર ઉતારજો
આ લોકને પરલોકમાં તવ પ્રેમ રગરગ વ્યાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી
ઘો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી
સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.