ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. ભાજપ માટે એમ પણ સામાન્ય રીતે કહેવામાં આવે છે કે બીજેપીના વોશિંગ મશીનમાં તમે ધોવાઈ જશો તો તમે પવિત્ર થઈ જશો... બીજેપીના વોશિંગ મશીનનો ડેમો મમતા બેનર્જીએ આપ્યો હતો. ભાજપમાં જોડાતા જ નેતાઓ પવિત્ર થઈ જતા હોય છે, તેમના પર ચાલતા કેસ બંધ થઈ જતા હોય છે વગેરે વગેરે..! તે તો આપણે જાણીએ છીએ કે.. વિપક્ષ દ્વારા લગાવવામાં આવતો આરોપ સાવ ખોટો પણ નથી, પરંતુ તેનો અર્થ એ પણ નથી થતો કે વિપક્ષી પાર્ટીઓ દૂધથી ધોવાયેલી છે.
ભાજપ ઘણા સમયથી એવી નીતિ અપનાવી રહ્યું છે કે...
થોડા સમય પહેલા ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી. અનેક નવા ચહેરાઓને તક આપવામાં આવી. અનેક ચહેરાઓ તો એકદમ નવા હતા, અનેક મોટી હસ્તીઓને આ વખતે લોકસભા ચૂંટણી ભાજપ લડાવા જઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી તેમણે નવી સ્ટ્રેટર્જી અપનાવી છે. જે પણ ડાઘી દેખાય છે, જેની પર સૌથી વધારે આરોપો છે તેમને સીધા ભાજપમાં લઈ લો અને જેવો તે લોકો ભાજપનો ખેસ પહેરે એટલે ગંગા જેવા પવિત્ર થઈ જાય.. આ રીતની પદ્ધતિથી ભાજપ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે.
ભાજપમાં ગયા પછી ડાઘી નેતાઓ થઈ જાય છે ગંગા જેવા પવિત્ર!
આપણી સામે તાજતેરમાં જ બનેલો એક કિસ્સો છે. નવીન ઝિંડાલને ભાજપે કુરૂક્ષેત્રથી લોકસભાની ટિકીટ આપી છે. ભાજપના ઉમેદવાર બન્યા તેની પહેલા તે કોંગ્રેસના સાંસદ હતા. અને જ્યારે એ કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપના અનેક નેતાઓ દ્વારા તેના માટે, તેમના વિરૂદ્ધમાં ટ્વિટ કરવામાં આવતી. નવીન ઝિંદાલ માટે ભાજપના અનેક લોકો દ્વારા કહેવામાં આવતું હતું કે રાહુલ ગાંધી પછી કોઈ વધારે ખરાબ સાંસદ હોય તો તે નવીન ઝિંદાલ છે. થોડા કલાકોની અંદર જ તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપે છે અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લે છે. ભાજપમાં આવતા જ તેમને લોકસભાની ટિકીટ મળી જાય છે.
અનેક ઉદાહરણો જેમાં આવી વાત સાચી પૂરવાર થાય છે!
આ છે નવીન ઝિંદાલની કહાણી ભારતીય જનતા પાર્ટીમાં.. આ વાત માત્ર નવીન ઝિંદાલ પૂરતી સિમીત નથી રહેતી પરંતુ આવા ઉદાહરણો અવાર નવાર આપણી સામે આવી રહ્યા છે. કર્ણાટકના જનાર્દન રેડીનું છે.. આમની પર તો કરોડોના કૌભાંડના આરોપો લાગ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે તે જોડાયા ત્યારે તે પવિત્ર થઈ ગયા.. મહારાષ્ટ્રની રાજનીતિ હોય છે કે પશ્ચિમ બંગાળની રાજનીતિ હોય આવા ઉદાહરણો આપણી સમક્ષ છે.જે લોકો પર આરોપ લાગે છે કરપ્શનના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય,તો એ લોકો શુદ્ધ થઈ જાય.
ઈડીની કામગીરી પર પણ ઉઠે છે અનેક પ્રશ્નો!
પરંતુ જ્યારે આ લોકો ભાજપમાં નથી જોડાતા ત્યારે એકાએક ઈડીનો આત્મા જાગે છે, ઈડી એમના ઘરે પહોંચે છે અને તેમને ઉપાડીને જેલમાં લઈ જાય છે. ઈડી જેને જેલમાં નાખે છે તેમની અંદર ચોર નથી હોતો તેવું અમે નથી કહી રહ્યા પરંતુ ચોર માત્ર વિપક્ષના નેતાઓ જ છે? ઈડીની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠતા રહ્યા છે, વિપક્ષી પાર્ટીઓ દ્વારા અનેક વખત આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઈડીએ પણ જાણે અલગ પ્રકારના ચશ્મા પહેર્યા છે!
ઈડી ક્યારે નિષ્પક્ષ બની કાર્યવાહી કરશે?
જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાને ઈડી જોવે છે તો તેને લાગતું હશે આ તો મહાપુરૂષ છે..! પરંતુ એ જ ઈડીની નજર જ્યારે બીજેપીનો ખેસ પહેર્યા વગરના નેતા પર પડે છે ત્યારે તેને બધામાં ચોર દેખાય છે..! કાર્યવાહી થાય છે, અને જેલમાં પૂરે છે..ઈડી જે બાકીની કાર્યવાહીઓ કરે છે તે વિપક્ષી નેતાઓ હોય છે મુખ્યત્વે કિસ્સાઓમાં... જેટલી નિષ્ઠાથી ઈડી વિપક્ષી નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે એટલી જ નિષ્પક્ષતાથી સત્તાધારી પાર્ટીના નેતાઓ વિરૂદ્ધ પણ થવી જોઈએ.. જો આ રીતે ઈડી કાર્યવાહી કરશે તો આવા ચોર ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે, ભારતીય જનતા પાર્ટીમાં એ સમૂહ વધતોને વધતો જશે...!
લોકોની અપેક્ષા તૂટી જતો હોય છે જ્યારે....
આ બધા વચ્ચે ઈડી જેવી સંસ્થાઓ પરથી સામાન્ય લોકોનો વિશ્વાસ ઉઠતો જાય છે. આ સંસ્થાઓ જ છે જેમની પર લોકશાહીનો પાયો જળવાઈ રહેશે.. આ સંસ્થાઓ જ છે જે લોકો પર નિષ્પક્ષતાથી કાર્યવાહી કરશે એવી અપેક્ષાઓ રહેતી હોય છે, પરંતુ આવી અપેક્ષાઓ ચૂંટણી આવતા સુધીમાં તૂટી જતી હોય છે. ચૂંટણી વખતે આવા મુદ્દાઓ સામાન્ય રીતે કોઈ અસર નથી કરતા પરંતુ આ મુદ્દાઓને વિપક્ષી પાર્ટી કેવી રીતે ઉપાડે છે તેની પર સૌ કોઈની નજર રહેવાની છે..