દેશના અનેક રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. પર્વતવાળા વિસ્તારોથી અનેક વખત પથ્થરો પડતા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં વરસાદ આફત બની ત્રાટકી રહ્યો છે. અનેક લોકોના જીવ આ વરસાદને કારણે થયેલી તબાહીમાં ગયા છે. ઠેર-ઠેર ભૂસ્ખલનના દ્રશ્યો, રસ્તાઓનું ધોવાણ થવું સહિતની દુર્ઘટનાઓ અનેક દિવસોથી સામે આવી રહી છે. હિમાચલ પ્રદેશના હાલ બેહાલ થઈ રહ્યા છે. એવી માહિતી સામે આવી છે અત્યાર સુધીમાં ભૂસ્ખલન તેમજ વાદળ ફાટવાને કારણે 55 જેટલા લોકોના મોત થઈ ગયા છે.
ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે થયા આટલા લોકોના મોત
હિમાચલ પ્રદેશથી અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ભૂસ્ખલન થવાને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. રસ્તાનું ધોવાણ થવાને કારણે તેમજ પહાડ પરથી મોટા મોટા પથ્થર પડવાને કારણે લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં થઈ રહેલો વરસાદ પોતાની સાથે વિનાશ લઈને આવ્યો છે. સંપત્તિને કરોડોનું નુકસાન પહોંચ્યું છે. સોમવારે શિમલાના સમર હિલ વિસ્તારમાં જે ભૂસ્ખલન થયું હતું તેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. ગઈકાલે શવને નિકાળવાની કામગીરી કરવામાં આવી રહી હતી. સેનાની મદદ પણ લેવામાં આવી રહી છે.
જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભયંકર છે...
ત્યારે ફરીથી એક વખત સમર હિલમાં ભૂસ્ખલનની ઘટના બની છે. તે ઉપરાંત શિમલાના કૃષ્ણાનગર વિસ્તારમાં પણ ખતરનાક ભૂસ્ખલન થયું છે. ઝાડ એક બિલ્ડિંગ પર પડી ગયું. તે બાદ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું હતું. શિમલા કાલકા હેરિટેજ રેડ લાઈન પાસે પણ ભૂસ્ખલન થયું હતું. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી શિમલાથી આવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દુર્ઘટનાઓ સિવાય કંઈ હોતું નથી. અનેક લોકોના મોત ભૂસ્ખલનને કારણે થયું છે. જે તસવીરો સામે આવી છે તે ડરાવી દે તેવી છે.